લંડનઃ યુકેના સૌથી મોટા સુપરસ્ટોર ચેન ટેસ્કોમાં ખરાબ રીતે વર્તન કરવામાં આવતા પથરી ખસી જવાથી કિડની પર અસર પડી હોવાના આરોપસર ભારતીય મૂળના ૬૩ વર્ષના વકીલ લાલુ હનુમાને સુપરસ્ટોર પર કેસ કરવા સાથે ૭૦,૦૦૦ પાઉન્ડનો નુકસાનીનો દાવો પણ કર્યો હતો.
વકીલ લાલુ હનુમાને કહ્યું હતું કે તેમની પર પૈસા ચૂકવ્યા વગર ચોકલેટની ચોરીનો ખોટો આરોપ મૂકાયો હતો. એક સંગીતના કાર્યક્રમમાં જતા પહેલાં હનુમાને સ્ટોરના સેલ્ફસર્વિસ કાઉન્ટરમાંથી લાલુએ ૧.૦૫ પાઉન્ડના ચોકલેટ બારની ખરીદી કરી હતી અને તેના નાણા પણ ચૂકવી દીધા હતા. સેન્ટ્રલ લંડનના રસેલ ટાઇમ્સ વિસ્તારના સ્ટોરમાંથી ચોકલેટ ખરીદ્યા પછી તેમણે નાણા ચૂકવ્યાની રસીદ ફાડીને ફેંકી દીધી હતી અને ટેસ્કો એક્સપ્રેસ સ્ટોરમાંથી બહાર જવાનો પ્રયાસ કર્યો હતો.
અખબારી અહેવાલ અનુસાર, તેમને સ્ટોરના સિક્યુરિટી ગાર્ડે રોકી ચોકલેટની ખરીદીનાં નાણા નહિ ચૂકવ્યાનો આરોપ મૂક્યો હતો. વકીલ હનુમાને કહ્યું હતું કે, ગાર્ડે મને ધક્કો મારી સ્ટોરમાં ધકેલી દીધો હતો જેના કારણે મારી કિડનીની પથરી ખસી જવાથી તકલીફ સર્જાઈ હતી.
ટેસ્કોએ કબુલ્યું હતું કે હનુમાને ચોકલેટના પૈસા ચૂકવી દીધા હતા પરંતુ બારકોડેડમાં ડબલસ્વીપ કરતાં આ ગેરસમજ ઊભી થઇ હતી. વકીલને ચેકઆઉટ થાય ત્યાં સુધી સેલ્ફસર્વિસનો ઉપયોગ કરવાની જરૂર હતી. હનુમાનના કેસની સુનાવણી ૨૧ જુલાઇએ થશે.