લંડનઃ લોર્ડ આદમ તરીકે જાણીતા લેબર પાર્ટીના બ્લેકબર્નના ઉમરાવ લોર્ડ આદમ પટેલનું ૭૮ વર્ષની વયે બુધવાર, ૧૨ જૂને નિધન થયું હતું. લોર્ડ આદમને રાજકારણીઓ સહિત સંખ્યાબંધ લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમની દફનવિધિ બ્લેકબર્નમાં યોજવામાં આવી હતી.
લોર્ડ આદમ ભારતના ગુજરાતના બરોડા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી ૧૯૬૦ના દાયકામાં બ્લેકબર્ન કોલેજમાં એકાઉન્ટન્સીનો અભ્યાસ કરવા બ્લેકબર્ન આવ્યા હતા. લોર્ડ પટેલે ઈસ્ટ લેન્કેશાયર ટ્રેનિંગ એન્ટરપ્રાઈઝ કાઉન્સિલના ડાયરેક્ટર, લેન્કેશાયર કાઉન્સિલ ઓફ મોસ્ક્સના પ્રેસિડેન્ટ, બ્લેકબર્ન કોમ્યુનિટી રીલેશન્સ કાઉન્સિલના વાઈસ પ્રેસિડેન્ટ તેમજ મક્કા યાત્રાએ જનારા મુસ્લિમોના હિતોની રખવાળી કરનારી કાઉન્સિલ ઓફ બ્રિટિશ હાજિસના ચેરમેન તરીકે સેવા આપી હતી.
દિવંગત લોર્ડ પટેલે આશરે ૨૦ વર્ષ અગાઉ, કોમ્યુનિટીની એકતા સાધવા અને સશક્તિકરણના આંદોલનનો પાયો નાખ્યો હતો. હવે વોહરા વોઈસ યુકેએ પહેલ આદરી યુકે અને સમગ્ર વિશ્વમાં ભરુચી વોહરા પટેલ કોમ્યુનિટીની એકતાના મહાન લક્ષ્યને સિદ્ધ કરવા તે પાયા પર નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.
લેબર સાંસદ કિથ વાઝે ગુજરાતમાં જન્મેલા અને આઠ સંતાનોના પિતા લોર્ડ આદમને ‘લેબર પાર્ટીના ઉત્તરના ખડક’ તરીકે વર્ણવ્યા હતા. આદમ પટેલને વર્ષ ૨૦૦૦માં આજીવન લોર્ડ બનાવાયા હતા.