વિવિધતામાં એકતા: અનુપમ મિશનમાં પૂ. ભાઇશ્રીની ભાગવત કથા

Tuesday 14th July 2015 09:11 EDT
 

તા. ૧૧ જુલાઇનો "ગુજરાત સમાચાર"નો અંક વાંચ્યો. લંડનના રમણીય સ્થળે ૫ અોગષ્ટથી ૧૨ અોગષ્ટ દરમિયાન પૂ. રમેશભાઇ અોઝા (પૂ. ભાઇશ્રી)ની ભાગવત કથા થઇ રહી છે એ સમાચાર જાણી ખૂબ અાનંદ થયો. પૂ.ભાઇશ્રીના મુખે ભાગવતકથામાં શ્રી કૃષ્ણલીલાનું વર્ણન સાંભળવાનું ખૂબ જ ગમે છે. મારે એટલું જાણવું છે કે ડેનહામ-અનુપમ મિશનમાં જવા માટે કોઇ એરીયામાંથી કોચ વ્યવસ્થા કરવામાં અાવી છે કે કેમ? હું કાર ચલાવી શકતી નથી પણ મારે મારા માતુશ્રી અને એમની સત્સંગી બહેનોને લઇને કથા સાંભળવા જવુું છે. અમને કોઇ નજીકના સ્ટેશનેથી પીકઅપ કરી શકે ખરું? અાયોજકોને મારા વતી અાપ વિનંતી કરી શકો તો અાપનો ખુબ અાભાર.

- સરીતા ત્રિવેદી, એજવેર.

વિવિધતામાં એકતા સનાતન સત્ય

"ગુજરાત સમાચાર"ના પાન-૧૧ ઉપર "વિવિધતામાં એકતા એ જ સનાતનધર્મની વિશેષતા" લેખ વાંચી ખૂબ રાજીપો થયો. અાપણા સંપ્રદાયોમાં વિધવિધ સ્વરૂપે ઇષ્ટદેવની પૂજા-અર્ચના થાય છે પણ મૂળમાં તો અાપણા વેદ-પુરાણો રહ્યાં છે એ સનાતન સત્ય છે. ડેનહામ ખાતે અનુપમ મિશનની ૧૫ એકરની વિશાળ ધરતી પર પૂ. ભાઇશ્રીના મુખે શ્રીમદ ભાગવત કથા સાંભળવાનો અમૂલ્ય લહાવો જતો કરવો નથી. મેં અાપનો લેખ વાંચીને સાતેય દિવસની હોલીડે બુક કરાવી લીધી છે. વૃંદાવન જેવા માહોલમાં કથા સાંભળવાની મજા અાવશે. સાથે અનુપમ મિશનના અાયોજકોએ રાતના ભોજનની વ્યવસ્થા કરી છે એટલે અમે પતિ-પત્ની અા સપ્તાહનું રસપાન કરીશુ સાથે સાથે સાંસ્કૃિતક કાર્યક્રમનો ય લાભ લઇશું.

- રજની અાચાર્ય, સડબરી-વેમ્બલી.

ભાગવત સપ્તાહનો અનુપમ અાનંદ મળશે

ગયા અઠવાડિયે પેજ-૧૧ ઉપર "વિવધતામાં એકતા એ જ સનાતનધર્મની વિશેષતા" લેખ વાંચ્યો પણ હું સ્વામિનારાયણ સંપ્રદાયી નથી. હું પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ છું પણ ભાગવતાચાર્યશ્રી પૂ. ભાઇશ્રી કૃષ્ણલીલાનું રસપાન કરાવવા અનુપમ મિશનના અાંગણે અાવી રહ્યા છે એ જાણી ખૂબ અાનંદ થયો છે. અા ભાગવતકથા માટે અાયોજકોએ અત્યારથી જ સુંદર વ્યવસ્થા શરૂ કરી દીધી છે પણ કથામાં જવા કોઇ પ્રવેશ ફી રાખી છે? અથવા અમારે યજમાન થવું જ પડે? અા શાંત રળીયામણા વાતાવરણમાં અમારે સાતેય દિવસ શાંતિથી બેસી કથા સાંભળવી છે.

- પ્રમિલાબેન ઠકરાર, ઇસ્ટ ફીંચલી

ગૂમરાહ થતા યુવાનોને માટે માર્ગદર્શક લેખ: વિવિધતામાં એકતા એ જ સનાતન સત્ય

કહેવું પડે ભાઇ, અાપણામાં કોઇ કહે હું સ્વામિનારાયણી, કોઇ કહે હું વૈષ્ણવ, કોઇ કહે હું શિવપંથી તો કોઇ કહે હું શક્તિ ઉપાસક, કોઇ કહે હું સાંઇબાબાનો સત્સંગી તો કોઇ કહે હું જલારામનો પરમભક્ત!! પણ અાપના લેખે તો સૌની ભ્રમણા ભાંગે એવું જોરદાર હેડીંગ "વિવિધતામાં એકતા, એ જ સનાતનધર્મની વિશેષતા" લખી હિન્દુધર્મની ટીકા કરનારાઅોને સનાતન સત્ય જણાવી વિધર્મીઅોની બોલતી બંધ કરી દીધી. ૧૫ એકરની ધરતી પર સ્વામિનારાયણ સંપ્રદાય અનુપમ મિશનવાળા ભગવાન સ્વામિનારાયણનું નવું મંદિર બનાવી ખુલ્લું મૂકી રહ્યા છે એવા સમયે શ્રીમદ્ ભાગવત કથાનું અાયોજન થઇ રહ્યું છે એ અદભૂત વાત કહી શકાય. શાંત-િનર્મળ સ્થળે પૂ. ભાઇશ્રીના મુખે ભગવાનશ્રી કૃષ્ણલીલાની કથા સાંભળવી એ જીવનનો લ્હાવો છે. ભાગવતકથા દરમિયાન એક મંચ પર અન્ય સંપ્રદાયોના વડાઅો ઉપસ્થિત રહેશે એ જાણી એક હિન્દુ તરીકે સગર્વ અાનંદ થયો.

- વિનોદરાય દેસાઇ, નોર્ધમ્પટન

ડીજીટલ ઇન્ડિયા

આપણાં 'ગુજરાત સમાચાર'માં ડીજીટલ ઇન્ડિયાનો વિશેષ અહેવાલ વાંચીને જણાવવાનું કે આદરણીય મોદીજીના ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાના સ્વપ્નથી મોટા ભાગે ગરીબોને ખુબ જ લાભ થશે. તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે સોશ્યલ મીડિયાનો બહોળો ઉપયોગ કરીને પોલીસ સહિત અનેક સરકારી ખાતાઅોમાં ઓન લાઈન પદ્ધતિ અપનાવી સામાન્ય માણસને સરકારી કામમાં સરળતા રહે તેવી સેવાઅો ચાલુ કરી. તેમણે જડમૂળમાં પેધી ગયેલા ભ્રષ્ટાચારને નાબુદ કરવાનો પ્રયાસ આરંભ્યો છે. આ 'ડીજીટલ ઇન્ડિયા' તેનું ઉદાહરણ છે. ભારત આજે બદલાઇ રહ્યું છે. વિદેશમાં બધો જ વ્યવહાર ઓન લાઇન થાય છે.

ડીજીટલ ઇન્ડિયાથી દેશભરમાં નાના ગામડાથી માંડીને મોટા શહેરોમાં ઓન લાઇન વ્યવહારની સુવિધા પ્રાપ્ત થશે. આ યોજનામાં લાખો કરોડો રૂપિયાનું રોકાણ થશે અને લાખો નવી નોકરીઓ પ્રાપ્ત થશે. દેશના યુવાનોની શક્તિ કામે લાગશે. આ યોજનાને દેશ વિદેશના ઉદ્યોગપતિઓએ સમર્થન આપ્યુ છે અને મોટાભાગનો ખર્ચો પણ તેઓ જ આપશે. આ યોજનાનો લાભ વિદેશી લોકોને પણ મળશે. જમીન મકાનોની નોધણી પેપર લેસ થશે અને તેથી મોટાપાયે લોકોને ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડશે નહિં. જીવન જરૂરિયાતની સેવાઅો, દવાખાના વગેરેની સુવિધા એક ક્લિકે પ્રાપ્ત થશે જે ભારતવાસીઅોના સારા દિવસોની શરૂઆત હશે. સમય લાગશે પણ ધીમે ધીમે લોકોને અને ખાસ કરીને ગરીબોને તેનો લાભ મળશે.

આજ અંકના છેલ્લા પાને શ્રી અશોકભાઈ લાખાણીને એવોર્ડ મળ્યો તે સમાચાર વાંચીને ખુશી થઇ. નાના બીઝનેસથી શરૂઆત કરનાર અશોકભાઇની પેઢી આજે બ્રિટનમાં મિલિયન્સ પાઉન્ડનો વેપાર કરી હજારોને નોકરી આપે છે અને તેમણે ગુજરાતી અને ભારતીયોનું ગૌરવ વધાર્યું છે.

ભરત સચાણીયા અને પરિવાર, લંડન

આપણી ગુજરાતી માતૃભાષા

આપણી ગુજરાતી માતૃભાષા કેવી અદભૂત અને મીઠી મધુરી ભાષા છે. માતૃભાષા અને સંસ્કારનો આપણને ગર્વ થવો જોઈએ. દિવસે દિવસે ગુજરાતી ભાષા ભૂલાતી જાય છે. જેને માટે આપણે પોતે જ દોષિત છીએ. આપણી માતૃભાષાનો પ્રચાર અને બોલચાલ ઘરમાંથી જ શરૂ થવી જોઈએ. સૌએ ઘરમાં નાના-મોટાં સાથે ગુજરાતીમાં જ વાત કરવાથી બધાં જ ગુજરાતી બોલતા શીખશે. નાના બાળકોને તો ખાસ ગુજરાતી બોલતા શીખવાડવું જોઈએ.

આપણે જેવા સંસ્કાર અને શિક્ષણ આપીશું એ પ્રમાણે જ બાળકો વર્તાવ કરશે. બાળકોને ગુજરાતી સ્કૂલમાં મૂકવા જોઈએ જેથી તેઓ સરળતાથી ભાષા શીખી શકે. આપણા ગુજરાતી ભાઈઓ ઘણી વખત ગુજરાતી બોલતા નથી અથવા તો એમને બોલવાનું પસંદ નથી. મારા અનુભવની વાત કરું છું. કોઈ ભાઈ મળે, એમની સાથે વાતચીત થાય અને પુછીએ કે આપ ગુજરાતી છો. તો કહે હા!!! તો પછી ગુજરાતીમાં વાત કરોને!!! પણ ઈંગ્લિશમાં જ બોલવાનો આગ્રહ રાખે છે. આપણને આપણી માતૃભાષા બોલવામાં શરમ શાની?

ઘર, કુટુંબ, પરિવારમાં દરેક નાના-મોટા સભ્યોએ થોડો સમય કાઢીને આપણા ધર્મ, દેવી-દેવતાઓ વિશે જ્ઞાનનું આદાનપ્રદાન કરવું જોઈએ અને ઘરમાં સવાર-સાંજ, પૂજા-પ્રાર્થના અને આરતી થાય તો જ આપણો ધર્મ અને સંસ્કૃતિ જળવાઈ રહે.

રતિલાલ ટેલર, સાઉથગેટ.

અમેરિકાના મૃદુલાબહેનના અવયવોનું દાન

'ગુજરાત સમાચાર'માં થોડા સમય પહેલાં અમેરિકામાં ધર્મજના મૃદુલાબહેનની કરુણ હત્યાના સમાચાર વાંચી અત્યંત દુઃખ થયું. પણ ત્યાર બાદ સમાચાર જાણ્યા કે સારવાર દરમિયાન મરણ થતા તેમના પરિવારજનોએ મૃદુલાબહેનનાં અવયવોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમનું હૃદય, લિવર અને કિડનીનું દાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષ્યું છે.

આ ઉમદા નિર્ણયથી પરિવારજનોનું દુઃખ તો દૂર નહીં થાય પણ જરૂરથી હળવું થશે. કારણ કે મૃદુલાબેન મરણ પછી પણ ત્રણ વ્યક્તિના જીવનમાં ‘જીવંત’ રહેશે. આવા કપરા સમયમાં બધા જ પરિવારજનોએ સહમત થઈને અંગદાનનો નિર્ણય લીધો એ દાદ માગી લે તેવો છે. હું તેમના પરિવારને હૃદયપૂર્વક સલામ કરીને ધન્યવાદ આપું છું. કારણ આપણાં સમાજમાં આપણે જીવંત હોઇએ ત્યારે આપણા અવયવોનું દાન કરવાનું ફોર્મ બહુ જ ઓછા લોકો ભરતા હોય છે. અવયવોનું દાન બધા જ દાન કરતાં સૌથી ચઢીયાતું દાન છે.

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter