અમદાવાદ: શહેરમાં રવિવારે 45થી વધુ જૈન સંઘો દ્વારા સામૂહિક વિરાટ રથયાત્રા યોજાઇ હતી, જેમાં હજારોની સંખ્યામાં જૈનો જોડાયા હતા. રથયાત્રાનો સમગ્ર રૂટ ‘ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી’ અને ‘જૈનમ્ જયતિ શાસનમ્’ના નારાથી ગૂંજી ઊઠ્યો હતો.
વિશ્વકુંજ ચાર રસ્તાથી શરૂ થયેલી આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને માણેકબાગ હોલથી ચીમનભાઈ પટેલના બંગલો પાસેના ગ્રાઉન્ડમાં પહોંચીને ધર્મસભામાં ફેરવાઇ ગઇ હતી. અહીં સ્વામીવાત્સલ્ય યોજાયું હતું, જેમાં તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી મનોહરકીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય રાજયશ સૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી 500 થી વધુ સાધુ ભંગવતો હાજર રહ્યા હતા. આ સમગ્ર રથયાત્રાનો આ અદભુત માહોલ અને લોકોનો જે ઉત્સાહ ઉમંગ છે તેનો સંપૂર્ણ યશ પૂજ્ય ગુરુ ભગવંતો તેમ જ શ્રી સંઘોના પદાધિકારીઓ અને જોડાયેલા તમામ જૈન સંઘના યુવાનોને જાય છે.
તપાગચ્છાધિપતિ પૂજ્ય મનોહર કીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે 94 વર્ષની ઉંમર હોવા છતાં સંપૂર્ણ રથયાત્રામાં નિશ્રા પ્રદાન કરી હતી. ગચ્છાધિપતિ રાજયશસુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ અનેક આચાર્ય ભગવંતો, સાધુ અને સાધ્વીજી ભગવંતો વિશાળ સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા. 108 ફૂટ લાંબી વિરાટ શાસન ધજાએ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અનેક નૃત્ય મંડળીઓ, વાજિંત્ર મંડળીઓ, પરમાત્માને પાલખીમાં ઉચકીને લઈ જતા જૈન યુવાનો, અનેક ગજરાજો, બગીઓ અને વિવિધ બેન્ડો રથયાત્રાની શોભા વધારતા હતા. જૈન સંઘના અનેક શ્રેષ્ઠીવર્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.