વિલઃ સંપત્તિની સુરક્ષા અને વહેંચણી માટે સત્તાવાર દસ્તાવેજ

રાકેશ પ્રજાપતિ - સોલિસીટર Wednesday 20th May 2020 07:05 EDT
 
 

વિલ - વસિયતનામું, કાનૂની દસ્તાવેજ છે જે તમારા મૃત્યુ પછી તમારી પ્રોપર્ટી બાબતે શું કરવા માગો છો તે દર્શાવે છે. આ સાથે કેટલાક પ્રશ્નોના ઉત્તર જણાવાયા છે જે તમને વિલની વ્યાખ્યા વિશે માહિતી આપશે.

વિલ એટલે શું?

વિલ કાનૂની દસ્તાવેજ છે જે તમારા મૃત્યુ પછી તમારી એસ્ટેટનું શું કરવું તેની જોગવાઈ કરે છે. વિલ તમારી પસંદગીના ચોક્કસ લાભાર્થીઓને તમારી સંપત્તિ ટ્રાન્સફર કરવાનું જણાવતું કાયદેસરનું જાહેરનામું છે.

વિલ કોણ કરી શકે?

૧૮ વર્ષથી વધુ વયની અને માનસિક સક્ષમ કોઈ પણ વ્યક્તિ વિલ કરી શકે.

મારું વિલ કાયદેસર ક્યારે ગણાય?
યોગ્ય સાક્ષી-વિટનેસની હાજરીમાં વિલ કરનારની સહી સાથે તે કાયદેસર માન્ય દસ્તાવેજ બને છે. ખોટી રીતે સહી કરાવાના કારણે ઘણા વિલ નિરર્થક-અમાન્ય બની જતાં હોવાથી યોગ્ય સહી કેવી રીતે કરવી તેમાં કાનૂની સલાહ મદદરુપ બને છે.

મારા સાક્ષી કોણ બની શકે?
વિલમાં ઉલ્લેખ કરાયો ન હોય તેવી ૧૮ વર્ષથી વધુ વયની અને માનસિક રીતે સક્ષમ કોઈ પણ વ્યક્તિ સાક્ષી બની શકે. લોહીના સંબંધ ધરાવતી વ્યક્તિ અથવા તેમના પાર્ટનરે વિલમાં સાક્ષી આપવી ન જોઈએ.

ગાર્ડિયન-વાલી એટલે શું?
૧૮ વર્ષથી ઓછી વયના બાળકની સંભાળ-દેખરેખ રાખવા માટે નિયુક્ત કરાયેલી વ્યક્તિ ગાર્ડિયન કહેવાય.

મારે ગાર્ડિયન્સ નિયુક્ત કરવાની જરુર પડે?
જો તમારા બાળકો ૧૮ વર્ષથી ઓછી વયનાં હોય તો તમારે ગાર્ડિયન એપોઈન્ટ કરવા જોઈએ. તમે આ માત્ર વિલ દ્વારા જ કરી શકો છો.

એક્ઝિક્યુટર એટલે શું?
તમારી ઈચ્છાઓનાં પાલન કે વહીવટ કરવા માટે તમે વિલમાં ઉલ્લેખ કર્યો હોય તે વ્યક્તિ.

મારા માટે એક્ઝિક્યુટર કોણ બની શકે?
૧૮ વર્ષથી વધુ વયની અને માનસિક રીતે સક્ષમ કોઈ પણ વ્યક્તિ એક્ઝિક્યુટર-વહીવટદાર બની શકે છે. તમને લાગે કે આ કાર્ય સારી રીતે કરી શકશે તેવા વિશ્વાસપાત્ર વ્યક્તિની નિયુક્તિ શ્રેષ્ઠ ગણાય. તમે ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ ચાર વ્યક્તિની નિયુક્તિ કરી શકો છો.

હું વિલ વિના લોકો માટે ભેટ-બક્ષિસ આપી શકું?
ના, તમારે મિત્રો અથવા ચેરિટીને ભેટ-બક્ષિસ મૂકતાં જવાં હોય તો તે માટે વિલ જરુરી છે.

વિલથી ઈન્હેરિટેન્સ ટેક્સમાં બચત થઈ શકે?
હા, જો તમે તમારી રાહતો અને છૂટછાટ-મુક્તિઓનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો બચત થઈ શકે છે. ઈન્હેરિટન્સ ટેક્સ ૪૦ ટકા છે જે, ૩૨૫,૦૦૦ પાઉન્ડની મર્યાદાથી ઉપરની એસ્ટેટ હોય તેના હિસ્સા પર લાગુ પડે છે. સ્ટાન્ડર્ડ વિલના લીધે તમારે કદાચ વિલની ગેરહાજરીમાં વારસાઈ- ઈન્હેરિટેન્સ ટેક્સ ભરવાનો થાય તેના કરતાં વધુ ટેક્સ ભરવો પડી શકે છે. આથી, તમારા વિલનું ડ્રાફ્ટિંગ કાળજીપૂર્વક થાય તેની ચોકસાઈ માટે સલાહ મેળવવી મહત્ત્વનું છે.

જો વિલ વિના મારું મૃત્યુ થાય તો શું થશે?
જો તમે વિલ કર્યું ન હોય તો તમારુ મૃત્યુ વિલ વિનાનું (ઈન્ટેસ્ટેટ) ગણાશે અને તમારી સંપત્તિની વહેંચણી કાયદાથી સ્થાપિત નિયમો મુજબ જ થશે. આ નિયમો તમારી ઈચ્છાઓ અને પરિવારજનોની તરફેણ કરશે નહિ અને તમારી પસંદગીના ન હોય તેવાને પણ લાભ થઈ શકે છે. તમારા કોઈ સગાં જીવતાં ન હોય તો તમારી સંપત્તિ ક્રાઉન એટલે કે સરકાર હસ્તક પણ જઈ શકે છે.

તમારી જીવનભરની મહેનતથી કમાવેલી સંપત્તિના રક્ષણ માટે તમે પાછળથી કશું કરી શકશો નહિ આથી, તમે અગાઉથી જ સક્રિય અભિગમ અપનાવો તે આવશ્યક અને અતિ મહત્ત્વપૂર્ણ ગણાશે. વિલ કર્યા વિના જ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધી રહી છે. એક અંદાજ અનુસાર યુકેની પુખ્ત વસ્તીના ૬૦ ટકા લોકો વિલ કરતા નથી. વિલ કરનારા ૪૦ ટકા લોકોમાં પણ, ચારમાંથી એક વિલમાં વ્યક્તિની ઈચ્છાનું પ્રતિબિંબ જોવાં મળતું નથી અથવા તો તે કાયદેસર જ હોતાં નથી. માન્ય-કાયદેસર વિલ તમારા અવસાન પછી તમારી સંપત્તિની વહેંચણી તમારી ઈચ્છાનુસાર કરાશે એ બાબતે તમને ખાતરી આપે છે.

વધુ માહિતી માટે સંપર્કઃ 

Rakesh Prajapati, Solicitor 

[email protected]

Mobile : 07979 590 670


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter