લંડનઃ મુસ્લિમ વિરોધી અપશબ્દો બોલીને મસ્જિદમાં નમાઝ પઢીને બહાર આવી રહેલા મુસ્લિમો પર કાર ચડાવી દેનારા ૨૫ વર્ષીય માર્ટિન સ્ટોક્સને હેરો ક્રાઉન કોર્ટ દ્વારા પાંચ વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી.
ગયા વર્ષે ૧૯ સપ્ટેમ્બરે બનેલી આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. તેમાં એક વ્યક્તિને થાપાની અને પગની ગંભીર ઈજા થતાં તેને ત્રણ અઠવાડિયા કરતાં વધુ સમય હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. બનાવ બાદ સ્ટોક્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો. નોર્થવેસ્ટ લંડનના ક્રિકલવુડમાં અલ-મજલિસ અલ -હુસૈની સેન્ટરની નજીકમાં માર્ટિન ડ્રિંક લઈ રહ્યો હતો ત્યારે મસ્જિદમાં ફરજ બજાવતા માણસોએ તેને ત્યાંથી જતા રહેવા જણાવ્યું હતું. ત્યારે તેણે રોષે ભરાઈને કાર ચાલુ કરીને લોકોના ટોળા પર ચડાવી દીધી હતી.