UN સાથે સંકળાયેલી તેમજ લંડન, ન્યૂ યોર્ક, લોસ એન્જલસ, શિકાગો, નવી દિલ્હી, નાઈરોબી, અબુ ધાબી અને સિડનીમાં મુખ્ય કેન્દ્રો ધરાવતી આંતરરાષ્ટ્રીય સામાજિક-આદ્યાત્મિક સંસ્થા BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હવે પેરિસમાં પણ મહત્ત્વના પ્રોજેક્ટનો શુભારંભ કરાયો છે. ‘અદ્ભૂત સ્થાપત્ય’ તરીકે ઓળખાનારા આ પ્રોજેક્ટનો શિલાન્યાસ સમારોહ 3 અને 4 સપ્ટેમ્બરના રોજ યોજાયો છે.
પેરિસના મલ્ટિફેઈથ અને બહુસાંસ્કૃતિક હાર્દસમા બસી -સેન્ટ-જ્યોર્જેસ (Bussy-Saint-Georges)ના Esplanade des religions et des cultures ખાતે આ શિલાન્યાસનો કાર્યક્રમ છે.
આ નવું બિલ્ડિંગ ફ્રાન્સનું પરંપરાગત અને વિશેષ હેતુસરનું બારીક કોતરણી અને કોમ્યુનિટી સુવિધાઓ સાથેનું પ્રથમ હિન્દુ મંદિર બની રહેશે. આ મંદિર સંસ્કૃતિ, એકતા અને સંવાદિતાને ઉત્તેજન આપવાની પ્રતિબદ્ધતા માટે પસંદ કરાયું છે. પેરિસમાં વિશ્વના સૌથી પ્રતીકાત્મક સ્મારકો અને સુંદર ઈમારતોનું સ્થાન છે જેમાં ફ્રાન્સમાંથી ઉદ્ભવેલાં ફિલોસોફી, સાહિત્ય, રંગભૂમિ, પેઈન્ટિંગ, શિલ્પ ને સ્થાપત્યની શ્રેષ્ઠતા નિહાળી શકાય છે.
BAPS મંદિર ભારતીય સંસ્કૃતિ અને શાણપણનું પ્રતિનિધિ બનવા સાથે પ્રાચીન કળા અને ભારતીય પરંપરાગત સ્થાપત્યના વિજ્ઞાનને આ સુંદર અને કલાત્મક અભિવ્યક્તિમાં ઉમેરો કરશે.
મંદિર નિર્માણના પ્રોજેક્ટના કર્ણધાર સંજય કારા છે. બસી-સેન્ટ-જ્યોર્જેસના મેયર યાન ડુબોસ્કે મંદિર પ્રોજેક્ટને ભાવભીનો આવકાર આપ્યો છે.
BAPSના આદ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે આ મંદિર તેના અલભ્ય પ્રદર્શનો, જ્ઞાન-રમતનાં ક્ષેત્રો, લેન્ડસ્કેપ્ડ ઉદ્યાનો અને વિવિધ વ્યંજનો પીરસતાં રેસ્ટોરાં સાથે ‘શાંતિ, આદ્યાત્મિકતા, પારિવારિક મૂલ્યો, ને સામુદાયિક સેવાના પ્રતીક તરીકે સેવા આપશે.’ સ્વામીજીના સ્વપ્નને વિશિષ્ટ સમારંભ થકી આકાર મળશે અને આ પ્રસંગે ફ્રાન્સના વિવિધ વિસ્તારો અને યુરોપીય દેશો અને ભારતથી પણ મહેમાનોની ઉપસ્થિત રહેશે. આ ઉજવણીમાં નૃત્યો સહિત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્રેન્ચ અને હિન્દીમાં રજૂઆત કરતા વીડિયોઝનો સમાવેશ થશે.