જ્યારે જ્યારે દુનિયામાં કોઈ પણ જગ્યાએ કુદરતી આફત આવી પડે છે અને તેમાં થતી તબાહી, જાન-માલને થતા ભયંકર નુકસાન અને પાણી-ખોરાક માટે તરફડતા લોકોના સમાચાર વાંચીને અને ટી.વી. ઉપર તેનાં દ્રશ્યો જોઈને હૃદય કંપી ઊઠે છે. બનતી મદદ કરવા હૃદયમાં અનંત ઈચ્છા થાય છે. સામાજીક, ધાર્મિક સંસ્થાના નામે ઉઘરાણા કરતા કેટલાક લોભીયા-ધૂતારા લોકોનો રાફડો દેશ-પરદેશમાં ઊભો થાય છે. પરસેવો પાડીને કરેલી કમાણીમાંથી કરાતા લોકોના દાનનો ઉપયોગ તેઓ પોતાના મોજ-શોખ માટે કરે છે.
જ્યારે આવા સમાચાર વાંચીએ ત્યારે મનમાં મોટો પ્રશ્ન ઊભો થાય છે કે ભવિષ્યમાં જ્યારે આવી કુદરતી આફત ઊભી થાય ત્યારે દાન આપવું કે નહીં? લોભીયા-ધૂતારા સિવાય બીજી સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ તે સમયે થયેલી પરિસ્થિતિનો લાભ લઈને દાન ઉઘરાવતા હોય છે પણ તેના કેટલા ટકા કુદરતી આફતમાં ફસાયેલા લોકો માટે વપરાય છે તે એક મોટો પ્રશ્ન છે? ૨૦૧૦માં જ્યારે હેઈટીમાં ધરતીકંપ થયો ત્યારે કેનેડાના બ્રોમ્પટન શહેરના એક હિંદુ મંદિરે ખૂબ પૈસા ઉઘરાવ્યા અને ત્યારબાદ પોલીસને ફરિયાદ કરી હતી કે ઉઘરાવેલા પૈસાની દાનપેટી ચોરાઈ ગઈ. આ મંદિરમાં એટલી ગેરરીતિઓ, સત્તા માટેની સાઠમારી થતી હતી કે કોર્ટના ઓર્ડર પ્રમાણે જ્યારે દાનપેટી ખોલવામાં આવે ત્યારે પોલીસની હાજરી હોવી જોઈએ.
આપણા મંદિરો, ગુરદ્વારા, ચર્ચ, મસ્જિદોમાં પણ ઘણી ખરી જગ્યાએ સત્તા, ખુરશી વિ. માટે ઝઘડા, સાઠમારી, મારામારી અને ખાનાખરાબી થયાના સમાચાર આવતા હોય છે. અત્યારે લોકોનું માનસ બીજાની તથા પોતાના ભાઈ-ભાંડુઓની જમીન-જાયદાદ પોતાના મોજશોખ માટે પચાવી પડવાનું થઈ ગયું છે. કર્મના સિદ્ધાંત મુજબ વહેલા કે મોડા આ જ જીવનમાં તેનો ન્યાય આપશે તેમ માની ભવિષ્યમાં દાન કરતા રહીશું. ફાધર્સ-ડે નજીક આવી રહ્યો છે તો સર્વને ફાધર્સ-ડેની શુભકામનાઓ.
- સુરેશ અને ભાવના પટેલ, કેનેડા.
ઘંટ વગરનું શ્રીકૃષ્ણનું મંદિર
યુ.કે.માં જ્યાં જ્યાં મંદિરો બનેલા છે, તે મંદિરોમાં જતો કોઈ પણ ભક્ત મંદિરના દ્વારે જઈ અંદર જતાં પહેલાં પ્રવેશદ્વારે લટકાવેલ ઘંટ વગાડ્યા પછી જ મંદિરના ઉમરાને પ્રણામ કરી અંદર જઈ મૂર્તિના દર્શન કરતા હોય છે. આ બધાં જ મંદિરોની પ્રણાલિકા હોય છે.
યુ.કે.માં જૂજ મંદિરો હતા, તેવા સમયે અહીં વેસ્ટ બ્રોમીચમાં (વેસ્ટ મિડલેન્ડ્સ)માં મંદિર બનેલ. જૂના ચર્ચને નવું સ્વરૂપ આપી સુંદર આધુનિક મંદિર બનેલ છે. જેની બાંધણી યુ.કે.ના મંદિરમાં નમૂનેદાર હોવાનું મનાય છે. પણ અહીં મંદિરોના પ્રવેશદ્વારે ઘંટની સગવડ નથી.
આટલું શાનદાર મંદિર બન્યા પછી મંદિરોની જરૂરિયાતોમાં ઘંટ (બેલ) હોવો જોઈએ જ. એ ત્યાંથી આવું કેમ છે?
- ગોવિંદભાઈ કુંભારિયા, (ટીપટોન - વેસ્ટ મીડલેન્ડ)
મોદી સરકારનો બીજા વર્ષમાં પ્રવેશ
સૌ પ્રથમ એબીપીએલ ગ્રુપના બન્ને અખબારોની તદ્દન નવી વેબ સાઈટ અઘતન રૂપે આ અઠવાડિયાથી રજુ થઇ તે બદલ એબીપીએલ ગ્રુપ પરિવારને ખુબ ખુબ અભિનંદન. 'ગુજરાત સમાચાર'ના તાજેતરના અંકમાં ભારતના આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એનડીએ સરકારનું એક વર્ષ પૂરું થયું અને બીજા વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે એક વર્ષના લેખાજોખાની વિસ્તૃત માહિતી વાંચીને ખૂબ જ હર્ષ થયો છે.
ભારતનું ભાગ્ય બદલાઇ રહ્યું છે, જેમાં કોઇ શંકા નથી. યાદ રહે કે મોદીજીએ કહેલું કે કડવી દવા પીવડાવી પડશે. કારણ એજ કે છેલ્લ ૬૦ વર્ષના શાસનમાં અને છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન યુપીએ સરકારની તદ્દન બેહાલ કાર્યવાહીથી ભારતના લોકોની પરેશાની ખૂબ જ વધી હતી. તેને સુધારવા અનેક ઉપાયો છેલ્લા વર્ષમાં થયા છે અને અનેક કૌભાંડો બહાર આવ્યા છે.
દેશની આર્થિક દશા સુધરી રહી છે અને અનેક નકામા કાયદાનો નિકાલ થઇ રહ્યો છે. સરળ કાયદા પછી ખાસ કરીને ગરીબોને સમજ પડે અને વચલા એજેન્ટો રહિત શાસનનો આરંભ થયો છે. આ સરકારને પાંચ વર્ષ માટે લોકોએ ચુંટી છે માટે આવનારા વર્ષોમાં ભારત ખૂબ જ પ્રગતિના પંથે રહેશે. મોદીજીનું સ્વચ્છતા અભિયાન, જમીનના કાયદા જેવી યોજનાઅોથી વિકાસ થઇને જ રહેશે. કારણ કે વિકાસ ત્યારે જ થાય જયારે દેશના ગરીબોની આર્થિક સ્થિતિ બદલાય.
ભારત પાસે ૬૫ ટકા યુવાનો છે. માનવ શક્તિને રોજગાર આપીને દેશના અર્થકરણમાં પ્રગતિ આવે. ફાજલ જમીન દેશ માટે ઉપયોગમાં લઇ ઉદ્યોગપતિઅો પોતાના વ્યવસાયનો વિકાસ કરી કરોડો બેરોજગારોને નોકરી આપશો તો ભારતનો વિકાસ થશે. કમનસીબે વિરોધ પક્ષો આ યોજનાને ખેડૂત વિરોધી અને ગરીબો વિરોધી કહી ભારતના વિકાસમાં રોડા નાખે છે.
તાજેતરમાં કોંગ્રેસના રાહુલ ગાંધી 56 દિવસ ભારતમાંથી બહાર રહીને આવ્યા પછી રોજે રોજ મનઘડંત આક્ષેપો કરી સરકારને બદનામ કરી રહ્યા છે.
ભરત સચાણીયા અને પરિવાર, લંડન
અનેરા દાનવીર પી. કલ્યાણ સુંદરમ
આ વાત તામિલનાડુના તીરૂનેવલી જિલ્લાના મેલકાર્વલંગુલન ગામના વતની (૩૦ ઘરનો સમૂહ, ન રસ્તો, ન બસ, ન લાઈટ, ન સ્કૂલ) પી. કલ્યાણ સુંદરમની છે. તેઓનો જન્મ ઓગષ્ટ ૧૯૫૩માં થયો હતો.
તેઓ ઈતિહાસ સાહિત્ય સાથે એમ.એ. અને લાયબ્રેરી સાયન્સના ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે તેમજ બેસ્ટ લાયબ્રેરીયન ઓફ ઈન્ડિયા, વન ઓફ ધ ટોપ ૧૦ લાયબ્રેરીયન્સ ઓફ ધી વર્લ્ડ, વન ઓફ ધ નોબલેસ્ટ ઓફ ધ વર્લ્ડ, વન ઓફ ધી આઉટસ્ટેન્ડીંગ પીપલ ઓફ ધ ૨૦ સેન્ચ્યુરી' અને 'મેન ઓફ ધ મિલેનિયમ'થી વિભૂષિત છે.
શ્રી સુંદરમની ખાસીયત છે કે એમણે જીવનભર પોતાનો એકે એક મહિનાનો પગાર દાનમાં આપ્યો છે. વારસામાં મળેલી તમામ પૈતૃક સંપત્તિ, નિવૃત્તિના બધા જ લાભો (પેન્શન, ગ્રેજ્યુઈટી, એરીયર્સ) સુદ્ધાં સામાજિક કલ્યાણ માટે દાનમાં આપી દીધાં છે. તેમની દાન સિદ્ધિની વાત બહાર આવતાં અમેરિકાની એક સંસ્થાએ તેમને માનસન્માન સાથે રૂ. ૩૦ કરોડ આપ્યા હતા. શ્રી સુંદરમે પૂરેપૂરી તે રકમ પણ દાનમાં આપી દીધી હતી. તેમની આ યાત્રાની શરૂઆત સન ૧૯૬૨ ભારત-ચીન યુદ્ધ અને પંડિત નહેરૂની ડિફેન્સ ફંડ માટેની ટહેલથી થઈ. વિદ્યાર્થી તરીકે સોનાની ચેઈન ફંડમાં આપી. કે. કામરાજ - મુખ્ય પ્રધાન તામિલનાડુએ તેમને સન્માન્યા ત્યારથી આજ પર્યંત ચાલુ રહી છે. આમ આખી જીંદગી પૂરેપૂરી આવક દાનમાં આપી દેનારી વિશ્વની ૧લી અને એકમાત્ર વ્યક્તિ ભારતીય કલ્યાણ સુંદરમ છે.
૧૯૯૮માં ૩૫ વર્ષની તુતીકોરીન કુમારપ્પા આર્ટસ કોલેજની નોકરી બાદ ‘પાલમ’ નામે સંસ્થાની શરૂઆત કરી શિક્ષણ સારવાર વૃદ્ધોની સહાય, અપંગને સાથ વિ. પ્રવૃત્તિઓ કરે છે. પાલમની સભ્યપદ ફી વાર્ષિક રૂ. ૧ છે. તેમની થોડીઘણી જરૂરિયાતો માટે તેઅો નાની નોકરી હોટેલ - લોન્ડ્રીમાં કરી લે છે. અને હા, મરણ બાદ તેમણે શરીરદાનનો પણ સંકલ્પ કર્યો છે.
સો સો સલામ તમને કલ્યાણ સુંદરમ ને.
- ભીખુભાઈ, નોટિંગહામ
મહાન ગ્રંથ: શ્રીમદ ભગવદ્ ગીતા
હમણાં, થોડા દિવસો પહેલાં, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ બોલ્યાં હતાં કે 'ભગવદ ગીતાને ભારતના મહાન ગ્રંથ તરીકે અપનાવવો જોઈએ'. આ માંગ અસ્થાને નથી. ગીતા - મહાભારતનો એક ભાગ છે કે જેમાં દુનિયાના બધાય ધર્મો કરતાં આધ્યાત્મ તેમજ માનવીનાં જન્મજાત વૃત્તિ અને સ્વભાવના જ્ઞાનનો અજોડ ભંડાર ભર્યો છે એ નિર્વિવાદ છે. શ્રીમદ્ ભગવદ ગીતા ભારત એકલામાં જ નહીં પરંતુ આખી દુનિયાની આસ્થા ધરાવતી માનવજાત માટે એક સૌથી શ્રેષ્ઠ અને મહાન ગ્રંથ છે અને એને વિના સંકોચે માન્ય રાખવો જ જોઈએ એમાં બે મત હોઈ શકે નહીં.
- ડો. નગીનભાઈ પી. પટેલ, નોરવુડ હીલ