સંકુચિત સમાજના પુરૂષોએ વિધવાઅો વિરુદ્ધ સદીઓથી જે કાયદાઓ ઘડ્યા છે તેઓ ધિક્કારને પાત્ર છે. જે માએ તેમને જન્મ આપ્યો, બહેને રક્ષા બાંધી, લગ્ન પછી જે સ્ત્રીએ સુખ અને વંશ વધાર્યો તે જ સ્ત્રીઓ જ્યારે વિધવા થઈ ત્યારે સમાજના કહેવાતા કડક કાયદાઓએ તેઓના કેવા હાલ કર્યાં છે? વિધવાના જીવનની કિંમત કરવાને બદલે તેમને નરી નફરતથી આખી જીંદગી જુલમો સહન કરવા પડ્યા છે. શા માટે? તે અબળા છે એટલે?
જ્યારે પુરુષની પત્ની મૃત્યુ પામતી તો તેને દરેક વખતે બીજા લગ્ન કરવાની છૂટ હતી, તે ચોથીવારના લગ્નમાં પણ નાજુક, સુંદર, ગરીબ છોકરીને પરણીને લાવે અને થોડા સમયમાં તે વૃદ્ધ બીમારીને લીધે મરણ પામે તો સમાજ તે નવયુવાન વિધવાના ખોળામાં તેના ધણીનું શબ રાખી તેને જીવતી સળગાવતાં અને તેને સતી પ્રથાનું નામ આપવામાં આવ્યું. તે વખતે હિન્દુસ્તાનમાં બ્રિટિશ રાજ હતું અને તેમણે આ ગુનો નાબૂદ કર્યો. તો નિર્દય સમાજે નવું તૂત ઊભું કર્યું કે 'દીકરીની ડોલી પિયરથી નીકળે ને અર્થી સાસરેથી'. તે બિચારી વિધવા થાય તો સાસુ તેનું મુંડન કરાવતી. સસરો, જેઠ કે નણદોઇ લાગ જોઈ વિધવા પર બળાત્કાર કરી વિધવાના આત્મસન્માનનું ખૂન કરે ત્યારે શું? હિંદુસ્તાનની હજારો વિધવાઓએ આવા વિવિધ કારણોસર કુવામાં પડીને, જીવતી બળી જઇને કે ઝેર પીને આત્મહત્યા કરી છે. આપણા આ કાળા ઇતિહાસ અને પ્રથાઅોના સાક્ષી આ ધરતી અને આસમાન છે. ભારત જ નહિં દુનિયાના કેટલાય સંકુચિત સમાજના લોકો લાચાર વિધવાઓ પર કેટલાય ભયંકર જુલ્મો કરે છે તેની કલ્પના પણ ન કરી શકાય.
ધન્ય છે 'ધ લૂમ્બા ફાઉન્ડેશન'ને કે જેમણે આવી કરોડો બેસહારા વિધવાઓની કરુણ કહાની દુનિયામાં અને યુએન સમક્ષ રજૂ કરી તેમને જાગૃત કરીને મદદ માગી છે. યુએન દ્વારા દર વર્ષે તા. ૨૩મી જૂનને 'ઈન્ટરનેશનલ વિડોઝ ડે' તરીકે સત્તાવાર માન્યતા આપી છે. દુનિયાના દરેક દેશો આ લાચાર વિધવાઅોને આર્થિક મદદ કરે તો તેઓની ખરાબ જીંદગીમાં આશાના કિરણો સાથે સુપ્રભાત જરૂર આવશે.
- સુધા રસિક ભટ્ટ, બેન્સન
નાક અને તેની મહત્તા
જમાનો બદલાતો ગયો એમ શરીરના અભિન્ન અંગ નાકની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ અને નાકનું મૂલ્યાંકન પાઉન્ડ-રૂપિયામાં થવા લાગ્યું. (નાઈજેલના નાકનું મૂલ્ય પાંચ મિલિયન પાઉન્ડ, ગુજરાત સમાચાર છઠ્ઠી જુન -૧૫) ખાસ કરીને આપણે ભારતીયો નાકની કિંમત બહુ ઊંચી આંકીએ છીએ. તેનું માત્ર એક જ કારણ છે કે આપણા શરીરના બધાં જ અવયવો પાપ કરી શકે છે, ફક્ત એક જ અવયવ એવું છે કે જે કદી પાપ કરી શકતું નથી અને તે છે નાક! એટલે જે તેની કિંમત વધારે છે.
માણસનું સુંદર નાક સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે, તો નાક આબરૂ-ઈજ્જતનું પ્રતીક પણ છે. એક જમાનો પણ હતો કે સ્ત્રી કે પુરૂષ કંઈ પણ અશોભનીય કામ કરે તો તેને થતું કે મારું નાક કપાઈ ગયું છે. હવે હું મારું મોઢું બીજાને નહીં બતાવી શકું એવી અપરાધભાવની લાગણી કાયમ માટે જે તે વ્યક્તિ માટે રહેતી હતી. હવે આપણને આવી અપરાધભાવની લાગણી થાય છે ખરી?
અમારે સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં મરદ માણસની મૂંછ એટલે ‘એક વચન’નું પ્રતીક ગણાતી, અને મરદ માણસની મૂંછના ફક્ત એક જ વાળને ગીરવે રાખી શેઠ-શાહુકારો પૈસાનું ધિરાણ કરતા હતા. એટલે મરદ માણસની મૂંછના વાળ પર વિશ્વાસ હતો.
- નવનિત ફટાણિયા, હેનવેલ
સાચો ધર્મ એટલે?
જુન ૨૬, ૨૦૧૫ના ટોરોન્ટ સ્ટાર કેનેડાના અંગ્રેજી સમાચાર પત્રમાં એક સમાચાર વાંચ્યા. બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરીયા શહેરની એક સ્ટ્રીટમાંથી ઘરબાર વગરના એક અનામી માણસને ડોલર ૨,૦૦૦,૦૦ જડ્યા. આ ૬૦ વર્ષના માણસે જાહેરમાં તે ડોલર મળ્યાની વાત ન કરતા ‘વેસ્ટ શોર’ના આરસીએમપી પોલીસ ડિપાર્ટમેન્ટમાં તે ડોલર બે અઠવાડિયા પહેલાં જમા કરાવ્યા. આમ જે વ્યક્તિના પૈસા ખોવાયા હતા તે વ્યક્તિને તે પાછા મળ્યા. આ અનામી માણસની નીતિથી ખુશ થઈ વિક્ટોરીયાના લોકોએ ૫ હજાર ડોલરનું ડોનેશન ભેગું કર્યું અને જ્યારે તે સજ્જનને લેવા માટે આગ્રહ કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે 'જે માણસોને જીવનનિર્વાહ માટે ખુબ જ પૈસાની જરૂર હોય તેના માટે તે નાણાંનો ઉપયોગ કરો.' ફરીથી લોકોએ તથા પોલીસે તેના નિર્ણયને વિચાર કરવા જણાવ્યું ત્યારે તેમને જણાવ્યું કે 'મારે તો પૈસા નથી જોઈતા, પણ મને જોબ શોધવામાં મદદ કરો.'
અત્યારે અધીક માસ ચાલી રહ્યો છે એટલે લોકો અધીક પ્રમાણમાં દાન કરશે, મંદિરમાં દર્શને જશે, પૂજા-પાઠ, કર્મકાંડ કરશે, ધાર્મિક કાર્યક્રમમાં જશે જેથી મનમાં શાંતિ મળે અને જીવનમાં ધાર્મિકતા વધે. પ્રશ્ન એ થાય છે કે આ બધું કરવાથી શાંતિ મળે કે ધર્મને રોજબરોજના જીવનમાં ઉતારીને તે પ્રમાણે વર્તન કરવાથી મળે? અધીક માસમાં ઉપર જણાવેલ અનામી, ઘરબાર વગરના માણસના જીવનનું ઉદાહરણ લઈને બોધપાઠ તરીકે નીતિ નિયમ અને નિષ્ઠાપૂર્વકનું સ્વાર્થ વગરનું જીવન જીવે અને પોતાના હક્કની જે વસ્તુ જમીન-જાયદાદ ના હોય તેનો અસ્વીકાર કરી જીવન સમધુર બનાવીને જીવીએ.
અધીક માસની શુભકામનાઓ.
- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા
‘સીધી ફ્લાઈટ’ની માંગણી
ઘણી બધી રજૂઆતો છતાં જેનો અંત આવતો નથી તેવા ‘સીધી ફ્લાઈટ’ના સળગતા પ્રશ્ન માટે આપના ધ્યાન પર લાવવા રજા લઉ છું. પ્રજાએ આ માટે ઘણાં પત્રો અગાઉ લખ્યાં હતા અને આપે છાપેલ પણ હતા.
કમનસીબે આપણે ‘સીધી ફ્લાઈટ - સીધી ફ્લાઈટ’નું રટણ નાના બાળકોની નર્સરીના જોડકણાંની જેમ કરવું પડે છે અને છતાં કશું થાય નહીં તે તો ખરેખર ભારતીય તંત્રની કુટેવ જ કહેવાય. અગાઉ જૂની એક પંકાયેલ કહેવત હતી, ‘માંગો વેવિશાળમાં આપશે વરસી વખતે’.
એક બાજુ ભારતનું ચાલાક તથા દરેક કાર્ય કરાવી શકનાર અમદાવાદ છે તો બીજી તરફ મોહમયી નગરી લંડન. આપ બ્રિટનની કોઇપણ અોફિસ કે વિભાગને કોઈપણ બાબતે કોઈપણ ભાષામાં પત્ર લખો તો તેનો જવાબ અચૂક મળે. આવી છે અહીંની મેનેજમેન્ટ સિસ્ટમ. જ્યારે ભારતની 'એર ઈન્ડિયા'ની કથા આવે ત્યારે શું કરવું તેની જ સમજ ન પડે.
‘અબ અચ્છે દિન આ ગયે’ના સૂત્રો તો શ્રીયુત વડા પ્રધાન મોદી સાહેબ ગાદીનશીન થયા ત્યારથી તેની યાદી આપી રહ્યા છે!
તાજેતરમાં થયેલા બેન્કીંગની તારાજી ભરી લાપરવાહી તથા અન્ય પ્રશ્નો હજુ ઉકલ્યા નથી ત્યાં બધાને થશે કે આ સીધી ફ્લાઈટ શું છે?
- છબીલદાસ કાનાબાર, નોર્થવૂડ
૦૦૦૦૦૦
જીવંત પંથ વાંચવાની મજા
સી. બી. ભાઈનો 'જીવંત પંથ' વાંચવાની ખૂબ જ મજા આવે છે. હું તે વર્ષોથી વાંચું છું. શુક્રવારે 'ગુજરાત સમાચાર'ની પોસ્ટમાં અચૂક રાહ જોતી હોઉં અને વાંચીને જ બહાર જાઉં. 'જીવંત પંથ'માં ઘણું જાણવાનું ને શીખવાનું મળે છે તથા બધા સમાચાર પણ 'ગુજરાત સમાચાર'માંથી જ મળે છે. તમે સમાજની ખૂબ ખૂબ સેવા કરો છો ને કરતાં જ રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના.
- પુષ્પાબહેન રાજા, લંડન
મોદી વિરોધની ચરમસીમા
ગત વર્ષે ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર મળી છતાં તેઅો પોતાની ખામીઓ નથી જોતાં પરંતુ મોદીજીની પાછળ પડી ગયા છે. રાહુલજી બે મહિના દેશની બહાર રહી આવ્યા પછી મોદીજી પર દોષારોપણ કરવામાંથી ઊંચા આવતા નથી. પરદેશમાં મોદીને મળતો આવકાર તથા વાહવાહ જોઈ તેમને મનમાં દ્વૈષ - બળતરા થતી લાગે છે. મારા મતે રાહુલજીએ મોદીની સારી કાર્યદક્ષતા પર ખોટા આક્ષેપો છોડી દઈ જૂના ગીતની આ લાઈનનો આશરો લઈ મન મનાવી લેવું જોઈએ. તે આ લાઈન છે ‘સદા રહા ઈસ દુનિયા મેં કિસ કા અબ વો દાના, ચલ ઊડ જા રે પંછી....’
છેલ્લે શ્રી સી. બી. પટેલ તથા સર્વે કાર્યકર્તા ભાઈ-બહેનો ઘણી જહેમત ઊઠાવી 'આનંદ મેળા'નું આયોજન કર્યું. પ્રવેશ ફીની બધી રકમ ‘સેન્ટ લ્યુક્સ હોસ્પીસ’ને આપી સદકાર્ય કર્યું તે પ્રશંસાને પાત્ર છે. ઈશ્વર સદકાર્યનો બદલો જરૂર આપશે. સાર કર્મનું ફળ જરૂર મળશે.
- ચંપાબહેન સ્વામી, માંચેસ્ટર
સ્વચ્છ ભારત માટે વિલંબ શા માટે?
મોદીજીએ, ગાંધીજીની ૧૨૫મી જન્મજયંતીના અવસર પર સ્વચ્છ ભારત અર્પણ કરવાની સુંદર અને આવકારદાયક વાત કરી, કરોડો દેશવાસીઓ અને બિનનિવાસી ભારતીઓને ખુશખુશાલ કરી દીધા. શરૂમાં તો જનજાગૃતિ લાવવા કેટલો ઉત્સાહ અને ઉમંગ દેખાતો હતો. લોકોને આશા બંધાઈ કે ગંદકીમાં સબડતું ભારત હવે જરૂરથી સ્વચ્છ થશે. દિલગીરી સાથ કહેવું પડે છે કે આ કાર્યમાં કોઈ રુકાવટ આવી ગઈ લાગે છે!
સ્વચ્છ ભારત લોકોનો જન્મસિદ્ધ હક્ક છે. આ કામ હવે સુધરાઈ ખાતાએ સંભાળી લેવું જોઈએ. કોઈ પણ જાતનું કામ કરવામાં નાનમ ન હોવી જોઈએ એ સંદેશ મોદીજીએ લોકો સુધી સફળતાપૂર્વક પહોંચાડી દીધો. કામદારોની ભારતમાં કોઈ અછત નથી. તેઓને સારું વેતન, આધુનિક સાધનો, સ્માર્ટ પોષાક, થોડીક સત્તા આપવામાં આવે, કચરા વાલા નહિ પરતું સફાઈ વાલા તરીકે સંબોધન કરવામાં આવે, માનની દ્રષ્ટીએ જોવામાં આવે, યોગ્ય વ્યવસ્થા હોય તો જરૂરથી આ કાર્યને વેગ મળે અને જોતજોતામાં ભારત સ્વચ્છ થઇ જાય.
ઉત્પાદન વધે, શેરબઝાર વધે કે બેરોજગારી થોડી ઘટે તો અચ્છે દિન આવી ગયા છે એનો માપદંડ કાઢવાની સામાન્ય જનતાના વશની વાત નથી. સ્વચ્છ ભારત બધાને દેખાશે તથા સર્વને લાભ થશે. લોકોના જીવનમાં મોટો બદલાવ આવશે અને મન નિરોગી થશે તેમજ દેશનું સ્વાસ્થ સુધારશે.
સ્વચ્છ ભારત એટલે સમૃદ્ધ ભારત. ધરમના કામમાં ઢીલ ના હોય!
નિરંજન વસંત, લંડન
000
વિશ્વ યોગ દિવસની શાનદાર સફળતા
આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૨૭મી જુનના અંકમાં પ્રથમ પાને 'યોગ સંસ્કૃતિ વૈશ્વિક સ્વીકૃતિ'ના વિસ્તૃત સમાચાર વાંચીને ખુબજ ગર્વ થયો. રવિવાર તા. ૨૧મી જુને સર્વ પ્રથમ 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી ભારત સહીત અનેક દેશોમાં ભવ્ય રીતે થઇ. યુકેમાં લગભગ ૫૦ કરતા વધુ સ્થળે અબાલવૃદ્ધ સૌએ ભાગ લઇ સાબિત કર્યું કે 'યોગ એ જીવનનો અદભુત હિસ્સો છે'
'એલેક્ઝાન્ડ્રા પેલેસ' ખાતે સવારે ૬થી મોડી સાંજ ૮ વાગ્યા સુધી યોજાયેલા કાર્યક્રમમાં દરેક જાતીના લોકોએ ભાગ લીધો. ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની અપીલને ૧૯૩ દેશો પૈકી ૧૭૭ દેશોએ સમર્થન આપતા યુએને ૨૧મી જુનને 'વિશ્વ યોગ દિવસ' તરીકે જાહેર કર્યો.
યોગ કોઇ ધાર્મિક ક્રિયા નથી પણ માનવ જીવનની તંદુરસ્તી માટેની ખુબજ ઉતમ ભેટ છે. યોગ જીવનની અનેક બીમારીનો ઈલાજ છે. અનેક જાતના રોગોથી વિશ્વમાં અનેક સમસ્યા ઉદ્ભવી રહી છે તેનો નિકાલ કરવાની યોગ એક જડીબુટ્ટી છે. મોદીજીએ કહ્યું છે કે 'વિશ્વમાં શાંતિ અને શુભેચ્છાનો પ્રારંભ થયો છે. તેમણે દિલ્હીના રાજપથ ખાતે સંબોધન કરી સૌના આશ્ચર્ય વચ્ચે ૩૫ મિનીટ વિવિધ યોગાસનો કરી રાજપથને યોગપથ બનાવી દીધો. 'યોગ દિવસ' માટે મોદીજી નિમિત્ત બન્યા તે વિરોધીઓને આંખના કણાની જેમ ખૂચ્યું છે. આ પગલાને એક નાટક કહેવાયું તે ખુબ જ દુ:ખની વાત છે. યોગ કોઇ રાજકીય બાબત નથી પરંતુ વિશ્વના સૌ માનવો માટેની સુખ સમૃધ્ધી અને શાંતિની ભગવાને આપેલી ભવ્ય ભેટ છે.
ભરત સચાણીયા અને પરિવાર, લંડન
000000
મારી નજરે ગુજરાત સમાચાર
થોડાક સપ્તાહ પહેલા હું અમેરિકા ફરવા ગયો હતો. મારી સાથે મારા સ્વજનોની વાંચન ભુખ સંતોષાય અને અહીની માહિતીથી તેઅો વાકેફ થાય તે માટે તે માટે હું અહીથી 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના કેટલાક જુના અંકો પણ લઇ ગયો હતો. મારા માટે આનંદની વાત એ હતી કે અમેરીકામાં મેં જેટલા પણ ગુજરાતી અને સ્થાનિક એશિયન ઇંગ્લીશ છાપાઅો જોયા તે આપણાં 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' જેવા નહોતા.
સાહિત્યના જીવ તરીકે મેં આપણા અને ત્યાંના સ્થાનિક છાપાંઅોની તુલના કરી જોઇ હતી. પરંતુ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં જે રીતે વિસ્તૃત માહિતી, સમાચાર, લેખો અને વિવિધ વિભાગો આવે છે તેવું તે છાપાઅોમાં મને જોવા મળ્યું ન હતું.
આ તો ઠીક ઇંગ્લેન્ડમાંથી પ્રસિધ્ધ થતું બીજુ ગુજરાતી છાપુ પણ 'ગુજરાત સમાચાર'ના જેવા સંસ્થા સમાચાર, જોક્સ, કાર્ટુન, હાસ્ય લેખો, જીવંત પંથ અને વિષ્ણુભાઇ પંડ્યા અને હરિ દેસાઇના જેવી કટારો રજૂ કરતું નથી. મારા મિત્રો પણ માને છે કે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' જેવા છાપાં ભારત બહાર તો કદાપી જોવા મળે જ નહિં.
મનહરભાઇ શાહ, ફીંચલી
લવાજમની ભેટ
તમે કોઇક વ્યક્તિ કે સંસ્થાની સારી કામગીરી જોઇને તેનો વધુ વિકાસ થાય કે તેમના પ્રયાસો સફળ બને તે માટે તમારો સહયોગ આપો કે મદદ કરો તો તેને શું કહી શકાય. મારા મતે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' એવી સારી સંસ્થા છે જેને મારી રીતે મદદ કરવા હું સતત પ્રયત્નશીલ રહું છે.
પહેલા હું વાંચી લીધેલા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' મિત્રો તેમજ સ્વજનોને ભેટ આપતો હતો. મને ખબર છે કે તેમને તે ગમતા હતા. પરંતુ મને લાગ્યું હતું કે પેપર વાંચવા ગમતા હોવા છતાં તેઅો એક કે બીજા કારણોસર પેપરનું લવાજમ ભરતા નહોતા. આથી મેં સંસ્કાર, સમાજ અને ભાષાનું ઘડતર કરતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ની મારા મિત્રો અને સંબંધીઅોને ભેટ આપવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેઅો આ ભેટ જોઇને અચંબિત થઇ ગયા હતા. પરંતુ લાગલગાટ નિયમીત પેપર મળતું હોવાથી તેઅોને મારી ભેટની યાદ તાજી થતી હતી.
મને આ હકિકતનો અહેસાસ થતાં મે અખતરો કર્યો હતો અને મિત્રોના લવાજમ ભરવાનુ શરૂ કર્યું હતું. મારો આશય એ હતો કે તેઅો નિયમીત અને સતત 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' વાંચતા રહે અને તેની વાંચન સામગ્રી જોઇ તેમના નિવૃત્ત જીવનમાં નવો શક્તિ સંચાર થાય. આ મિત્રો સમક્ષ હસતા હસતા મેં શરત મૂકી હતી કે જો તમને ત્રણ મહિનાના વાંચન પછી 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' સુયોગ્ય લાગે તો તમારે મને લવાજમના નાણાં આપી દેવા અને જો યોગ્ય ન લાગે તો તે લવાજમના નાણાં હું ભોગવીશ.
તમને આશ્ચર્ય થશે પણ આ રીતે મેં મારા નવેક મિત્રોને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' વાંચતા કર્યા છે. નવાઇની વાત એ છે કે મારે હજુ સુધી કદી ગાંઠના પૈસા ખરચવા પડ્યા નથી અને તેઅો પોતાની જાતે જ લવાજમના પૈસા ભરી દે છે. આજ તો કમાલ છે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ની.
રાજેન્દ્ર પરીખ, હેરો.