વિશ્વના મહત્ત્વના ધાર્મિક ઉત્સવો આવતા હોવાથી માર્ચ મહિનો ખૂબ પવિત્ર અને દિવ્ય મહિનો છે જેમાં હિન્દુ ધર્મના મહાશિવરાત્રિ અને હોળી, મુસ્લિમ ધર્મના રામાદાન, યુકે અને આયર્લેન્ડમાં મધર્સ ડે, ક્રિશ્ચિયન ધર્મના સેન્ટ પેટ્રિક્સ ડે અને ગૂડ ફ્રાઈડેના ઉત્સવો આવે છે.
એક જાણીતી દંતકથા અનુસાર મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ભગવાન શિવના દિવ્ય લગ્ન માતા પાર્વતી સાથે સંપન્ન થયા હતા. એમ મનાય છે કે મહાશિવરાત્રિની રાત્રે ભગવાન શિવે બ્રહ્માંડના તાલબદ્ધ સર્જન, પાલન અને વિનાશના પ્રતીકરૂપે વિરાટ તાંડવ નૃત્ય કર્યું હતું. હોળીનો તહેવાર ભારતીય ઉપખંડમાં વિવિધ હિન્દુ પરંપરા અનુસાર સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે. પોતાની ભૂતકાળની ભૂલોનો અંત લાવવા, અન્યો સાથે મેળમિલાપથી સંઘર્ષનો અંત લાવવાનો આ દિવસ ભૂલવા અને ક્ષમા કરવાનો છે. લોકો ઋણ ચૂકવે છે અથવા જતું કરે છે તેમજ પોતાના જીવનમાં નવેસરથી સંબંધો બનાવે છે.
પવિત્ર રામાદાન મહિનોઃ મુસ્લિમોની માન્યતા અનુસાર ઈસવી સન 610માં દેવદૂત ગેબ્રીઅલ મોહમ્મદ પયગમ્બર સમક્ષ આવ્યા હતા અને ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનનું જ્ઞાન આપ્યું હતું. આ જ્ઞાનપ્રકાશ, લયલાત અલ -કદ્ર અથવા ‘શક્તિની રાત્રિ’ રામાદાન મહિનામાં થઈ હોવાનું મનાય છે. મુસ્લિમો આ જ્ઞાનપ્રકાશને યાદ કરવાના માર્ગ તરીકે આ મહિના દરમિયાન રોજા-ઉપવાસ રાખે છે.
યુકે અને આયર્લેન્ડમાં લેન્ટના ચોથા રવિવારે - ક્રિશ્ચિયન ધાર્મિક ઈસ્ટર પહેલા 40 વીકડેઝના ગાળામાં મધર્સ ડે ઉજવે છે. સેન્ટ પેટ્રિક્સ ડે અથવા ફીસ્ટ ઓફ સેન્ટ પેટ્રિક ધાર્મિક અને સાંસ્કૃતિક પવિત્રદિન છે જે આયર્લેન્ડના સૌપ્રથમ પેટ્રન સંત સેન્ટ પેટ્રિકની પરંપરાગત મૃત્યુની તારીખ 17 માર્ચે ઉજવાય છે. આ દિવસને સેન્ટ પેટ્રિક તેમજ આયર્લેન્ડમાં ક્રિશ્ચિયાનિટીના આગમનનો સ્મૃતિદિન હોવા સાથે આઈરિશ વારસા અને સંસ્કૃતિની ઉજવણી સ્વરૂપે ઉજવાય છે. ક્રિશ્ચિયન ધર્મમાં ગૂડ ફ્રાઈડે મહત્ત્વનો પવિત્રદિન છે જે દિવસે જિસસ ક્રાઈસ્ટને વધસ્તંભે ચડાવાયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. આ જિસસના જીવનમાં બલિદાન અને પીડાને પ્રસ્તુત કરે છે. તમામ ધર્મોના ઉપદેશનો સાચો અર્થ એક જ છે, જે આપણા દૈનિક જીવનમાં વ્યવહારમાં ઉતારવાનો હોય છે. અમને અહંકાર, વાસના, લોભ, ઘૃણા, ગુસ્સા અને ઈર્ષાથી મુક્ત કરો અને પ્રામાણિક માનવી બનીએ અને જેમને જીવનમાં સૌથી વધુ જરૂરિયાત હોય તેમના માટે મદદનો હાથ લંબાવીએ.
બધા પર ઈશ્વરના આશીર્વાદ વરસતા રહે, સુરક્ષિત અને તંદુરસ્ત રહે.
સુરેશ અને ભાવના પટેલ
મારખમ, કેનેડા