વડિલોની મુલાકાત

Tuesday 19th May 2015 08:50 EDT
 

વડિલોની મુલાકાત

શ્રી સી.બી.એ કેન્ટનમાં રીટાયર્ડ હાઉસમાં રહી નિવૃત્તમાં પણ સતત પ્રવૃત્ત રહેતી માતૃશક્તિ, બહેનોની, વડીલોની મુલાકાત લઇને ખૂબજ સરસ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. અહિં વડીલ બહેનો ખુબજ સુખ-શાંતિથી દિલથી રહીને પ્રભુ ભજન કરે છે.

સીબીની મુલાકાત અને સાથ-સહકાર-સલાહથી બહેનો ખુબ ખુશ થઈ ગયા. સીબી દરેક જગ્યાએ અને ખાસ કરીને ધાર્મિક પ્રોગ્રામ હોય તો ત્યાં અચૂક હાજરી આપે જ છે જે તેમની પવિત્ર ફરજ અને અંતઃકરણની લાગણીનો પ્રભાવ છે. સીબી જ નહિં આવા સેવા કાર્યો કરનાર દરેકને લોકપ્રિયતા તો મળે જ છે સાથે સાથે લાગણીના આશીર્વાદ પણ મળે છે.

પ્રભુદાસ જે. પોપટ, હંસલો.

000000

સરદાર પટેલની સંસ્થાના હોદ્દેદારો

તા. ૧૬મી મે ૨૦૧૫ના 'ગુજરાત સમાચાર'માં તમારી વાત વિભાગમાં સતીષભાઇ શાહનો સરદાર પટેલ મેમોરીયલ સોસાયટીના હોદ્દેદારોની તકરાર વિષેનો પત્ર વાંચ્યો. અગાઉ શ્રી સીબી દ્વારા 'જીવંત પંથ' કોલમમાં પણ આ બાબતનો ઉલ્લેખ થયો હતો. પરંતુ મને આશ્ચર્ય એ વાતનું છે કે થાય છે કે ભલા માણસ સરદાર વલ્લભભાઇ પટેલના નામની સંસ્થામાં તમે આટલો મોટો હોદ્દો સંભાળતા હો અને તમારામાં સરદારશ્રીના જેવું અનુશાસન ન હોય તે કઇ રીતે ચાલે? તમે બ્રિટનમાં રહો છો ભારત કે પાકિસ્તાનના કોઇ ગામડામાં નહિં? શાંતિથી જરા વિચાર કરજો તમને તમારું વર્તન અસભ્ય લાગશે એમાં જરાપણ શંકા નથી?

સરદાર શ્રી પોતે સત્યાગ્રહ માટે જાણીતા હતા. તમને ન ફાવતું હોય તો સવિનય સત્યાગ્રહનો આશરો લેવો, દાખલા દલીલો રજૂ કરી પોતાની વાત રજૂ કરવી. પણ હિંસાનો આશરો લેવો અને વાત પોલીસ ફરિયાદ સુધી જાય તે કેટલું યોગ્ય કહેવાય?

જે માહિતી અત્યાર સુધી જાણવા મળી છે તે જોતાં એટલું સાફ થાય છે કે આટલી મોટી તકરાર થઇ તો પણ કમીટીમાં બેસેલા અન્ય સદસ્યોએ તેમને રોક્યા નહિં અને વાત તલવાર કાઢવા જેટલે સુધી પહોંચી તે કેટલું યોગ્ય કહેવાય? આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે આવી તકરાર તે અસભ્યતાની નિશાની છે.

સંસ્થા દ્વારા કોઇ જ કામગીરી થતી હોય તેવી માહિતી નથી. ભલા માણસ કામ કરતા નથી તો પછી ઝઘડા કરીને શું બતાવવા માંગો છો? તમારામાં જો જરા જેટલી શરમ હોય તો સંપી જાવ અને સારા કામ કરી બતાવો. તમે જે તકરાર કરી હતી અને વિવાદો સર્જાયા હતા તેનો ખુલાસો કરવો જોઇએ. આવા નેતાઅોને કોઇ મોઢા પર નહિં કહે પણ તમારી પાછળ જરૂર કહેશે.

- મણીભાઇ પટેલ, હેરો.

૦૦૦૦૦૦૦૦

જવાબ તો મોદી સાહેબ જ આપી શકે?

આપણે ડાયરેક્ટ ફ્લાઇટ માટે ચલાવેલી લડત એળે ન જાય તે માટે હવે ઝઝુમીને પોતાનો હક માંગવાનો સમય આવી ગયો છે. આપણે અમદાવાદ જવા માટે એર ફેર આપીએ છીએ. મફત તો જતા નથી ને! તો પછી શા માટે એરલાઇન્સ આપણી માંગણી પૂરી ન કરે? દરેક એરલાઇન્સની ફરજ છે કે તેમણે આપણી જરૂરીયાતને સમજીને અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવી જોઇએ. દુનિયામાં દરેક ક્ષેત્રમાં અને દરેક સ્થળે ગ્રાહકોનું ચાલે છે. પણ કોઇ એર લાઇન્સ બ્રિટનમાં વસતા ૬ લાખ ગુજરાતીઅોનું સાંભળતી ન હોય તે જાણીને ખરેખર નવાઇ લાગે છે.

આપણે સૌ 'એર ઇન્ડિયા' ડાયરેક્ટ ફ્લાઇટની માંગણીને મંજુર કરશે એવી નજર માંડીને બેઠા છીએ. પરંતુ સરકારી અધિકારીઅો પર ભરોસો કરવો કેટલો યોગ્ય કહેવાય? એર ઇન્ડિયા આવા અણઘડ વહિવટને કારણે તો લાખ્ખો રૂપિયાનું નુકશાન કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખુદે હૈયા ધારણ આપી હતી અને ડાયરેક્ટ ફ્લાઇટ માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી. હવે મોદી સાહેબ ખુદ વડાપ્રધાન છે તો આટલું નાનકડું કામ નહિં કરે? સ્વાભવીક છે કે વડાપ્રધાન તરીકે તેમની સામે ઘણી મોટી અને વધારે પ્રાથમિકતાઅો હશે. પણ શું બ્રિટનમાં વસતા લાખ ગુજરાતીઅો અને ગુજરાતથી આવતા ૪-૫ લાખ મુસાફરોની વ્યાજબી માંગણી તેમના ધ્યાન બહાર હશે? તેનો જવાબ તો મોદી સાહેબ જ આપી શકે?

રમેશ મહેતા, ક્રોયડન

૦૦૦૦૦૦૦૦

ભારતનું નાક: કિથ વાઝ

આપણે ગુજરાતી તરીકે ભલે એમપી પ્રીતિ પટેલ અને શૈલેષ વારા માટે ગૌરવ લેતા હોઇએ પણ આપણે સવાયા ગુજરાતી કિથ વાઝને ભુલી શકીએ નહિ. સતત સાતમી વખત બ્રિટનની સંસદમાં એમપી તરીકે ચૂંટાયેલા કિથ વાઝ ઘણા રેકોર્ડ પોતાના નામે ધરાવે છે. તેઅો છેક ૧૯૨૨ પછી સૌ પ્રથમ વખત ચુંટાયેલા ભારતીય મૂળના વ્યક્તિ છે. પાર્લામેન્ટમાં તેમના જેટલો લાંબો સમય કોઇ જ એશિયન કે ભારતીય વીતાવી શક્યા નથી. ૧૯૮૭માં તેઅો પ્રથમ વખત ચૂંટણી જીત્યા ત્યારે લેબર પક્ષમાંથી ચૂંટાયેલા સૌથી યુવાન એમપી હતા.

શ્રી કિથ વાઝ ગુજરાતીઅોની સૌથી વધુ વસ્તી ધરાવતા લેસ્ટર ઇસ્ટના એમપી છે. પરંતુ તેમણે ગુજરાતીઅો જ નહિં પણ ભારતીય અને એશિયન સમુદાયની જે સેવા કરી છે તેને કારણે જ આજે તેઅો લોકપ્રિય એમપી છે. તેમની પહોંચ અને વગ ખૂબ જ પુશ્કળ છે જે આપણા સૌ ભારતીયો માટે ગૌરવપ્રેરક છે.

આપણા લોકલાડીલા નેતા કિથ વાઝની મદદ આપણી ડાયરેક્ટ ફ્લાઇટના પ્રશ્ન માટે લઇએ તો તેઅો જરૂર મેળ પાડી શકે તેવા મોટા ગજાના નેતા છે.

- અજય પટેલ, લેમ્બેથ.

૦૦૦૦૦

૦૦૦

ફીર એક બાર કેમરન સરકાર

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા.૧૬મી મે'ના અંકમાં યુકેની ચુંટણીઓના ખૂબ જ વિસ્તૃત સમાચાર વાંચી આનંદ થયો. કન્ઝર્વેટીવ પક્ષે ખરેખર ખૂબ જ ભવ્ય વિજય હાંસલ કર્યો છે. યુકેઆઇપીના નાયજલ ફરાજે જોરદાર વિરોધી પ્રચાર કર્યો હોવા છતાં દેશના બહુમતી પ્રજાજનોએ કન્ઝર્વેટીવ પક્ષને સ્પષ્ટ બહુમતી આપી છે. આમ સરકારને કોઇના ટેકાની જરૂર નહિ રહે.

આ ચુંટણીમાં પ્રથમ વખત દરેક પક્ષોએ પ્રચાર માટે સોશ્યલ મીડિયાનો ભરપુર ઉપયોગ કર્યો. જેનો ફાયદો ટોરી પક્ષને સૌથી વધુ થયો છે. જયારે આજ દિન સુધી યુકેમાં ત્રીજા પક્ષ તરીકે સ્થાન પામેલ લિબરલ ડેમોક્રેટ પક્ષને માત્ર ૮ બેઠકો સાથે સંપૂર્ણ જાકારો મળ્યો. જયારે સ્કોટીશ નેશનાલીસ્ટ પક્ષે સ્કોટલેન્ડમાં બુલ્ડોઝર ફેરવી દઇ ૬૦માંથી ૫૬ બેઠકો પ્રાપ્ત કરી. માત્ર ૨૦ વર્ષની વિધાર્થીની SNPની એમપી તરીકે ચુંટાઇ, જે પ્રસંશાને પાત્ર છે. યુવાનોએ રાજકારણમાં અવશ્ય રસ લેવો જોઇએ.

વડા પ્રધાન ડેવિડ કેમરને ભારતીય મૂળના લોકોના મત માટે ભારતના આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની જેમ પ્રચાર કરેલો. 'અબ કી બાર મોદી સરકાર'ના સુત્રની જેમ જ કેમરને 'ફિર એક બાર કેમરન સરકાર' સુત્ર આપ્યું હતું જેને ભારે આવકાર મળ્યો. મૂળભૂત ભારતીયોએ આ ચુંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરેલ. ભારતીય મૂળના દશ એમપી યુકેની સંસદમાં પહોંચ્યા.

આપણા ગૌરવસમા ભારતીય - ગુજરાતી મૂળના સુશ્રી પ્રીતિ પટેલ ફરી વાર એમપી તરીકે ચુંટાયા અને તેમને નવી સરકારમાં સુશ્રી પ્રીતિ પટેલ ને રોજગાર ક્ષેત્રના પ્રધાન બનાવ્યા તે આપણા સૌ માટે ગર્વની વાત છે. સુશ્રી પ્રીતીબેનને હાર્દિક અભિનંદન.

ભરત સચાણીયા અને પરિવાર, લંડન

૦૦૦૦૦૦

ગુજરાત સમાચાર’ને વધામણા

સતત ચાર દાયકાથી પરદેશમાં વસતા ગુજરાતીઓને ઘર બેઠાં વિપૂલ વાંચન પીરસી ગુજરાતી ભાષાની ગરિમાને અસ્મિતા જાળવી રાખનાર ‘ગુજરાત સમાચાર’ને સૌ સુજ્ઞ વાચકો તરફથી એના જન્મદિને અંતરના વધામણાં. આગામી વર્ષો સુધી આપના સાપ્તાહિકોની પ્રગતિકૂચ સદૈવ ચાલુ રહે એ જ શુભેચ્છા. ‘ગુજરાત સમાચાર, એશિયન વોઈસ’ના સર્વે પરિવારજનોને એમની કાર્યદક્ષતા માટે અભિનંદન.

- દિલીપ ચૌબલ, હેરો.

0000000

ટપાલમાંથી તારવેલુ:

લેસ્ટરથી શ્રી એમ.સી. વિઠલાણી (૯૨ વર્ષ) જણાવે છે કે તમે કોઇ જ જાતની લાગવગ, ભેદભાવ કે લાભની અપેક્ષા વગર ૮૨ વર્ષ ઉપરની વયના વડિલોનું સન્માન કરો છો તે અભિનંદનને પાત્ર છે. તમે ખૂબ જ હેતપુર્વક સૌના જમવાથી માંડીને સન્માન કરવા સુધીનું આ કાર્ય કરો છો અને તે બદલ વડિલોના અંતરના આશિર્વાદ જરૂર મળશે.

000000

માતા-પિતાની સેવા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલમાં મહિલાઓ સુખી છે તેનું કારણ એ છે કે તેમનાં ઘરમાં સાસુ નથી. આવો જોક્સ વાંચવા મળ્યો (ગુજરાત સમાચાર તા. ૨૧ માર્ચ). પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ સિરિયલમાં ભલે કોઈનાં ઘરમાં સાસુ ન હોય તો પણ દયાભાભીનાં ઘરમાં તેમના વિધૂર સસરા ચંપકલાલની હયાતી છે. હાલમાં આવતી ટીવી સિરિયલોમાં આ એક ટીવી સિરિયલ છે કે જેનો સામાજિક ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત કરાવતી સિરિયલ કહી શકીએ.

આ સિરિયલના આધારસ્તંભ જેવા ચંપકદાદા ગોકુલધામ સોસાયટીના આદરણીય મોભી છે અને આ મોભી ચંપકદાદા એક હાલતી ચાલતી નિશાળ છે. જે અહીંના નાના કે મોટા સંતાનોને સત્ય, પ્રેમ, સુસંસ્કાર અને ભારતી પરંપરાના જતન કરવાના પાઠ શીખવતા રહે છે કે જે દુનિયાની કોઈ વિદ્યાપીઠ શીખવી શકતી નથી.

દયાભાભી વિધુર સસરાનું આદર-સન્માન સાથે ધ્યાન રાખે છે કે ચંપકદાદાને જેઠિયાની માની યાદ આવવા દેતા નથી. તો જેઠાભાઈ પણ બાપુજીને જરાપણ ઓછું ન આવી જાય તેની કાળજી રાખતા રહેતા હોય છે. આવા અનેક ભાવભીનાં દ્રશ્યો જોઈને ઘણીવાર તો મારી આંખના ખૂણાં ભીનાં થઈ જાય છે અને મનમાં વિચાર આવે છે કે કાશ દરેક ઘરમાં દીકરાઓમાં એક જેઠીયો હોય, અને પુત્રવધૂઓમાં એક દયાભાભી જેવી પુત્રવધૂ હોય તો વૃદ્ધોની થતી અવગણનાઓ ખુશીથી અંત આવી જાય અને એક દિવસ એવો આવે કે આપણે સમાજના કલંક જેવા વૃદ્ધાશ્રમને બંધ કરી દેવા પડે.

જ્યાં જ્યાં જે ઘરમાં સંતાન સતત માતા-પિતાને ઝંખે છે તે ઘરમાં આજે પણ સતયુગ ચાલે છે. જે ઘરમાં ભક્તિભાવે માતા-પિતાની સેવા થતી હોય એવા ઘરને મારા શત શત નમન.

- નવનીત ફટાણિયા, હેનવેલ

૦૦૦૦૦૦૦૦૦૦0000000000000

00000

વિશ્વના સર્જનહાર

આ જગતનાં સર્જનહારે માનવીનું સર્જન કરીને આપણા પર અનેકગણી કૃપા કરી છે. ભગવાને માનવને બનાવ્યાં, માનવ શરીર આપ્યું. આ માનવ શરીરને હાલતું-ચાલતું ચેતનવંતુ રાખવા શરીરમાં અનેકવિધ અવયવો એના યોગ્ય સ્થાને શોભે એમ સજાવ્યાં. આંખ, કાન, નાક, મોઢું, મસ્તક, દાંત-જીભ, મગજ, ફેફસાં, હૃદય હાથ અને પગ એમ બધું જ એના યોગ્ય સ્થાને શોભે એમ માનવીનાં શરીરને દિવ્ય અને શોભાયમાન બનાવ્યું. જુદા જુદા પ્રકારના ચહેરાવાળા માનવી સર્જ્યા. જોવા માટે આંખો, સાંભળવા માટે કાન, ચાવવા માટે દાંત, સ્વાદ અને બોલવા માટે જીભ આપી. વિચારવા અને જીવનની પ્રવૃત્તિ માટે મન અને બુદ્ધિ આપ્યાં. અન્ન પચાવવા પેટ આપ્યું. કામ કરવા માટે હાથ-પગ આપ્યાં. રક્ત, માંસ, ચામડાં અને હાડકાંથી સજ્જ હાડપિંજર સમાન શરીરમાં ‘હૃદય’ મૂકી ચેતનવતું, જીવતું-જાગતું માનવ શરીર બનાવ્યું.

આ બધા અવયવોમાં હૃદય જ શ્રેષ્ઠ અવયવ છે. હૃદય, હરહંમેશ, રાતદિવસ અવિરતપણે ચોવીસે કલાક ધબકતું રહે છે. જ્યારે એ બંધ પડી જશે ત્યારે શરીરમાંથી ચેતનરૂપી આત્મા ચાલ્યો જશે અને શરીર અચેતન અવસ્થામાં આવી પડશે. પ્રભુએ આપેલું આ હદય એના સમય પ્રમાણે જીંદગી પૂરી થતાં બંધ પડી જાય છે. આ જગતનાં સર્જનહારની આ કેવી અદભૂત લીલા કહેવાય!!!

‘ત્રણ વાનાં મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ,

બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માંગવું.’

હે પ્રભુ તે મને હૈયું આપ્યું, તે મને મસ્તક આપ્યું. તે મને હાથ આપ્યાં તે મને બહુ દઈ દીધું. હવે ચોથાની જરૂર જ નથી. આ હાથનો સંબંધ સત્ સાથે છે. માથું, બુદ્ધિ, વિચારનો સંબંધ ચિત્ત સાથે છે. અને હૈયું એનો સંબંધ લાગણી સાથે છે.

- રતિલાલ ટેલર, સાઉથ ગેટ

તલવારની ધારે ધર્મપરિવર્તન?

હિન્દુસ્તાનની ધરતી ઉપર જ્યારે મોગલ રાજ હતું ત્યારે તેમણે ઘણાં ખરાં હિન્દુઓને તલવારની ધાર પર બળજબરીથી મુસલમાન બનાવ્યા હતા. તે વખતે મહારાષ્ટ્રમાં જીજાબાઈએ પોતાના બાળકને ગર્ભમાં, ધાવણમાં અને હાલરડામાં કસુંબીનો રંગ પીવડાવ્યો હતો. તે હતા શિવાજી. એક ખૂબજ જાણીતી ઉક્તિ છે કે 'કાશી કી કલા જાતી, મથુરા મસ્જીદ હોતી, અગર શિવાજી ન હોતે તો સુન્નત હોતી સબકી. હિન્દુસ્તાન - હિન્દુસ્તાન ન રહત. તેનો નક્શો કોઈ ઔર હોત. શિવાજી, ગોવિંદ સિંહ, રાણા પ્રતાપ જેવા કેટલાય વીરરત્નોએ મુગલોની સામે ટક્કર ઝીલી હિન્દુસ્તાનની હિન્દુત્વની જ્યોતને કાયમ જલતી રાખી છે.

મુગલ પછી બ્રિટિશ રાજ આવ્યું અને તેઓ મીશનરીઓને લાવ્યા. જેમણે દેશની ગરીબીનો લાભ ઊઠાવી ગરીબોને બધી સુવિધાઓ આપી, કેટલાયને ક્રિશ્ચિયન બનાવ્યા. હવે કેટલાક દાયકાથી ભ્રષ્ટાચારી નેતાઓ કાળું ધન ભેગું કરી પરદેશ મોકલીને હિન્દુસ્તાનની ગરીબી વધારી રહ્યા છે.

હમણાં આગ્રામાં અને બીજી જગ્યાએ ધર્મ પરિવર્તન થયું. ટી.વી. કે છાપામાં અસંખ્ય લોકોએ જોયું કે જેમના દાદા-પરદાદા હિન્દુ હતા એવા મુસલમાનો અને ક્રિશ્ચિયનોએ ખુશીથી, શાંતિથી કોઇ ભય વગર પવિત્ર હવન કરીને હિન્દુ ધર્મ અપનાવ્યો. કોઈના માથા ઉપર બંદૂક કે ગરદન ઉપર તલવાર કોઈએ જોઈ? તો પછી આજે વિરોધ પક્ષના નેતાઓ (જેઅો હિન્દુ છે) કેમ વાંધો લઈને પાણીમાં પોરા કાઢે છે? 'ફ્રીડમ ઓફ વરશીપ' તો હિન્દુસ્તાનમાં જ છે. આ ધર્મ પરિવર્તન કોઈ જબરદસ્તીથી કરાવાયું નથી.

- સુધા રસિક ભટ્ટ, બેનસન

ધર્મ અને રાજકારણ

ધાર્મિક સંપ્રદાયની આલમમાં જેટલો ભ્રષ્ટાચાર અને લાંચ રુશ્વત છે એટલો બીજે ક્યાંય જોવા મળતો નથી. સંપ્રદાય અને ધર્મના નામે મારધાડ, ખૂનામરકી અને જનસંહાર જેવા અનિષ્ટોએ હદ વટાવી છે. દુનિયામાં આજે ક્યાંય શાંતિ અને સુરક્ષા પ્રવર્તી હોય એમ પૂરવાર કરી શકાય તેમ નથી. આમ છતાંય કેટલાય આગળ પડતા દેશોમાં જ્યાં રાજકારણમાં ધર્મની નહિંવત દખલગીરી છે ત્યાં જ નીતિ, શિસ્ત અને પ્રગતિ પાંગરતી જોવા મળે છે. બાકીના અનેક દેશોમાં જ્યાં રાજકારણમાં, અર્ધસંપૂર્ણ કે સંપૂર્ણ ધર્મનો પગપેસારો છે ત્યાં આવાં અધમ કૃત્યો સૌથી વધુ જોવા મળે છે.

જે પ્રજાઓ, જર્જરીત જૂની પુરાણી માન્યતાઓ સાથે રૂઢિઓને, આધુનિક પરિસ્થિતિ સાથે સરખાવી સુમેળથી બાંધછોડ કરીને બદલાવી શકતી નથી તે સર્વ પ્રગતિ પંથમાં ઊણી ઊતરેલી અને પછાત જોવા મળે છે. આટલેથી વાત અટકતી નથી, જ્યાં ધર્મશાસન ચાલે છે, ત્યાં 'મારું સાચું અને બાકી બકવાસ' એવી પોકળ માન્યતાની ગ્રંથીથી પીડાતી પ્રજા, સંકુચિત માનસ ધરાવતી થઈ જાય છે અને સંપૂર્ણ અને સ્થાયી લોકશાહી સ્થાપી શકતી નથી અને સ્થપાય તો કદીયે લાંબા ગાળા સુધી ટકતી નથી.

આજની દુનિયામાં પ્રજાને ત્રણ ભાગમાં વહેંચી શકાચ, એક કે જ્યાં જ્ઞાન વિજ્ઞાન અને વિચારોનું વર્ચસ્વ છે તેમજ મહદઅંશે ધાર્મિક સહિષ્ણુતા અને સમભાવ છે. બીજું, જ્યાં વહેમ, અંધશ્રદ્ધા, અજ્ઞાન અને સંકુચિત માનસ ધરાવતી પ્રજા રાજકારણમાં ધર્મને અગત્યતા આપે છે. જ્યારે ત્રીજા ભાગમાં નહીં દૂધમાં કે નહીં દહીંમાં જેવા અનિશ્ચિત રાજકારણમાં ધર્મની અસહિષ્ણુતા પીડાઈને, ઘેટાંના ટોળાની માફક બીજી કક્ષાની પ્રજાને પોતાના ધર્મોમાં યેનકેન પ્રકારે ભેળવી દેવાની હિંસક અને ઘાતક પ્રવૃત્તિઓની હોડ ચલાવી રહી છે.

આમ, ધર્મને રાજકારણમાં પ્રવેશ આપતી પ્રજા વગર વિચાર્યે, અંધાધૂધી અને ઊડઝૂડ કત્લેઆમની પરિસ્થિતિમાં જ જીવતી હોય છે. આવી વિકટ પરિસ્થિતિનો અંત આવે એવા એંધાણ દેખાતાં નથી. કદાચ, બધાય ધર્મોને એકત્રિત કરીને સર્વમાન્ય ‘માનવ ધર્મ’ સ્થપાય તો શાંતિ અને સુરક્ષાથી પૃથ્વીની માનવજાત જીવી શકશે એ આશા માત્ર છે

- ડો. નગીનભાઈ પટેલ, લંડન

0000

નેપાળનો ભૂકંપ

નેપાળમાં આવેલા ભયાનક ભૂકંપના દ્રશ્યો ટી.વી. ઉપર જોતા અરેરાટી વ્યાપી ગઇ. કુદરત ક્યારે રૂઠે એ નક્કી નથી. આ દ્રશ્યો જોઈ કેદારનાથમાં બનેલી ઘટના યાદ આવી અને હૃદય કાંપી ઊઠ્યું. જે લોકોને પાડોશમાં રહેતા ન હતા કે કદી મળ્યા કે જોયા હતા છતાં આ સમયે એકબીજાને મદદ કરતા દેખાયા. આમાં ન તો કોઈ હિન્દુ હતા, ન મુસ્લિમ, ન ઈસાઈ, ન બૌદ્ધ. ન નમાઝ હતી કે ન તો આરતી. બધા ફક્ત મનુષ્ય હતા. કુદરત વારંવાર સંકેત કરે છે, બધા એક જ છો. શ્રદ્ધા જુદી જુદી છે. મનુષ્ય આખરે મનુષ્ય જ છે.

આંખના પલકારામાં જીંદગી બદલી ગઈ. કોઈ ગરીબ ન રહ્યું ન કોઈ અમીર. ફક્ત મનુષ્ય જ રહ્યા. ક્યારે સમય પલટાય છે તેની ખબર નથી પડતી. માફ કરવાની ભાવના કરો, માફ કરો બીજી તક નહીં મળે કદાચ. નેપાળ અને ભારતમાં માર્યા ગયેલા બધા પ્રતિ મારી સંવેદના તેમના પરિવાર સાથ છે. ભગવાન પશુપતિનાથ એમની આત્માને તેમના શરણમાં રહે અને શાંતિ આપે.

નરેન્દ્રભાઈના અમસ્તા જ વખાણ નથી થતા. કાશ્મિરમાં આવેલી વિપદા હોય કે નેપાળમાં આવેલો ભૂકંપ. નરેન્દ્રભાઈ વખાણ કરવા પડે. પોતાનો પગાર સૌ પહેલા રાહત ફંડમાં આપી દેવામાં પહેલા હોય. ફક્ત ભારતીય જ નહીં, દરેકને સમાન મદદ કરવા તત્પર રહે છે. આવા નરેન્દ્રભાઈને ઈશ્વર તંદુરસ્ત અને ખૂબ ખૂબ લાંબુ જીવન આપે. એક નરેન્દ્ર વિવેકાનંદ અને બીજા ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈએ આખા વિશ્વમાં ભારતને પ્રખ્યાત કર્યું. ભારતમાં વિશેષ ગુણો છે તે બતાવ્યું.

- નયના નકુમ, સાઉથ હેરો.

૦૦૦૦૦


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter