વડોદરામાં જ્યોત્સના ડી.આર. શાહના પત્રકારત્વ અને જીવનની ખટ-મીઠી સ્મૃતિઓને સમાવતું પુસ્તક “જીવન એક, સૂર અનેક "ની લોકાર્પણ વિધિ : ડો.વિષ્ણુ પંડ્યા, પદ્મશ્રીના હસ્તે સંપન્ન

Thursday 09th April 2020 06:35 EDT
 
પુસ્તકની લોકાર્પણ વિધિ થઇ એ વેળાની તસ્વીરમાં (ડાબેથી) સર્વશ્રી ડો. જયશ્રીબેન મહેતા, પદ્મશ્રી ડો. વિષ્ણુભાઇ પંડ્યા, પુસ્તકના લેખિકા જ્યોત્સનાબેન શાહ, ડો.અમીબેન ઉપાધ્યાય, નિરૂપમ નાણાંવટી, વીવા, નમીતા, ડી.આર. શાહ, વિપિનભાઇ, ધીરેન, જેના અને કોટીષા (પાછળ) જીગર અને કોમ્પેરર હરિશ વ્યાસ 
 

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પૂર્વ સંધ્યાએ શનિવાર, તા. ૭ માર્ચના રોજ સંસ્કાર નગરી વડોદરાના અલકાપુરીમાં આવેલ ATR બેન્ક્વેટીંગ હોલ ખાતે ‘ગુજરાત સમાચાર’ લંડનના પૂર્વ મેનેજીંગ એડીટર અને હાલ કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સના ડી.આર. શાહના પુસ્તક ‘જીવન એક, સૂર અનેક’ની લોકાર્પણ વિધિ સંગીતની સુરાવલિઓ સહિત ઉષ્માભર્યા માહોલ વચ્ચે થઇ જેમાં વિશાળ શાહ પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો, સ્થાનિક મીડિયાના પત્રકારો સહિત આમંત્રિત અતિથિ વિશેષોની ભરચક હાજરી ધ્યાનાકર્ષક બની રહી.

લંડનના ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકમાં ત્રણેક દાયકાની પત્રકારત્વ સફરના સંભારણા સાથે પારિવારિક જીવનની ખટ-મીઠી સ્મૃતિઓથી સભર ૫૦૦ પાનાંના આ દળદાર પુસ્તકનું લોકાર્પણ ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ, જાણીતા સાહિત્યકાર અને ઇતિહાસવિદ્ તથા ‘ગુજરાત સમાચાર’ લંડનના માનદ્ તંત્રી અને કોલમીસ્ટ પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડ્યાના વરદ હસ્તે ‘જીવન એક, સૂર અનેક’ પુષ્પવર્ષા સહિત ઉમંગભેર થયું. એ પ્રસંગે કલાકારો અમીત શાહ, કર્ણિક શાહ અને ગૃપે ‘જીવન એક, સૂર અનેક’ના સુમધુર ગાનથી માહોલને સૂરીલું બનાવી દીધું.

સૌ સહૃદયીઓનું ભાવભીનું સ્વાગત કરતા જીગર શાહે જણાવ્યું કે, ‘મારી મમ્મીના બુકના લોંચના કાર્યક્રમમાં પધારવા બદલ મોંઘેરા અતિથિ વિશેષો અને સૌ સ્વજનોનું અમારા કુટુંબીજનો તરફથી હાર્દિક સ્વાગત કરતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. સવિશેષ અતિથિ વિશેષો માનનીય મેયર ડો. જીગીષાબેન શેઠ, પદ્મશ્રી ડો. વિષ્ણુભાઇ પંડ્યા, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. અમીબેન ઉપાધ્યાય, ઇન્ડીયન મેડીકલ કાઉન્સિલના પ્રથમ ગુજરાતી મહિલા મેમ્બર ડો. જયશ્રીબેન મહેતા, ગુજરાત હાઇ કોર્ટના સીનીયર એડવોકેટ શ્રી નિરૂપમ નાણાંવટી, ગુજરાતી વિભાગ, એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ અધ્યક્ષ શ્રી દીપકભાઇ રાવલ, ઉમંગ પબ્લીકેશનના પ્રકાશક - લેખક અને વક્તા ચંદ્રકાન્ત ખત્રી સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને લંડનથી આવેલા મહેમાનો, પોતાનો કિમતી સમય ફાળવી લાંબી જર્ની કરી આ કાર્યક્રમની ગરિમા વધારવા પધાર્યા છે, એ સૌનું ભાવભીનું સ્વાગત. હવે કાર્યક્રમનો દોર જાણીતા નાટ્યકાર, નિર્માતા, કોમ્પેયર હરિશ વ્યાસના હવાલે કરું છું.’

હરિશભાઇએ એમની આગવી અદાથી દોર સંભાળતાં જણાવ્યું કે, ‘આ પરસ્પર પામવાનો, શો પરમ પરચો મળે, પારકું લાગે નહિ મને કોઇ પરદેશમાં...’ આ તો દેશમાં જ છું એથી વધુ રૂડું શું હોઇ શકે? શાહ પરિવાર સાથેની અમારી ઓળખાણ તો ચારેક દાયકા જૂની છે. એમ કહી હરિશ વ્યાસે ભૂલી બિસરી યાદેં તાજી કરીને માહોલ લાગણીસભર બનાવી સભાનું સંચાલન સંભાળ્યું.

કાર્યક્રમનો શુભારંભ તનીષા શાહે નવકાર મંત્ર અને ગણેશ વંદનાની રજુઆત ભારત નાટ્યમ્ દ્વારા કરી સૌના મન મોહી લીધાં હતાં. ત્યારબાદ ડી.આર. શાહે ‘જય જય જગપતિ તમને વંદીએ...’ પ્રાર્થનાનું ગાન શાસ્ત્રીય રાગમાં પ્રસ્તુત કર્યું ત્યારે તાળીઓના ગડગડાટથી હોલ ગૂંજી ઉઠ્યો. રાજપીપળાથી ખાસ પધારી જ્યોતિષી ભરત વ્યાસે ગાયત્રી મંત્રના ઉચ્ચારણ કરી વાતાવરણને પવિત્રતા બક્ષી. અતિથિવિશેષોના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમનો શુભારંભ થયો. ત્યારબાદ અતિથિ વિશેષોનું શાહ પરિવારની દીકરીઓ-વહુઓના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે જ્યોત્સનાબેને મહેમાનોનો પરિચય રજુ કરતાં જણાવ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પૂર્વ સંધ્યાએ મારૂં ઘણાં વર્ષોનું સપનું સાકાર થયું છે. આ પુસ્તકમાં મેં ત્રણ દાયકાઓની પત્રકારત્વની સ્મૃતિઓ અને પારિવારિક જીવન સંભારણાની ગઠરી ખોલી છે. યોગાનુયોગ આ કાર્યક્રમના મંચ પર બિરાજમાન વિશિષ્ઠ પ્રતિભાવંત મહિલાઓએ મેળવેલ સિધ્ધિ સમાજ માટે પ્રેરણાદાયી છે.’

ડી.આર. શાહે આ પુસ્તક પ્રકાશન અંગે પોતાની લાગણીઓને વાચા આપતાં જણાવ્યું કે, ‘યોગાનુયોગ ગઇકાલે જ અમારા દામ્પત્ય જીવનની ૫૧મી વર્ષગાંઠ હતી અને આજે જ્યોત્સનાના આ પ્રથમ પુસ્તકનું લોકાર્પણ આપ સૌ સ્વજનોની હાજરીમાં થઇ રહ્યું છે એ મંગળ અવસર છે. જ્યોત્સનાએ જીવનમાં અનેક સંઘર્ષ વેઠી આ સિધ્ધિ હાંસલ કરી છે. આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિને હું સમાજની સર્વે બહેનોને કહેવા માગું છું કે, સ્ત્રી ગૃહિણી હોવાના નાતે એનો બધો જ સમય ઘરકામ અને ઘરના સભ્યોની દેખભાળમાં પસાર થઇ જતો હોય છે, પરંતુ તમે એમાંથી થોડો સમય કાઢી, તમારા મનપસંદ ક્ષેત્રમાં આગળ વધવાનો દ્રષ્ટિકોણ અપનાવજો. અને એ માટે સૌ જીવનસાથીઓએ પણ સહકાર આપવો જ રહ્યો. નિવૃત્તિની વયે પહોંચ્યા... હવે શું? એવું કદી વિચારતા નહિ! તકની રાહ ન જોશો. તક ઉભી કરો.’

પ્રકાશક ચંદ્રકાન્ત ખત્રીએ પુસ્તક વિષે પોતાનો અનુભવ રજુ કરતા જણાવ્યું કે, ‘જ્યોત્સનાબેને ચાળીસેક વર્ષ પત્રકારત્વ કરી અઢળક લખ્યું પરંતુ પુસ્તક ના લખે તો લેખિકા કહેવાય નહિ! હવે એ લેખિકા કહેવાયા. આ પુસ્તકમાં એમણે કરેલા લેખોનું સંકલન બ્રિટનના ગુજરાતી જીવન અને પત્રકારત્વ વિષયક અભ્યાસુઓ માટે સંદર્ભ ગ્રંથ સમાન બની રહેશે. આ એકેડેમીક પુસ્તક છે. જેમાં જીવનનો ઘટના ક્રમ, ઉજ્જવળ પત્રકારત્વમાં જે હાંસલ કર્યું છે એની વિગતોનો સમાવેશ કરાયો છે. જેમાં વિદેશની ધરતી પર કેટકેટલી પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેનો ખ્યાલ અપાયો છે. અમને એ તૈયાર કરવામાં ખુબ જ માહિતી મળી અને આનંદ થયો. અમારી જેમ આપ સૌને પણ એ વાંચવામાં ખુબ જ મજા આવશે.’

ડો. દીપક રાવલે જણાવ્યું કે, ‘આજનો પ્રસંગ મારા માટે અતિ વિશિષ્ઠ છે. મારો આ પરિવાર સાથેનો નાતો આત્મીય પ્રકારનો છે. એમની સાથે ‘ગુજરાત સમાચાર’ લંડનમાં સી.બી.ને ત્યાં કામ કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું છે. એ દરમિયાન મેં જ્યોત્સનાબેનને કામ કરતાં જોયા છે. પરદેશમાં કોઇ આપણી ભાષા બોલે તો કાન ચમકે, એમાંય આપણી ભાષાનું છાપું નીકળતું હોય, અને એ માત્ર છાપું ન હોય! ગુજરાતીઓના સંઘર્ષ સાથે જોડાયેલી હરેક યાત્રા... ચાહે હરે કૃષ્ણ મંદિર બચાવો ઝૂંબેશ હોય કે ઇમિગ્રેશન કે કેન્યા-યુગાન્ડાની હકાલપટ્ટીના સમયની વીતક... બધામાં ‘ગુજરાત સમાચાર’નું અણમોલ પ્રદાન હોય. હવે લેખન કાર્યની દિશામાં આગળ વધી વધુ પુસ્તકો સમાજને આપે એવી શુભેચ્છા.’

ડો. કેયુર બુચે એમના વક્તવ્યમાં જણાવ્યું કે, ‘મને પહેલું સ્ફૂર્યું જ્યોતિ કલશ છલકે... જે અનુરૂપ છે. ચાળીસેક વર્ષથી એમણે જ્યોત જગાવી છે. ભારતીય વિદ્યાભવન, માંચેસ્ટરમાં હું સક્રિય હતો. જ્યોત્સનાબેનના કહેવા મુજબ એક નાગર બચ્ચા તરીકે સાહિત્ય, સંસ્કૃતિ, કલા મારી રગોમાં હોવાથી હું ભવનને વીકેન્ડમાં સેવા આપતો. અને લંડનમાં રહ્યા રહ્યા અમને ‘ગુજરાત સમાચાર’, તંત્રીશ્રી સી.બી. અને જ્યોત્સનાબેનનો સહકાર ખૂબ હતો. દર વર્ષે અમારા વાર્ષિક સમારંભમાં એમની હાજરી અચૂક હોય. એનું શ્રેય અમારા મિત્ર સ્વ. મુકુન્દભાઇ જોબનપુત્રાને જાય. જેમણે ભવનનું ચેરમેન પદ વર્ષો સુધી શોભાવ્યું હતું. અભિનંદન જ્યોત્સનાબેન...’

ડો. જયશ્રીબેન મહેતાએ જણાવ્યું કે, ‘હું જ્યોત્સનાબેનને દોઢેક દાયકા પૂર્વે લંડનમાં ‘ગુજરાત સમાચાર’ કાર્યાલયમાં મળી હતી. લંડન જઉં તો સી.બી. અને પુષ્પાબેનને મળવાનું થાય જ. હું સી.બી.ને મળીને નીકળતી હતી ત્યારે જ્યોત્સનાબેનને બહાર સી.બી. સાથે જવાનું હોવા છતાં મને સ્ટેશન સુધી મૂકવા આવ્યા એ બરાબર યાદ છે જે મને સ્પર્શી ગયું. આજે વુમન ડે સેલીબ્રેશન છે. એક સ્ત્રી પત્રકાર, લેખિકા, હાઉસ વાઇફ, મધર... જેવા મલ્ટી ટાસ્ક સાથે ટાઇમ મેનેજમેન્ટ કરી સિદ્ધિ મેળવે એ આપણું ગૌરવ છે. અભિનંદન. આ જ પ્રમાણે બધાને પ્રેરણા આપતાં રહેજો. એવી શુભેચ્છા.’

કવિ રમેશ પટેલ (પ્રેમોર્મી)એ કહ્યું કે ‘ગુજરાત સમાચાર’માં જ્યોત્સનાબેને પગ મૂક્યો ત્યારથી મારી ઓળખાણ એમની સાથે છે. લંડનની વ્યસ્ત જિંદગી. દૂરથી આવવા-જવાનું, ઘરની જવાબદારી છતાંય જ્યોત્સનાબેનના ચહેરા પર સદાય હાસ્ય. ઘણાં અવરોધો વચ્ચે માણસ હસતું રહે એ મહત્વનું છે... હસતાં રહો. હસવાથી જ માણસ સારા કામ કરી શકે. અભિનંદન.’

ડો. અમીબેન ઉપાધ્યાયે એમના અર્થસભર વક્તવ્યમાં ઘણી બધી પ્રેરક વાતો કહી. જાણીતા અંગ્રેજી લેખક શીવ ખેરાના પુસ્તક ‘સ્મોલ રેમેડી’નું દ્રષ્ટાંત ટાંકતા કહ્યું કે, સાવિત્રીબાઇ નામના સંગીતકાર હોય છે. એમના મોંઢેથી એક વાક્ય નીકળે છે. સ્ત્રીના જીવનમાં લખવા જેવું શું હોય છે? જ્યારે એક સ્ત્રી આવું બોલે ત્યારે કમનસીબે આપણે ઓબ્ઝર્વ નથી કરતા. એમ સાવિત્રી કહે છે અને મધુ જવાબ આપે છે, ‘હું શબ્દોની તાકાત જાણું છું. એનાથી હું સાબિત કરીશ કે સ્ત્રી પાસે લખવા જેવું ઘણું બધું છે. એનામાં અભિવ્યક્તિ કરવાની તાકાત છે.’ જે જ્યોત્સનાબેને સાબિત કર્યું છે. એમના પુસ્તકના પાનાં ફેરવતા મેં જોયું, એમાં સ્પીરીચ્યુઅલ, રોમાન્ટીક, ધર્મ, સમાજિક જીવન, સંસ્કૃતિ, વિચારો... વગેરે બધું માણવા-જાણવા જેવું છે. જ્યોત્સનાબેનનું આ દળદાર પુસ્તક આખી યાત્રા છે. જે સહજ-સરળ નથી હોતી.’

વડોદરાના મેયર ડો. જીગીષાબેન શેઠ આંતરરાષ્ટ્રીય મહિલા દિનને કારણે ખૂબ જ વ્યસ્ત હોવા છતાં થોડોક સમય કાઢીને આવ્યા અને જણાવ્યું કે, ‘આજે મને કંઇક જુદી દુનિયામાં જ આવવા મળ્યું. નવી ઊર્જા પ્રદાન થઇ. હું થોડા સમય પહેલા લંડન ગઇ હતી ત્યાં ગુજરાતીઓને મળી અને મહારાષ્ટ્ર મંડળની મુલાકાત લીધી હતી. એક વાત જરૂર છે કે, કોઇ વ્યક્તિ પોતાની માતૃભાષા ભૂલતી નથી. સારામાં સારી અભિવ્યક્તિ માતૃભાષામાં જ થાય. જ્યોત્સનાબેનને અભિનંદન. પોતાના અનુભવોનું પ્રથમ પુસ્તક પ્રકાશિત કરવા માટે.’

વકિલ સાથે કવિજીવ એવા સીનીયર એડવોકેટ નિરૂપમ નાણાંવટીએ એમના વક્તવ્યમાં જણાવ્યું કે, ‘મને ડો. કેયુર બૂચનો ફોન આવ્યો અને જ્યોત્સનાબેન સાથે વાત કરવાનું કહ્યું. મેં મારો ૭ માર્ચનો જુનાગઢમાં રૂપાયતનનો પ્રોગ્રામ હતો જે સંસ્થાનો હું પ્રમુખ હતો એટલે દિવસ બદલી નાંખ્યો અને અહિ આવી ગયો. ‘વળાંકે, વળાંકે વળી જાય જીંદગી, અચાનક મળી જાય જીંદગી... જીંદગીનું એવું છે. આ પુસ્તકનું શીર્ષક જ કહે છે, ‘જીવન એક, સૂર અનેક’. જીવનમાં ક્યારેક સૂર બેસૂરા બને પણ પાછા સૂરમાં આવી જવાય! જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત...ની જેમ જ્યોત્સનાબેને ‘ગુજરાત સમાચાર’ લંડનમાં કામ કર્યું અને આ સુંદર પુસ્તક પ્રકાશીત થયું. એમાં ગૌરવ લઇ શકાય એવા પ્રસન્ન દામ્પત્યજીવનની ઉજવણી ભળી... મિલે સૂર મેરા, તુમ્હારા, બને સૂર હમારા... જેવું થયું.’

હવે આ કાર્યક્રમના અતિથિ વિશેષ જેમના હસ્તે ‘જીવન એક, સૂર અનેક’નું લોકાર્પણ થયું એ પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડ્યાને સાંભળવા સૌ આતુર હતા. એમણે જણાવ્યું, ‘આ પારિવારિક ઉત્સવ છે, એની એક મજા છે. હું ‘ગુજરાત સમાચાર’ લંડન સાથે જોડાયેલ છું. એક પત્રકાર તરીકે બીજા પત્રકારને બિરદાવવા આવ્યો છું. પત્રકારની સાધના સામાન્ય નથી. કેટલાય સંઘર્ષો અને પડાવો જ્યોત્સનાબેનના જીવનમાં આવ્યા હશે જે હું અનુભવી ચૂક્યો છું. આ NRGનું પુસ્તક છે. NRG કે NRI હોય પણ પોતાના ગામની પોળો, યુનિવર્સિટી, સંબંધીઓ બધું છોડ્યું નથી હોતું. એ વતન સાથે જોડાયેલ છે. સી.બી. પટેલ દર વર્ષે ઇન્ડીયા આવે તો પહેલા પોતાના વતન ભાદરણમાં જાય. ત્યાંના શિવ મંદિરે જાય. જે સ્કુલમાં ભણ્યા હોય એની મુલાકાત લે. ભાદરણના મગની પોટલી લઇ આવે... પછી બીજી વાત આવે. યુકેમાં જે રીતે ‘ગુજરાત સમાચાર’ સ્થાપિત થયું છે એ એક પડકાર છે. લંડનમાં બેસી કહેવું કે ગુજરાતી છાપું વાંચો, જ્યાં અંગ્રેજીનો પ્રભાવ છે. ત્યાં ગુજરાતીતાપણું પ્રગટ કરવા એમની આખી ટીમ કાર્યરત છે, જેમાં જ્યોત્સનાબેનનું પણ અનુદાન છે. એ ગુજરાતનું ગૌરવ છે.’

‘હું ગુર્જર વિશ્વ નિવાસી...’ કહીને ડો. વિષ્ણુ પંડ્યાએ ગુજરાતીઓની વિશેષતાના ઇતિહાસના પાનાં ખોલ્યાઃ ‘આપણા DNAમાં ત્રણ ‘સ’ ની મહત્વની ભૂમિકા છે. પહેલો સંકલ્પ: સંકલ્પ કર્યો કે પુસ્તક કરવું છે એટલે બધા સાથે સંવાદ સાધી એ તૈયાર કર્યું. બીજો સમન્વય અને ત્રીજો સંઘર્ષ. કોઇ પણ વ્યક્તિ એવી નહિ હોય જેણે જીવનમાં સંઘર્ષ કર્યો ન હોય. એમાંથી સિદ્ધિના શિખર સર કરે એ NRG છે. ૫૦૦૦ વર્ષ જૂનું આપણું લક્ષણ છે, વિનાશમાંથી નિર્માણ. ગુજરાતી હારે નહિ, નિરાશ નહિ થાય, દુ:ખી નહિ થાય ને ભાંગે નહિ. નવા કલેવર ધરો હંસલા... જેમ આવેલ પરિસ્થિતોનો સામનો હિમતભેર કરવો.’ આ સાથે જ તેમણે ગુજરાત અને ભારતનો ગૌરવવંત ઇતિહાસ તાદૃશ કર્યો.

ઐતિહાસિક ઉલ્લેખો ઉપરાંત લંડનમાં થયેલ ભારતની આઝાદી ચળવળના પાયાની વાતો કરતા-કરતા ઉમેર્યું કે, ‘લંડનમાં બેઠાં બેઠાં સી.બી. પટેલ, જ્યોત્સનાબેન આદી ‘ગુજરાત સમાચાર’ ચલાવતા હોય તો એમને સલામ કરવા ઘટે.

નમિતાએ પણ એ જ દિવસે લંડનથી મુંબઇ અને મુંબઇથી વડોદરા આવી પોતાના વક્તવ્યમાં ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘આજે અમારા કુટુંબમાં આનંદનો પ્રસંગ છે. સપનાં આવે પણ એ પૂરા કરવા જહેમત ઉઠાવવી પડે. આજે અમારાં મમ્મીનું સપનું સાકાર થયું છે અને એમની મહેનત રંગ લાવી છે. આપ સૌ એના સહભાગી બન્યા એનો અતિ આનંદ છે.’

આ પ્રસંગે કુટુંબના ત્રણ સભ્યો - ભાણેજ ભાવેશ, ભત્રીજા વહુ જિજ્ઞા અને ભત્રીજી ડો. પ્રીતિએ પુસ્તકના કેટલાક અંશોનું પઠન કર્યું.

જ્યોત્સનાબેને પોતાનો પ્રતિસાદ આપતાં જણાવ્યું કે, ‘શબ્દ એક જ મૂકાયને અર્થ ફરી જાય છે. આંકડો એક જ મૂકાયને દાખલો ફરી જાય છે. પગલું એક જ મૂકાયને દિશા ફરી જાય છે... અને એક જ સારી વ્યક્તિ મળી જાય ને આખી જિંદગી બદલાઇ જાય છે... એમ મારી જિંદગીમાં દિનેશના પ્રવેશથી જીવનનો પ્રવાહ બદલાઇ ગયો.

મારા જીવનનની દિશા બદલવામાં સૌથી અગત્યનું અનુદાન લંડનના ‘ગુજરાત સમાચાર’ અને ખાસ કરીને ગુરૂ, ગાઇડ તેમજ વડિલ તરીકે તંત્રી શ્રી સી.બી. પટેલનો ફાળો અનન્ય રહ્યો છે. એમના આશીષ અમારા પર સદાય વરસતા રહ્યા છે. મારા આ પુસ્તક પ્રકાશનના અન્ય પ્રેરક બળોમાં મારા સંતાનોનો ફાળો નોંધનીય છે. અમારા આમંત્રણને માન આપી પધારેલ મહાનુભાવો અને એમના પ્રેરક વક્તવ્યો જીવનના અણમોલ સંભારણાં બની રહેશે.’

સમાપનમાં કોકિલાબેન શાહે આ પ્રસંગને સફળ બનાવવામાં અતિથિ વિશેષો સહિત સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો. નિતીનભાઇ બુમિયા, જેમણે હોલ, કેટરીંગ, મીઠાઇ, વીડીયો વગેરેની વ્યવસ્થામાં પોતાનો જ પ્રસંગ હોય એવી આત્મીયતા દાખવી એમનો દિલથી આભાર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter