આપણે પ્રમાણિક નાગરિક તરીકે શેરી, રસ્તા કે કોઈ જાહેર જગ્યાએ કોઈ વસ્તુ કે મિલ્કત મળે તો સ્વાભાવિક રીતે પોલીસ સ્ટેશને જઈને સુપ્રત કરશું. જેથી કરીને પોલીસ તે મિલ્કત તેના સાચા માલિકને પહોંચાડી દે અથવા તે મિલ્કતનો કોઈ દાવો ન કરે તો પોલીસ તેના સાચા માલિકને શોધવામાં નિષ્ફળ જાય તો ‘Finders Keeper, Loosers Weeper’ની કહેવત મુજબ જે વ્યક્તિને આ મિલ્કત મળી હોય તેની માલિકી થઈ જાય.
પરંતુ હવે ઘણાં શહેરોના પોલીસ વિભાગની જેમ તાજેતરમાં કેન્ટના પોલીસ ખાતાએ પણ નિવેદન કર્યું છે કે જુન મહિનાથી ત્યાંની પોલીસ આવી મિલ્કતને હાથ લગાડશે નહીં. પરંતુ તેઓ અપેક્ષા રાખે છે કે કોઈને મિલ્કત મળે તેઓ તે વસ્તુના માલિકને શોધવાના વ્યાજબી પગલાં લે. જેવા કે સોશિયલ મીડિયા, ફેસબુક, પોસ્ટર વગેરે પર જાણ કરે. જો આવા પગલાં નહીં લો તો ‘Theft by Finding’ના કાયદા મુજબ આ ચોરીનો ગુનો ગણાશે અને એ માટે કદાચ તમારા ઉપર ચોરીનો આરોપ મૂકીને કોર્ટમાં પણ લઈ જવાશે.
આપણા એમ.પી. કીથ વાઝે આ પગલાંને વખોડતાં કહ્યું છે કે 'સારા, પ્રમાણિક, કાયદાપાલક નાગરિકને, મળેલી વસ્તુના માલિકને શોધવાના પ્રયત્નો ન કરવા બદલ સજા કરવી એ હાસ્યાસ્પદ છે.
- મુકુન્દ આર. સામાણી, લેસ્ટર
નમો, મહેનત અને ફળ
નમો સરકારે આ મે મહિનામાં એક વરસ પૂરુ કરેલ છે. ત્યારે તેમણે કરેલાં વાયદામાં તેઓ અને તેમની સરકાર કેટલાં સાચાં ઠર્યા છે તે બાબતે ચર્ચા-વિચારણા ટીવીનાં માધ્યમથી જોવા સાંભળવા મળી. મારું માનવું છે કે નમો સરકારે આપણાં દેશની પ્રગતિ અને સારાં દિવસો આવે તે માટે આકાશ-પાતાળ એક કરીને તનતોડ મહેનત કરી રહ્યાં છે. (નમોએ તો મહેનત કરી જ છે. પણ બીજા નેતાઓની મને ખબર નથી.) સરકારી બાબુઓ માટે એક વરસ જેવો સમય એક મહિના જેવો ટૂંકો ગણાવી શકાય તો પણ સરકારે જ કામ કરવું જોઈએ તે કર્યું હોય તેવું મને લાગે છે. (માફ કરજો, હું રાજકારણી કે વિવેચક નથી). મને તો લાગે છે કે નમો સરકારમાં એક વરસ સુધી કોઈ મોટું કૌભાંડ બહાર નથી આવ્યું એ જ માટે મારે મન ભારત દેશમાં સારા દિવસો આવી ગયાંના સંકેત છે.
બાકી તો નમો સરકાર ભારતવાસીઓના લાભાર્થે અનેક યોજનાઓ લાવી રહી છે. અને સાથે સાથે વિદેશમાં જમા થયેલ કાળું નાણું પણ દેશમાં પાછું લાવી શકશે તે બાબત પણ આખરી નિર્ણયમાં છે. વડાપ્રધાને ૧૮ જેટલાં દેશોની મુલાકાત લઈને (નમો વિદેશમાં મોજ-મજા કરવા કે મામાને ઘરે આંટો મારવા નથી જતા, દેશનું કંઈક ભલું થાય તે આશયથી જાય છે.) આપણાં દેશની છબી બીજા દેશો સમક્ષ સુધારી છે. સાથો સાથ ભારતદેશનાં વડાપ્રધાન પણ સમગ્ર વિશ્વમાં એક મહત્ત્વકાંક્ષી અને કદાવર નેતા તરીકે છવાઈ ગયા છે.
નમો સામે પડકારરૂપ ઘણા સવાલો અને સમસ્યાઓ છે આને તેનો સુખરૂપ ઉકેલ લાવવાં બીજો ગણો સમય લાગી જાય તો પણ દરેક ભારતવાસીઓ નમો તરફી જે અડગ વિશ્વાસ છે તેને ડગમગવા ન દેતા આપણે પણ આપણાં દેશનાં વિકાસ માટે 'સબકા સાથ સબકા વિકાસ'ને સાર્થક બનાવીશું તો ભારતદેશના સુખના દિવસો ઝાઝા છેટા નથી.
જયહિંદ
- નવનીત ફટાણીઆ, હેનવેલ
ભ્રુણ હત્યા મહાપાપ છે
જેમ સ્ત્રી હત્યા, બાળ હત્યા, બ્રહ્મ હત્યા મહાપાપ છે તેમ એક જીવને અવતરતા પહેલા મારી નાખવો તે મહાપાપ છે. અત્યારે છોકરીઓની સંખ્યા આમ પણ ઓછી થતી જાય છે. એક સમય એવો આવશે એક છોકરી દીઠ પાંચ છોકરા હશે. છોકરીઓ પોતાની ઉંચી કિંમત માગશે કે છોકરીના મા-બાપ દહેજ માગશે. અત્યારે છોકરાઅો કરતા છોકરીઓ મા-બાપનું વધારે ધ્યાન રાખે છે. દિકરી હમેશા દિકરી જ રહે છે, જ્યારે છોકરાના લગ્ન પછી તેને પણ પોતાની પત્ની, બાળકો હોય છે.
સીરીયામાં લડવા માટે જતા કટ્ટરવાદીઓને કહેવાનું કે તમે બાળકોને ગેરમાર્ગે દોરીને લડવા માટે મોકલો છો. તમે કદાચ પોતાના બાળકોને મારવા કે મરવા નહીં મોકલતા હો અને તેમને સલામત રાખતા હશો. તમે પણ કોઈ માતા-પિતાના તો બાળકો જ છો. તમારા માતા-પિતા પણ તમારા મરવાથી દુઃખી થશે. સારા રસ્તે, માનવતાના રસ્તે પાછા ફરો ઇશ્વર તમને સદબુદ્ધિ આપે.
- નયના નકમ, સાઉથ હેરો
જીવંતપંથ અને ગીતો-ભજનો
સીબીની જીવંતપંથ' કોલમમાં સમયે સમયે અવારનવાર વિવિધ ફીલ્મી ગીતો રજૂ કરે છે જેને વાચકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તેની સરાહના પણ કરવામાં આવે છે. ગત સપ્તાહના 'ગુજરાત સમાચાર'માં બેન્સનથી વાચક બહેન સુધાબેન ભટ્ટ દ્વારા 'દો આંખે બારહ હાથ' ફિલ્મના ગીત માટે વિનંતી કરવામાં આવી હતી.
આ સાથે ઇ-મેઇલ દ્વારા હું વિવિધ ફિલ્મો અને ગીતકારો દ્વારા ગવાયેલ ફિલ્મી ગીતોની વેબસાઇટ લિંક મોકલું છું. જે સુધાબેનને મોકલવા વિનંતી. તેઅો માત્ર ગીત સાંભળી જ નહિં જોઇ પણ શકશે.
'દો આંખે બારહ હાથ' ફિલ્મ ૧૦૫૭માં રીલીઝ થઇ હતી. ગીત સંગીત અને ફીલ્મોના શોખીન રસીયાઅો વિવિધ વેબસાઇટ પર અને યુટ્યુબ પર જઇને પસંદગીના ગીતો, ટીવી સિરીયલ્સ અને આખે આખી ફીલ્મો જોઇ શકે છે. નુરજહાં, સુરૈયા અને અન્ય જુના કલાકારોના ગીતો પણ આપને મળી શકશે. ખરેખર કોમ્પ્યુટર મઝાની વસ્તુ છે અને તેનો જો સદઉપયોગ કરવામાં આવે તો દિુનિયાની કોઇ જ એવી માહિતી નહિં હોય જે તમને તેમાં ન મળે.
રમણીક મોરઝરીયા. હાઇ વિકમ્બ.
ભારતીયો માટે ગર્વની વાત
'ગુજરાત સમાચાર'માં ભારતીય મતના સહારે કેમરન ફરી 'ટેન ડાઉનીંગ સ્ટ્રીટમાં' સમાચાર વાંચીને ખૂબ જ આનંદ થયો. એક દિવસ એવો હતો કે અહિ રેસ્ટોરંટ્સ અને ક્લબોમાં એવા બોર્ડ લગાવાતા કરે 'ડોગ એન્ડ ઇન્ડિયન આર નોટ અલાઉડ'. એ ભૂતકાળ હતો અને ભૂલી જવો જ જોઇએ. પણ આજે ભારતને આઝાદ થયાના ૬૮ વર્ષોમાં આપણે દુનિયા ભરમાં ભારતીયોની છાપ અને સ્થિતી બદલી કાઢી છે. આજે આપણા સૌ માટે ગર્વ અને આનંદની વાત છે કે બ્રિટનના વડાપ્રધાન, મંત્રીઅો અને વિપક્ષના નેતાઅો મંદિરોમાં જઇને આપણા ભગવાનને અભિષેક કરે છે કે હાથ પર 'નાડાછડી' બાંધે છે.
બેંકો, અૌધ્યોગીક ગૃહો, સરકાર, કોલેજો અને રાજકારણમાં ભારતીયોનો દબદબો છે. સૌ કોઇ એક ભારતીયને આદરથી જુએ છે. આ બધું રાતો રાત નથી થયું. આપણી મહેનત અને પરિશ્રમનું આ ફળ છે.
રાજુભાઇ વ્યાસ, નોર્બરી.
અનેરા દાનવીર પી. કલ્યાણ સુંદરમ
આ વાત તામિલનાડુના તીરૂનેવલી જિલ્લાના મેલકાર્વલંગુલન ગામના વતની (૩૦ ઘરનો સમૂહ, ન રસ્તો, ન બસ, ન લાઈટ, ન સ્કૂલ) પી. કલ્યાણ સુંદરમની છે. તેઓનો જન્મ ઓગષ્ટ ૧૯૫૩માં થયો હતો.
તેઓ ઈતિહાસ સાહિત્ય સાથે એમ.એ. અને લાયબ્રેરી સાયન્સના ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે તેમજ બેસ્ટ લાયબ્રેરીયન ઓફ ઈન્ડિયા, વન ઓફ ધ ટોપ ૧૦ લાયબ્રેરીયન્સ ઓફ ધી વર્લ્ડ, વન ઓફ ધ નોબલેસ્ટ ઓફ ધ વર્લ્ડ, વન ઓફ ધી આઉટસ્ટેન્ડીંગ પીપલ ઓફ ધ ૨૦ સેન્ચ્યુરી' અને 'મેન ઓફ ધ મિલેનિયમ'થી વિભૂષિત છે.
શ્રી સુંદરમની ખાસીયત છે કે એમણે જીવનભર પોતાનો એકે એક મહિનાનો પગાર દાનમાં આપ્યો છે. વારસામાં મળેલી તમામ પૈતૃક સંપત્તિ, નિવૃત્તિના બધા જ લાભો (પેન્શન, ગ્રેજ્યુઈટી, એરીયર્સ) સુદ્ધાં સામાજિક કલ્યાણ માટે દાનમાં આપી દીધાં છે. તેમની દાન સિદ્ધિની વાત બહાર આવતાં અમેરિકાની એક સંસ્થાએ તેમને માનસન્માન સાથે રૂ. ૩૦ કરોડ આપ્યા હતા. શ્રી સુંદરમે પૂરેપૂરી તે રકમ પણ દાનમાં આપી દીધી હતી. તેમની આ યાત્રાની શરૂઆત સન ૧૯૬૨ ભારત-ચીન યુદ્ધ અને પંડિત નહેરૂની ડિફેન્સ ફંડ માટેની ટહેલથી થઈ. વિદ્યાર્થી તરીકે સોનાની ચેઈન ફંડમાં આપી. કે. કામરાજ - મુખ્ય પ્રધાન તામિલનાડુએ તેમને સન્માન્યા ત્યારથી આજ પર્યંત ચાલુ રહી છે. આમ આખી જીંદગી પૂરેપૂરી આવક દાનમાં આપી દેનારી વિશ્વની ૧લી અને એકમાત્ર વ્યક્તિ ભારતીય કલ્યાણ સુંદરમ છે.
૧૯૯૮માં ૩૫ વર્ષની તુતીકોરીન કુમારપ્પા આર્ટસ કોલેજની નોકરી બાદ ‘પાલમ’ નામે સંસ્થાની શરૂઆત કરી શિક્ષણ સારવાર વૃદ્ધોની સહાય, અપંગને સાથ વિ. પ્રવૃત્તિઓ કરે છે. પાલમની સભ્યપદ ફી વાર્ષિક રૂ. ૧ છે. તેમની થોડીઘણી જરૂરિયાતો માટે તેઅો નાની નોકરી હોટેલ - લોન્ડ્રીમાં કરી લે છે. અને હા, મરણ બાદ તેમણે શરીરદાનનો પણ સંકલ્પ કર્યો છે.
સો સો સલામ તમને કલ્યાણ સુંદરમ ને.
- ભીખુભાઈ, નોટિંગહામ
ટપાલમાંથી તારવેલું
* વેમ્બલીથી અનિલાબેન પટેલ જણાવે છે કે આ વખતની ચૂંટણીઅોમાં ભારતીયોએ મેદાન માર્યું છે. પરંતુ, આપણે એ ન ભૂલવું જોઇએ કે વસ્તી અને અન્ય ઘણીબધી રીતે પ્રમાણમાં પાછળ એવા પાકિસ્તાની મૂળના લોકો આપણી સરખામણીએ વધારે બેઠકો જીત્યા છે. આપણા લોકોએ રાજકારણમાં વધારે પ્રમાણમાં ભાગ લેવો જ રહ્યો.
* સડબરીથી પંકજભાઇ દેસાઇ જણાવે છેકે 'ભારતમાં હાલમાં મોદીજીના વિદેશ પ્રવાસ માટે જે વિરોધ ઉભો થયો છે તે માટે જણાવવાનું કે આપણે તેલ જુઅો અને તેલની ધાર જુઅોની નીતિને અનુસરવું જોઇએ. ૬૭ વર્ષમાં જે નથી થયું તે ૧ વર્ષમાં નહિં થાય. આંબો પણકેરી રાતો રાત કે વર્ષમાં નથી આપતો? દેશને ઉભો કરવા મોદીજી નહિં કોઇ પણ નેતાને સમય લાગશે.