આજથી બરાબર ૩૯ વર્ષ પહેલા તારીખ ૨૬ જૂન ૧૯૭૬ના રોજ ભારતમાં લોકશાહીને પથારીવશ કરીને ઇમરજન્સીનું શાસન લાદવામાં આવ્યું હતું. બન્યું એવું હતું કે રાયબરેલીથી ચૂંટાયેલા શ્રીમતી ઇન્દિરા ગાંધી સામે તેમના હરીફ રાજનારાયણે ચૂંટણીમાં ગેરરીતિનો કેસ માંડેલો. તે કેસ સાબિત થયાનો કોર્ટનો ચુકાદો આવતાં ઇન્દિરાજીએ સત્તા ગુમાવવી પડે એ નિશ્ચિત લાગતા તેમણે ખાસ વટહુકમથી દેશ ઉપર કટોકટી લાદી હતી. વિરોધ પક્ષો હોબાળો મચાવે તે પહેલાં તમામને મુંગા કરી દેવા હઠીલા ઇન્દિરાએ 'મીસા' નામના કાળા કાયદા હેઠળ દેશભરના રાજકીય વિરોધીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
મેં પોતે પણ જેલવાસ વેઠ્યો છે. હાલ યુ.કે.માં સાસરે રહેતી મારી દીકરી હીના હાલ ૪૦ વર્ષની છે. તે જ્યારે ૯ મહિનાની હતી ત્યારે ૨૬ જુન ૧૯૭૬ની રાત્રે દોઢ વાગ્યે પોલીસ જામખંભાળિયામાં નાગરપાડામાં આવેલા મારા ઘરે ત્રાટકી હતી અને પકડીને મને જેલભેગો કરી દીધો હતો. તે વખતે ખંભાળિયામાં હું 'જનસંઘ'નો સંગઠન મંત્રી હતો.
ભારતની લોકશાહીની 'સોનાની થાળીમાં લોઢાની મેખ' જેવા કટોકટીના લગભગ ૫૬૭ દિવસની યાદ દર વર્ષે જૂન મહિનો શરૂ થાય છે. ત્યારે અચૂક આવી જાય છે.
આપણા ‘ગુજરાત સમાચાર’માં માનનીય શ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ અનેક વખત કટોકટીના વિષય ઉપર ભરપૂર લખીને નવી પેઢીને જૂના ઇતિહાસથી માહિતગાર રાખ્યા છે.
- જગદીશ ગણાત્રા, વેલીંગબરો.
જીવંત પંથ ખૂટે ના મારો ...
વીસ વરસથી 'ગુજરાત સમાચાર' વાંચવાની ટેવ પડી ગઈ છે. શુક્રવાર આવે અને રાહ જોઈએ છીએ કે ક્યારે આવે ને વાંચીએ. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'ના સર્વે કાર્યકર્તાઓને ખૂબ જ અભિનંદન અને અમારા જેવા વડીલોના ખુબ જ આશીર્વાદ.
'એશિયન વેડિંગ' વિશેષાંકમાં કોકિલાબહેનનો લેખ ખૂબ જ ગમ્યો હતો. લગ્ન સંસ્કાર બદલાતી વિચારસરણી પોશાક પરિધાન બધું યાદ કરીને તમે લખ્યું. ખૂબ જ ધન્યવાદ. તેમાં એક વાક્ય ‘મારું અને તારું મટી આપણુંનો ભાવ પેદા થાય ત્યારે તે લગ્નની ગાંઠ મજબૂત બનતી જાય' એ સમજવા જેવું છે. બીજું લખ્યું કે 'કન્યા પૂછે તારા ઘરમાં ડસ્ટબીન છે' એ તો ખરેખર મેં પોતે સાંભળ્યું છે. તો શું કન્યાના મા-બાપ નથી હોતા? તે કેમ વિચારે નહીં?
સી.બી.ના લેખ 'જીવંત પંથ' કાયમ વાંચું છું, તેમાંથી ખૂબ જાણવાનું અને શીખવાનું મળે છે. ‘જીવંત પંથ’માં 'મૃત્યુ મરી ગયું રે લોલ' કાવ્ય ખૂબ જ ગમ્યું. કિનારે બેસી અંતરમનમાં ડૂબકી મારવાની મજા આવી. પ્રગતિના પંથે દોરી જતી જડીબુટ્ટી પ્રેરણા-પ્રોત્સાહન-પીઠબળ. 'જીવન પંથ ખૂટે ના મારો જીવન પંથ ખૂટે ના' સાચી અને ખૂબ જ સરસ પંક્તિ છે.
'પથિક તારે વિસામના દૂર દૂર આરા, તારા દૂર દૂર આરા...' લગભગ સાંઠ વર્ષ ઉપર મેં આ ગીત દારે સલામમાં શીશુકુંજમાં ગાયું હતું. મને એ ગીત ખૂબ જ ગમે છે અને મારી પાસે તે આખુ ગીત છે.
૮૩ વર્ષની ઉંમરે ગાંડુ-ઘેલું લખાયું હોય તો માફ કરશો. જોકે, આપ સૌ વડીલોને ખૂબ જ માન આપો છો એ તો અમે સૌ જોઈએ જ છીએ. તે માટે ખૂબ જ આભાર અને વડીલોના આશીર્વાદ તમને હંમેશા મળતા જ રહેશે.
- નીરુબહેન દેસાઈ, ફોરેસ્ટ ગેટ
સમર્પણ, સંયમ, ત્યાગ
તા. ૬-૬-૧૫ના 'ગુજરાત સમાચાર'નો અંક મળ્યો. આ વખતના 'ગુજરાત સમાચાર'માં ઘણી ઘણી માહિતી સાથે વિગતવાર સમાચાર વાંચીને ખરેખર સંતોષ થાય છે. પહેલે જ પાને, સમર્પણ, સંયમ, ત્યાગને વરી દિક્ષા લીધી તેના વિગતવાર સમાચાર ફોટા સાથે વાંચીને ખુશી થઇ. આવા દાતાર, દાનવીર આટલી સંપત્તિ મૂકીને ભારતના સૌથી ધનવાન વેપારી શ્રી ભંવરલાલ દોશીએ તમામ ધન-દૌલતનો ત્યાગ કર્યો અને દોઢ લાખથી પણ વધુ જૈન-જૈનેતરોની હાજરીમાં જૈન સાધુ તરીકે દીક્ષા અંગીકાર કરી સાચા સત્માર્ગ અને સંયમ માર્ગે પ્રયાણ કર્યું. આપણે સૌ જાણીએ જ છીએ કે જૈન ધર્મ કેટલો ઊંચો છે.
શ્રી ભંવરલાલજીને ખૂબ ખૂબ સફળતા મળે, પોતાની અંતઃકરણની દરેક મનોકામના પૂરી થાય અને ભાગ્યરત્નવિજયજી મહારાજ સાહેબ તરીકે ઓળખાય તે માટે પરમકૃપાળુ પરમાત્મા અને શ્રી મહાવીર સ્વામીને નત મસ્તકે પ્રાર્થના.
- પ્રભુદાસ જે. પોપટ, હંસલો
‘જીવન એક સંગ્રામ’
આજના કળિયુગનાં સમયમાં આ ધરતી પર ઘણું બધું અનિષ્ટ થઈ રહ્યું છે. જેનો કોઈ અંત જ નથી. માનવી અનિતી અને અસત્યનું આચરણ કરતા અચકાતા નથી. અને એની કોઈ મર્યાદા નથી. અને બેફામ રીતે જીવન જીવતા હોય છે. આજે કોઈને કોઈની પડી નથી. માનવી પૈસા પાછળ પાગલ થઈ ગયા છે. પૈસા મેળવવા માટે કેવા કેવા પ્રપંચો આદરે છે અને અનિતીના માર્ગને અપનાવી ધનની પ્રાપ્તિ કરે છે. આ જગતમાં એવો કોઈપણ માનવી નહી જેને સુખ વહાલુ ન હોય. બધાને સુખ સહ્યાબીની આકાંક્ષા હોય છે. પણ એમ બધાને સુખ પ્રાપ્ત થતું નથી. આ સંસાર અસાર છે. એક સંગ્રામ છે. અને દુખથી ભરેલો દરિયો છે. આજે કોઈના મનને શાંતિ નથી. કારણ કે કોઈને પૈસાની ઘેલછા લાગી હોય છે. તો કોઈને બીજાના સુખની ઈર્ષા અદેખાઈ સતાવતી હોય છે. કોઈનું સુખ જોઈને મનમાં ને મનમાં બળ્યાં કરે છે. આજે એવું કોઈ ઘર નહિ હોય કે જેના ઘરમાં કોઈને કોઈને કોઈ પણ જાતની સમસ્યા નહી હોય!!! આજે માનવી સત્યને ભૂલી ગયો છે અને અસત્યને માર્ગે જઈ રહ્યો છે. જેને કારણે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. જેનું કોઈ નિવારણ જ નથી.
કવિ પ્રદિપનું ‘નાસ્તિક’ ફિલ્મનું એક ગાયન છે.
‘દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન કીતના બદલ ગયા ઇન્સાન’
- રતિલાલ ટેલર, સાઉથગેટ
ટપાલમાંથી તારવેલું
• હંસલોથી અતુલભાઇ પુરોહિત જણાવે છે કે 'આપણે ત્યાં અમદાવાદ અને અન્ય મોટા શહેરોમાં છેક હજુ હવે મેટ્રો ટ્રેન અને BRTS બસ સેવા લાવવામાં આવી છે. પણ અહિં લંડનમાં જે રીતે સૌ પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે તેમ અમીર ગરીબ સૌ કોઇ ભાારતમાં મોટા શહેરો સીવાય પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા નથી. આના કારણે આવાનાર વર્ષોમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ તો વધશે જ સાથે સાથે પ્રદુષણની માત્રા પણ વધી જશે.