લંડનઃ ધ ભવન લંડન ખાતે નવા પ્રકરણનો આરંભ થઈ રહ્યો છે. 70‘ના પાછલા દશકમાં ભવન સાથે જોડાયેલા અને 80‘ના દશકમાં એક્ઝિક્યુટિવ કમિટી સાથે સંકળાયેલા અમારા ચેરમેન શ્રી જોગિન્દર સાંગેર ભવન્સના ભાવિ પથને માર્ગદર્શન આપવા નવા નેતા માટે સ્થાન મોકળું કરવા પોતાના પદ છોડી રહ્યા છે.
જોગિન્દરજી અમારા પૂર્વ ચેરમેન દલાલજી (શ્રી માણેક દલાલOBE) ને પોતાના ગુરુ માનતા હતા અને દલાલજી અને માથુરજીના કારણે જ તેઓ ભારતીય વિદ્યા ભવન, લંડન સાથે જોડાયા હતા. તેમણે જ ભવનની નાણાકીય ખાધને સરભર કરવા ભંડોળ એકત્ર કરવાના હેતુસર વાર્ષિક દિવાળી બેન્ક્વેટની શરૂઆત કરાવી હતી જે 35 કરતાં વધુ વર્ષથી ચાલી રહ્યું છે. અમારા પૂર્વ ખજાનચી શ્રી ઈન્દ્ર સેઠીઆએ જણાવ્યું છે તેમ ભવનના વાઈસ ચેરમેન તરીકે જોગિન્દરજીએ ધ ભવન માટે ભંડોળ એકત્ર કરવાની જવાબદારી હાથમાં લીધી ત્યારથી ભવનની ટ્રેઝરી ટીમે રાહતનો શ્વાસ લીધો છે.
દલાલજી હંમેશાં કહેતા કે તેમને જોગિન્દરજી ઘણા ગમે છે કારણકે તેઓ સંપૂર્ણ વફાદાર છે અને તેમને સોંપાયેલી જવાબદારી હંમેશા પૂર્ણ કરશે. તેઓ લંડનમાં સૌથી આદરપાત્ર બિઝનેસ વ્યક્તિત્વોમાં એક છે અને બિનવિવાદાસ્પદ હોવાથી ધ ભવનને ભારે ફાયદો થયો છે. દલાલજી 2011માં નિવૃત્ત થવા સાથે જોગિન્દરજીએ તેમનું સ્થાન સંભાળ્યું હતું અને 11 વર્ષ સુધી તેના ચેરમેન રહ્યા છે. ધ ભવનના વાઈસ ચેરમેન અને ચેરમેન તરીકે તેમના કાર્યકાળમાં ધ ભવને આપણી કળા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરી છે. તેઓ પ્રામાણિકપણે માને છે કે આપણા સાંસ્કૃતિક આંદોલનના ભવિષ્ય સમાન બાળકો માટે આપણી સંસ્કૃતિનો અભ્યાસ-શિક્ષણ આપણે સુલભ બનાવવો જોઈએ. જોગિન્દરજીની સરળતા અને તેમના સુધી પહોંચી શકવાની સુલભતાએ લંડન અને આસપાસની કોમ્યુનિટીઓમાં ભારે લોકપ્રિય વ્યક્તિ બનાવ્યા હતા. તેમની ઉદારતા અને બધા સારા અને યોગ્ય ઉદ્દેશોના કાર્યો માટે મદદરૂપ સ્વભાવ માટે તેઓ જાણીતા હતા.
અમારી ગત એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં ભવનના સંયુક્ત ચેરમેન શ્રી શાંતનુ રૂપારેલે ભવનને જ્યારે પણ ખાધ વર્તાઈ હોય ત્યારે દર વખતે જોગિન્દરજીની મળતી મદદનો અને કેવી રીતે પોતાના અંગત ડોનેશન્સથી તેને સરભર કરતા હતા તેનો ઉલ્લેખ કર્યો હતો. શાંતનુજીએ ભવનને આપેલા તમામ યોગદાન બદલ જોગિન્દરજીનો આભાર માન્યો હતો. તમામ સભ્યોએ અને ખાસ કરીને ફંડરેઈઝિંગની કામગીરી સંભાળી લેનારાં ડો. સુરેખા મહેતાએ અસાધારણ માર્ગદર્શન પુરું પાડવા બદલ જોગિન્દરજીનો આભાર માન્યો હતો.
જોગિન્દરજીએ પોતાનું કાર્ય સરળ બનાવવામાં ભૂમિકા બદલ એક્ઝિક્યુટિવ કમિટીના તમામ સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે બધા સભ્યોને નવી નેતાગીરી હેઠળ ધ ભવનની સેવા કરવાનું ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે અંતમાં જણાવ્યું હતું કે તેઓ ધ ભવન માટે હંમેશાં પ્રાપ્ય બની રહેશે.
ધ ભવન, લંડનના નવા ચેરમેન શ્રી સુભાનુ સક્સેનાનું સ્વાગત
ધ ભવનના નવા ચેરમેન શ્રી સુભાનુ સક્સેનાનું સ્વાગત કરતા અમને ઘણો આનંદ થાય છે. ભવનની એક્ઝિક્યુટિવ કમિટીની 21 સપ્ટેમ્બરની બેઠકમાં ભવનના નવા ચેરમેન તરીકે તેમના નામનો પ્રસ્તાવ શ્રી શાંતનુ રૂપારેલ દ્વારા મૂકાયો હતો અને તેને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. શ્રી સુભાનુજીએ જોગિન્દરજી, શાંતનુજી અને સમગ્ર કમિટીનો આભાર માની તેમના સપોર્ટની ઈચ્છા દર્શાવી હતી. શ્રી સુભાનુ સક્સેના ચાર દાયકાથી ધ ભવન સાથે સંકળાયેલા છે. તેમણે વિદ્યાર્થી તરીકે શરૂઆત કરી હતી અને તે પછી આપણા સંસ્કૃત અને વેદ વિષયોના શિક્ષક તરીકે અને છેલ્લે એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકેની કામગીરી સંભાળી હતી
તેમણે અને તેમના સમગ્ર પરિવારે ધ ભવનને અનન્ય યોગદાન આપ્યું છે. તેઓ વેદ અને ઉપનિષદોના તજજ્ઞ છે તથા ઉર્દુ કવિતાને પ્રેમ કરે છે. બિઝનેસમાં તેઓ સીનિયર આંતરરાષ્ટ્રીય ભૂમિકાઓમાં ગ્લોબલ એક્ઝિક્યુટિવ રહ્યા છે અને ભવનના ચેરમેન તરીકે તેમની નેતાગીરીનો અનુભવ સંસ્થાને મળશે. તેમના અધ્યક્ષપદ હેઠળ ભવન વધુ પ્રગતિના માર્ગે આગળ વધશે તે જોવા અમે ઉત્સુક છીએ.
સુભાનુજીનો સંક્ષિપ્ત પરિચય આ મુજબનો છેઃ
શ્રી સુભાનુ સક્સેના હાલ ન્યૂ ર્હેઈન હેલ્થકેર LLC પ્રાઈવેટ ઈક્વિટીમાં મેનેજિંગ પાર્ટનર છે તેમજ ન્યૂ ર્હેઈન ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ છે. તેઓ ઈમ્પિરિયલ કોલેજની ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર છે અને વિવિધ બોર્ડ પોઝિશન્સ ધરાવે છે. તેઓ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર તેમજ બેઈન કેપિટલમાં સીનિયર એડવાઈઝર રહ્યા છે અને ગિલીડ માટે હેલ્થ પોલિસી એડવાઈઝરી બોર્ડના સભ્ય પણ હતા. તેમણે અગાઉ કીઆડિસ ફાર્માના સુપરવાઈઝરી બોર્ડ મેમ્બર જેવી અનેક બોર્ડ અને સલાહકારી ભૂમિકાઓ સંભાળેલી છે.
ઉચ્ચ સિદ્ધહસ્ત ગ્લોબલ એક્ઝિક્યુટિવ તરીકે તેમનો અનુભવ યુરોપ, નોર્થ અમેરિકા, આફ્રિકા અને એશિયાના માર્કેટ્સ તેમજ ફાર્માસ્યુટિકલ્સ, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્ઝ (FMCG) સહિતની ઈન્ડસ્ટ્રીઝ, કન્સલ્ટિંગ અને બેન્કિંગના ક્ષેત્રો સુધી વિસ્તરેલો છે. તેમની અન્ય મહત્ત્વની ભૂમિકાઓમાં 170 દેશોમાં વિસ્તરેલી ફાર્માસ્યુટિકલ્સ મેન્યુફેક્ચરિંગ કંપની Ciplaમાં MD અને ગ્લોબલ CEO, નોવાર્ટિસની ફાર્માસ્યુટિકલ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તેમજ અગાઉ સિટીગ્રૂપ, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ અને પેપ્સી કો ઈન્કમાં પણ ભૂમિકાનો સમાવેશ થાય છે.
સુભાનુ સક્સેના ફ્રાન્સના ફોન્ટેનબ્લુ INSEADથી MBA ગ્રેજ્યુએટ થયા છે તેમજ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એન્જિનીઅરિંગ સાયન્સમાં M.A. (Hons) ડીગ્રી ધરાવે છે. સુભાનુજી ક્લાસિકલ ગિટાર વગાડે છે, સંસ્કૃત અને પ્રાચીન ભારતીય સાહિત્ય શીખવે છે તેમજ યુકેમાં ભારતીય ક્લાસિકલ કળાઓનું સૌથી મોટાં કેન્દ્ર ભારતીય વિદ્યા ભવનના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છે. તેઓ અંગ્રેજી અને હિન્દીની સાથે રશિયન, ફ્રેન્ચ, જર્મન અને સંસ્કૃત જેવી છ ભાષા બોલી શકે છે.
ધ ભવન શ્રી જોગિન્દર સાંગેરને આરોગ્યમય અને શાંતિપૂર્ણ નિવૃત્તિકાળ માટે શુભેચ્છા પાઠવે છે અને શ્રી સુભાનુજીને ઉષ્માસભર આવકાર સાથે ભવિષ્યમાં તેમની સાથે કામ કરવા ઉત્સુકતા દર્શાવે છે.
ધ ભવનની ટીમ