વડતાલધામથી દ્વિશતાબ્દી આમંત્રણ રથનું પ્રસ્થાનઃ 1000 ગામમાં ફરશે

Tuesday 13th August 2024 06:39 EDT
 
 

વડતાલધામઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામથી ગુજરાત અને મહારાષ્ટ્રના 1000 ગામોમાં હરિભક્તોને ઘેર ઘેર નિમંત્રણ આપવા માટે આમંત્રણ પ્રચાર રથે પ્રસ્થાન કર્યું છે.
વર્તમાન ગાદિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી તથા મોટેરા સંતોએ પૂજાવિધિ કરાવીને આરતી અને જયનાદ સાથે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. વડતાલધામને આંગણે આગામી તારીખ 7થી 15 નવેમ્બર દરમિયાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાનાર છે. આ મહોત્સવના ઉપલક્ષમાં ગુજરાત-મહારાષ્ટ્રના 1000 ઉપરાંત ગામોમાં રહેતા હરિભક્તોને ઘરે-ઘરે નિમંત્રણ પહોંચે તે માટે વડતાલ સંસ્થાન દ્વારા આમંત્રણ પ્રચાર રથનું આયોજન કરાયું છે.
શ્રાવણ માસના બીજા સોમવાર - 12 ઓગસ્ટે પ્રચાર રથનું વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, ભાઈ સ્વામી, વલ્લભ સ્વામી, પી.પી. સ્વામી, સુર્યપ્રકાશ સ્વામી, નિર્ભય ચરણ સ્વામી, કે. પી. સ્વામી, હરિકૃષ્ણ સ્વામી - સુરત ગુરુકુલ, વિઠ્ઠલ ભગત સહિત સંપ્રદાયના સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં પૂજા વિધિ બાદ મંગલ પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત સ્વામીએ જણાવ્યું હતું કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ના ભૂતો ના ભવિષ્યતી જેવો દેશ-વિદેશના લાખો હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવાશે જેનો લાભ લેવા માટે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, દુબઈથી લાખો સત્સંગીઓએ મહોત્સવમાં ભાગ લેવા માટે પોતાની ટિકિટો બુક કરાવી દીધી છે.
વિદેશથી આવતા હરિભક્તોના ઉતારા માટે 200 એકરથી વધુ જગ્યામાં ટેન્ટ સીટી બનાવવામાં આવી રહી છે, જેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આમંત્રણ રથની માહિતી આપતા ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે ‘આપણા મહારાજ આપણા શહેરમાં’ અભિયાન અંતર્ગત આણંદ શહેરમાં 12 થી 15 ઓગસ્ટ, નડિયાદ શહેરમાં તારીખ 16થી 23 ઓગસ્ટ, વડોદરા શહેરમાં તારીખ 24 થી 31 ઓગસ્ટ, ભરૂચ શહેરમાં 1 થી 5 સપ્ટેમ્બર, સુરત શહેરમાં 6 થી 13 સપ્ટેમ્બર, તાપી શહેરમાં 14 થી 15 સપ્ટેમ્બર, ડાંગ શહેરમાં 16 થી 19 સપ્ટેમ્બર, નવસારી શહેરમાં તારીખ 20 થી 21 સપ્ટેમ્બર, વલસાડ શહેરમાં તારીખ 22 થી 25 સપ્ટેમ્બર, વાપી શહેરમાં તારીખ 26 થી 27 સપ્ટેમ્બર, મુંબઈ શહેરમાં તારીખ 20 સપ્ટેમ્બર થી 7 ઓક્ટોબર, ખાનદેશ તારીખ 8 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી 1000 ઉપરાંત ગામોમાં આમંત્રણ રથ ફરી હરિભક્તોને દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ પાઠવશે. આમંત્રણ રથની સાથે પૂજ્ય પવિત્ર સ્વામી, નિર્ભય સ્વામી તથા બે હરિભક્તો સાથે રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter