લંડનઃ ચેશાયર ટાઉનમાં ક્ર્યુ ખાતે રિટાયરમેન્ટ કોમ્પ્લેક્સમાં આઠ ઓગસ્ટ ગુરુવારની સાંજે મોટી આગ ભડકી ઉઠી હતી. આગના ગોળા જેવા બની ગયેલાં બિલ્ડિંગમાં રહેતા ૧૫૦ વૃદ્ધ લોકોને બચાવી તેમનું‘ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આગમાં કોઈને ઈજા થઈ ન હોવાનું જણાવાયું હતું. જોકે, આગની જ્વાળાઓને શાંત કરવામાં ફાયર સર્વિસને મોડે સુધી સફળતા મળી ન હતી. આગ અન્ય ઈમારતોમાં પ્રસરે નહિ તે માટે મોડી રાત સુધી કામગીરી ચાલી હતી.
રોલ્સ એવન્યુના બીચમીઅર રેસિડેન્શિયલ કેર હોમ કોમ્પ્લેક્સમાં આગ લાગ્યા પછી ચેશાયર ફાયર અન્ડ રેસ્ક્યુ સર્વિસને ગુરુવાર સાંજના સાડા ચાર વાગ્યે બોલાવાઈ હતી. રાતના ૧૦ વાગ્યા સુધી ૧૬ ફાયર ફાઈટર્સ કામે લાગ્યા હતા. આગની જ્વાળાઓના લીધે બિલ્ડિંગને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હતું અને તેનો થોડો ભાગ પડી ગયો હતો. કોમ્પ્લેક્સના ઘણા રહેવાસીઓને હંગામી ક્રાઈસિસ એકોમોડેશનમાં તેમજ ઘણાને ઈમર્જન્સી રેસ્ટ સેન્ટર્સમાં લઈ જવાયાં હતાં. આસપાસના મકાનોમાં રહેતાં લોકોને પણ આગ અને ધૂમાડાના કારણે અન્યત્ર ચાલ્યા જવા ઉપરાંત, ઘરના બારી-બારણાં બંધ રાખવાની સલાહ અપાઈ હતી