લંડનઃ હૈદરાબાદના ૨૪ વર્ષીય ભારતીય નાગરિક નદીમુદ્દીન હમીદ મોહમ્મદની ચપ્પાના ઘા મારીને લંડનમાં હત્યાની ઘટનામાં પોલીસે મૂળ પાકિસ્તાની સહકર્મચારી આકીબ પરવેઝની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે ભારતીય મૂળના નદીમુદ્દીન અને આકીબ પરવેઝ એક જ સ્ટોરમાં કામ કરતા હતા. નોકરીમાં ખરાબ પરફોર્મન્સના કારણે મેનેજર નદીમુદ્દીને બે સપ્તાહ પહેલા આકીબને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. આથી, રોષે ભરાયેલા આકીબે નદીમુદ્દીનની હત્યાનું કાવતરું રચ્યું હતું. અકિબ પરવેઝને રિડીંગ ક્રાઉન કોર્ટમાં રજૂ કરી તેની સામે હત્યાનો કેસ દાખલ કરાયો હતો.
બર્કશાયરસ્થિત ટેસ્કો સુપરમાર્કેટના માર્કેટિંગ વિસ્તારમાં સુરક્ષાકર્મીઓને નદીમુદ્દીનની લાશ મળી આવી હતી. આઠ મેના રોજ નદીમુદ્દીન કામ પરથી પાછો ફરી રહ્યો હતો ત્યારે આકીબે પાર્કિંગમાં નદીમુદ્દીન પર છાતીના ભાગમાં ચપ્પુ મારી હુમલો કર્યો હતો. નદીમુદ્દીનનુ સ્થળ પર જ મોત થયુ હતું. પોલીસે આકીબની ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.
મૃતક યુવાન હૈદરાબાદના ઓલ્ડ સિટી વિસ્તારનો રહેવાસી હતો. હૈદરાબાદની કોલેજમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ નદીમ વર્ષ ૨૦૧૨માં લંડન ગયો હતો અને સુપરમાર્કેટમાં નોકરી શરૂ કરી હતી. તેના માતા-પિતા પણ સાથે રહેવા માટે પહોંચી ગયા હતા. નદીમની ગર્ભવતી ડોક્ટર પત્ની અફ્શા ૨૫ દિવસ પહેલાં જ લંડન પહોંચી હતી. સબંધીઓ અનુસાર, નદીમ ખૂબ જ નમ્ર સ્વભાવનો હતો જેણે એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ભારતમાં અફશા સાથે લગ્ન કર્યા હતા.
નદીમના પારિવારિક મિત્ર ફહીમ કુરેશીએ જણાવ્યા પ્રમાણે મોડીરાત સુધી નદીમ ઘરે પરત ન ફરતા લંડનમાં તેની સાથે રહેતાં તેની પત્ની અને માતાએ સુપરમાર્કેટના વહીવટકર્તાને ફોન કર્યો હતો. સુપરમાર્કેટના કર્મચારીઓએ સાથે મળીને નદીમની શોધ શરૂ કરી હતી અને તેમને પાર્કિંગમાંથી તેનું શબ મળી આવ્યું હતું.