આપણે હિન્દુઓ એક સાથે ત્રણ વર્ગ (૧) વંશીય લઘુમતીઓ, (૨) અશ્વેત અને (૩) એશિયન તરીકે વર્ગીકૃત થઈએ છીએ, પરંતુ માત્ર હિન્દુ તરીકે કદી વર્ગીકૃત થતા નથી. જેના ઘણાં જ ગેરફાયદા આપણને થાય છે.
(એથનીક) વંશીયનો અર્થ એ થાય છે કે જેઓ ક્રિશ્ચિયન અથવા યહુદી નથી. તેનો અન્ય અર્થ મૂર્તિપૂજક પણ થાય છે. તમે જાણતા જ હશો કે મુસ્લિમ ધર્મમાં શ્રદ્ધા નહિ ધરાવનારને 'કાફિર' કહેવામાં આવે છે. એ દલીલ જોતા આપણે મૂર્તિપૂજક, અથવા કાફિર અથવા હિન્દુઓ તરીકે અોળખાઇએ! શ્વેત લોકો આપણને આપણી ત્વચાના રંગના સંદર્ભે વર્ણવે છે. શું આપણી ત્વચા કાળી છે?
આપણે ભૌગોલિક દૃષ્ટિએ એશિયન છીએ, પરંતુ આપણો ધર્મ હિન્દુ છે. સરકાર, મીડિયા અને અન્યો આપણા પર હિન્દુ સિવાયનું તેઅો ઈચ્છે તેવું લેબલ લગાવે છે. રોધરહામ ગ્રૂમિંગ કૌભાંડની યાદ આવે છે? અપરાધીઓની ઓળખ 'એશિયન' તરીકે આપવામાં આવી હતી, પરંતુ તેનો એક પણ અપરાધી હિન્દુ ન હતો. આવી જ પરિસ્થિતિ આપણા વડા પ્રધાન ડેવિડ કેમરનના મતક્ષેત્ર ઓક્સફર્ડશાયરમાં છે.
ઓક્સફર્ડશાયર કેસમાં ટ્રાયલ જજે પોતાના ચુકાદામાં શું કહ્યું હતું તેને પણ યાદ કરવાનો પ્રયાસ કરો. હું માનું છું કે હિન્દુ તરીકે આપણી અલાયદી અને વિશિષ્ટ ઓળખની માગણી કરવાનો સમય આવી પહોંચ્યો છે.
સાંસદ બોબ બ્લેકમેન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ઓફ હિન્દુઝ (APPG Hindus)ના ચેરમેન છે. આપણામાંથી ઘણા તેમના નિયમિત સંપર્કમાં રહે છે. આપણા વતી આ વિષય પાર્લામેન્ટમાં હાથ પર લેવાનું આપણે તેમને કહેવું જોઈએ તેવું મારું નમ્ર સૂચન છે.
ચુની ચાવડા, બ્રેન્ટ
ઈન્ડિયા ઓવરસીઝ ટ્રસ્ટ વિષેની માહિતી
ઘણા વર્ષોથી મિડલેન્ડ્સ સહિતના વિસ્તારોના અહેવાલો આપી રહેલા આપના કટારલેખક ધીરેન કાટ્વાને અભિનંદન પાઠવવાની આ તક હું ઝડપી લેવા ઈચ્છું છું. હું ઘણા ઘણા વર્ષોથી 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'ની અતિ ઉત્સુક વાંચક છું.
આ પત્ર લખવાનું મારું કારણ એ છે કે થોડા સમય અગાઉ ધીરેને 'ધ ઈન્ડિયા ઓવરસીઝ ટ્રસ્ટ'ને તેમના હિસાબો જાહેર કરવા કમિટીને કરેલી વિનંતીઓ લેખમાળામાં આવરી લીધી હતી. આ હિસાબો આપવામાં આવ્યા છે કે નહિ તેની મને જિજ્ઞાસા છે. જો તે અપાયા હોય તો તેનું રિપોર્ટિંગ વાંચવાનું મારાથી ચુકાઈ ગયું હશે? જો હિસાબો પૂરા પાડવામાં ન આવ્યા હોય તો હિસાબો જાહેર ન કરવા વિશે ચેરિટી દ્વારા કોઈ ખુલાસો કરાયો છે કે કેમ? મને આના વિશે કુતૂહલ થઈ રહ્યું છે.
જ્યોત્સના થાનકી, પૂર્વ પ્રમુખ, હિન્દુ કાઉન્સિલ, બર્મિંગહામ (એશિયન વોઇસ, પાન ૧૦, તા. ૨૦ જુન ૨૦૧૫)
ઈન્ડિયા ઓવરસીઝ ટ્રસ્ટના હિસાબો
'એશિયન વોઈસ' (૨૦ જૂન, ૨૦૧૫)માં 'ધ ઈન્ડિયા ઓવરસીઝ ટ્રસ્ટ' વિશે શ્રીમતી જ્યોત્સનાબેન થાનકીનો પત્ર વાંચ્યો. આ ખરેખર જ ચિંતાનો વિષય છે. જે લોકો જાહેર જીવનમાં છે તેમણે જાણવું જ જોઈએ કે લોકોને પ્રશ્નો પૂછવાનો અને તેના ઉત્તરો મેળવવાનો અધિકાર છે. હું પણ જ્યોત્સનાબેનની ટીપ્પણીનો પડઘો પાડવા સાથે આપના કટારલેખક ધીરેન કાટ્વાની પ્રશંસા કરવા ઈચ્છું છું.
મેં સાભળ્યું છે કે તેમની કલમની ધાર એટલી શક્તિશાળી અને તીક્ષ્ણ છે કે આપણી કોમ્યુનિટીના કહેવાતા સ્તંભો પણ સત્ય સાંભળવાથી ગભરાય છે. આખરે તો આપણા સમુદાયના અગ્રણીઓ બધાને ખુશ રાખી પોતાના નાણાકીય હિતોને જાળવવા ઈચ્છતા હોય છે. જૂની ભારતીય કહેવતમાં કહેવાયું છે કે, ‘ચોરને કહે કે ચોરી કર અને ઘરધણી (સાહુકાર)ને કહે કે તુ જાગતો રહેજે.’ આપણે આવા સ્વાર્થી અને દયાપાત્ર સમાજમાં રહીએ છીએ.
'ઈન્ડિયા ઓવરસીઝ ટ્રસ્ટ' વિશે ધીરેનની લેખમાળાની મને જાણકારી છે અને વાસ્તવમાં આનો નિવેડો આવી ગયો હશે તેમ મને લાગતું હતું. આ ચર્ચા આગળ વધારવા બદલ હું શ્રીમતી થાનકીને ધન્યવાદ પાઠવું છું. મને એ વાતનો પણ આઘાત છે કે બે વર્ષ પછી પણ 'ધ ઈન્ડિયા ઓવરસીઝ ટ્રસ્ટ'ના ટ્રસ્ટીઓએ તેમના હિસાબો જાહેર કર્યા નથી. ચોક્કસપણે, ચેરિટી કમિશનમાં આ બાબતે કાનૂની આવશ્યકતા હશે જ.
મારા માનવા અનુસાર આ મુદ્દો જાહેર હિત સંબંધિત હોવાથી અને ખાસ કરીને ચેરિટીના નામે નાણા એકત્રિત કરવામાં આવ્યા હોય ત્યારે આ વિષયે તાજી માહિતી આપવા હું 'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ'ને અનુરોધ કરું છું. જો ચેરિટી દ્વારા હિસાબો જાહેર કરાયા હોય તો હું આપની માફી ચાહુ છું, પરંતુ આની જાણ કરવા માટે પણ અહેવાલ પ્રસિદ્ધ કરવો યોગ્ય ગણાશે.
રણજિત એસ. સોહલ, એમડી મેગીલ્ડ યુકે લિ., ભૂતપુર્વ ચેરમેન BCABA અને બોર્ડ મેમ્બર BCCC (Walsall) (એશિયન વોઇસ, પાન ૧૦, તા. ૪ જુલાઇ ૨૦૧૫)
જીવંત પંથ વાંચવાની મજા
સી. બી. ભાઈનો 'જીવંત પંથ' વાંચવાની ખૂબ જ મજા આવે છે. હું તે વર્ષોથી વાંચું છું. શુક્રવારે 'ગુજરાત સમાચાર'ની પોસ્ટમાં અચૂક રાહ જોતી હોઉં અને વાંચીને જ બહાર જાઉં. 'જીવંત પંથ'માં ઘણું જાણવાનું ને શીખવાનું મળે છે તથા બધા સમાચાર પણ 'ગુજરાત સમાચાર'માંથી જ મળે છે. તમે સમાજની ખૂબ ખૂબ સેવા કરો છો ને કરતાં જ રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના.
- પુષ્પાબહેન રાજા, લંડન
મોદી વિરોધની ચરમસીમા
ગત વર્ષે ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર મળી છતાં તેઅો પોતાની ખામીઓ નથી જોતાં પરંતુ મોદીજીની પાછળ પડી ગયા છે. રાહુલજી બે મહિના દેશની બહાર રહી આવ્યા પછી મોદીજી પર દોષારોપણ કરવામાંથી ઊંચા આવતા નથી. પરદેશમાં મોદીને મળતો આવકાર તથા વાહવાહ જોઈ તેમને મનમાં દ્વૈષ - બળતરા થતી લાગે છે. મારા મતે રાહુલજીએ મોદીની સારી કાર્યદક્ષતા પર ખોટા આક્ષેપો છોડી દઈ જૂના ગીતની આ લાઈનનો આશરો લઈ મન મનાવી લેવું જોઈએ. તે આ લાઈન છે ‘સદા રહા ઈસ દુનિયા મેં કિસ કા અબ વો દાના, ચલ ઊડ જા રે પંછી....’
છેલ્લે શ્રી સી. બી. પટેલ તથા સર્વે કાર્યકર્તા ભાઈ-બહેનો ઘણી જહેમત ઊઠાવી 'આનંદ મેળા'નું આયોજન કર્યું. પ્રવેશ ફીની બધી રકમ ‘સેન્ટ લ્યુક્સ હોસ્પીસ’ને આપી સદકાર્ય કર્યું તે પ્રશંસાને પાત્ર છે. ઈશ્વર સદકાર્યનો બદલો જરૂર આપશે. સાર કર્મનું ફળ જરૂર મળશે.
- ચંપાબહેન સ્વામી, માંચેસ્ટર
સ્વચ્છ ભારત માટે વિલંબ શા માટે?
મોદીજીએ, ગાંધીજીની ૧૨૫મી જન્મજયંતીના અવસર પર સ્વચ્છ ભારત અર્પણ કરવાની સુંદર અને આવકારદાયક વાત કરી, કરોડો દેશવાસીઓ અને બિનનિવાસી ભારતીઓને ખુશખુશાલ કરી દીધા. શરૂમાં તો જનજાગૃતિ લાવવા કેટલો ઉત્સાહ અને ઉમંગ દેખાતો હતો. લોકોને આશા બંધાઈ કે ગંદકીમાં સબડતું ભારત હવે જરૂરથી સ્વચ્છ થશે. દિલગીરી સાથ કહેવું પડે છે કે આ કાર્યમાં કોઈ રુકાવટ આવી ગઈ લાગે છે!
સ્વચ્છ ભારત લોકોનો જન્મસિદ્ધ હક્ક છે. આ કામ હવે સુધરાઈ ખાતાએ સંભાળી લેવું જોઈએ. કોઈ પણ જાતનું કામ કરવામાં નાનમ ન હોવી જોઈએ એ સંદેશ મોદીજીએ લોકો સુધી સફળતાપૂર્વક પહોંચાડી દીધો. કામદારોની ભારતમાં કોઈ અછત નથી. તેઓને સારું વેતન, આધુનિક સાધનો, સ્માર્ટ પોષાક, થોડીક સત્તા આપવામાં આવે, કચરા વાલા નહિ પરતું સફાઈ વાલા તરીકે સંબોધન કરવામાં આવે, માનની દ્રષ્ટીએ જોવામાં આવે, યોગ્ય વ્યવસ્થા હોય તો જરૂરથી આ કાર્યને વેગ મળે અને જોતજોતામાં ભારત સ્વચ્છ થઇ જાય.
ઉત્પાદન વધે, શેરબઝાર વધે કે બેરોજગારી થોડી ઘટે તો અચ્છે દિન આવી ગયા છે એનો માપદંડ કાઢવાની સામાન્ય જનતાના વશની વાત નથી. સ્વચ્છ ભારત બધાને દેખાશે તથા સર્વને લાભ થશે. લોકોના જીવનમાં મોટો બદલાવ આવશે અને મન નિરોગી થશે તેમજ દેશનું સ્વાસ્થ સુધારશે.
સ્વચ્છ ભારત એટલે સમૃદ્ધ ભારત. ધરમના કામમાં ઢીલ ના હોય!
- નિરંજન વસંત, લંડન
ટપાલમાંથી તારવેલું
* હસુભાઇ પટેલ, વેમ્બલીથી જણાવે છે કે હમણાં વિરેન અમીનને કૌભાંડ બદલ જેલવાસના સમાચાર વાંચ્યા. આ પહેલા પણ આપણા ગુજરાતીઅો કૌભાંડમાં સંડોવાયા હોવાના સમાચાર હતા. પહેલા કરતા હમણાથી આપણા યુવાન યુવતીઅોની ગુનાખોરીમાં સંડોવાણીના બનાવો વધી રહ્યાં છે. જે ચિંતા ઉપજાવે છે.
* રાજેન્દ્રભાઇ ચૌહાણ, લેમ્બેથથી જણાવે છે કે 'બ્રિટનની સરકાર ભારતીયો, ભારતના વિદ્યાર્થીઅો અને નિષ્ણાંતો યુકે આવીને વસવાટ ન કરે તે માટે અવનવા કાયદાઅો બનાવે છે. પરંતુ આજ સરકાર વેપાર અને વિકાસ માટે ભારત તરફ નજર દોડાવે છે. આવું બેવડું વલણ શું સાબીત કરે છે?
* આસીતભાઇ દેસાઇ, લેસ્ટરથી જણાવે છે કે 'હમણાં ઇસ્લામીક આતંકવાદ અને ઉગ્રવાદમાં જોડાવા માટે મુસ્લિમ યુવક યુવતીઅો પોતાનો દેશ છોડી રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઅોથી માંડીને મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઅો આતંકવાદી પ્રવૃત્તી માટે જોડાઇ રહ્યા છે. હમણાં લૂટનના ૧૨ સદસ્યોના પરિવારે સીરીયામાં સ્થળાંતર કર્યું. ઇસ્લામ ધર્મ શાંતિની સુવાસ ફેલાવે છે ત્યારે ઇસલામના નામે આ ઉગ્રવાદ અટકે તે જરૂરી છે.