યુકે-યુરોપના સર્વપ્રથમ ભારતીય સનાતન પરંપરા મુજબના અત્યાધુનિક મુક્તિધામ - અંત્યેષ્ટિ સંસ્કાર ભવન ૐ ક્રિમેટોરિયમનો ઐતિહાસિક શિલાન્યાસ સમારોહ 31 ઓગસ્ટ 2022ના રોજ યોજાયો. અનુપમ મિશન, યુકે દ્વારા સમગ્ર સમાજની સેવામાં સમર્પિત આ અંત્યેષ્ટિ સંસ્કાર ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે યુકે અને ભારતના શ્રેષ્ઠીગણ, મહાનુભાવો, રાજકીય-સામાજિક પ્રતિનિધિઓ, ભાવિક ભક્તો અને સંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય સાહેબજી અને પૂજ્ય શાંતિદાદાના સાન્નિધ્યમાં વૈદિક રીતે શિલાન્યાસ પૂજનવિધિ કરવામાં આવી.
શિલાન્યાસ પૂજનમાં ૧૦૮ યજમાનો સહિત સમગ્ર યુકેમાંથી 800થી વધુ મહાનુભાવોએ ભાગ લીધો, જેમાં વેંકૈયા નાયડુ (ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ), પોલ સ્કલી (સ્થાનિક સરકારના મંત્રી), સંજય કુમાર (ભારતીય હાઈ કમિશનના સેકંડ સેક્રેટરી) અને ગોપીચંદ હિંદુજા (હિંદુજા ફાઉન્ડેશન)ની પ્રેરક ઉપસ્થિતિ રહી.
આ ઉપરાંત લોર્ડ ડોલર પોપટ, બેરી ગાર્ડિનર (એમપી), વીરેન્દ્ર શર્મા (એમપી), સીમા મલ્હોત્રા (એમપી), રાજેશ અગ્રવાલ (લંડનના ડેપ્યુટી મેયર), ઓંકાર સહોતા (લંડન એસેમ્બલીના અધ્યક્ષ), સી. બી. પટેલ (ચેરમેન ગુજરાત સમાચાર - એશિયન વોઇસ) સાથે સ્થાનિક કાઉન્સિલરો અને હિંદુ, શીખ અને જૈન આદિ સમુદાયોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા.
અનુપમ મિશનના સંત પૂજ્ય મનોજદાસજીએ પ્રાધાનાચાર્ય સ્વરૂપે ગુજરાતી, સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી ભાષાના માધ્યમથી પ્રત્યેક વિધિ, ક્રિયા અને શ્લોકના અર્થ સમજાવીને શિલાન્યાસ વિધિ સમ્પન્ન કરાવી. આ ભવનના નિર્માણ પૂર્વે કે દરમિયાન ભૂમિ પર જૈવિક તત્ત્વો જેવાં કે છોડ, જંતુ કે પ્રાણીને નુકસાન પહોંચે તો તેની ક્ષમાયાચના માંગવાના ભાવથી તેમજ નવા જન્મે વધુ સારો અવતાર પ્રાપ્ત થાય તેવી કામના પ્રભુચરણે પ્રાર્થના કરવાના ઉદ્દેશ્યથી આ પૂજાવિધિ કરવામાં આવી.
આ પ્રસંગે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા અનુપમ મિશન દ્વારા થયેલાં અને થતાં સેવાકાર્યોની સરાહના કરી પૂજ્ય સાહેબજીને ભાવવંદના ધરી. ભારતીય સંસ્કાર અને અસ્મિતાને જાળવી રાખવા તેઓએ સૌને હાકલ કરી. શીખ પ્રતિનિધિ સુરેન્દરસિંઘ જગદેવજી, રેશમસિંગ સંધુજીએ અરદાસ કરી સૌ વતી શ્રી વાહેગુરુજીના શ્રીચરણોમાં પ્રાર્થનાઓ કરી. ત્યારબાદ હિન્દુજા ફાઉન્ડેશનના ગોપીચંદ હિંદુજાએ પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરી અને આ નિર્માણકાર્યમાં સહકાર આપવાની અંતરની ભાવના વ્યક્ત કરી. સ્થાનિક સરકારના મંત્રી પોલ સ્કલીએ ધન્યવાદ પાઠવ્યા અને ૐ અંત્યેષ્ટિ સંસ્કાર ભવનના સ્વપ્નને સાકાર કરવા અનુપમ મિશન દ્વારા થયેલ પ્રયત્નોની સરાહના કરી.
પૂજ્ય સાહેબજીએ આશીર્વાદ પાઠવ્યા અને અંત્યેષ્ટિ સંસ્કાર ભવન સંકલ્પ તથા ઇતિહાસની વાતો કરી આ ભવનના નિર્માણ અને સાકાર કરવાની સેવામાં જોડાયેલ તેમજ જોડાનાર, સહકાર આપનાર સૌનો આભાર માન્યો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ ધન્યતાની અનુભૂતિ કરી અને ‘ૐ અંત્યેષ્ટિ સંસ્કાર ભવન’નું નિર્માણકાર્ય સમયસર પૂર્ણ થાય તે માટે ભાવના દાખવી.