લંડન, અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીનું વિશેષ મહત્ત્વ છે. ગુરુવાર, ૩૦ જાન્યુઆરીએ શિક્ષાપત્રી ગ્રંથની ૧૯૪મી જયંતી છે. સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલો શિક્ષાપત્રી ગ્રંથ ઈંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડ્લીયન લાયબ્રેરીમાં મૂકવામાં આવેલો છે. લંડન સહિત સમગ્ર વિશ્વના સ્વામિનારાયણ મંદિરોમાં આ દિવસે તેનું પૂજન કરવામાં આવશે.
શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં મહા સુદ પાંચમ એટલે કે વસંતપંચમીના રોજ સંવત ૧૮૮૨માં વડતાલમાં કરી હતી. જેની અંદર કુલ ૨૧૨ શ્લોકો છે. શિક્ષાપત્રી એટલે ‘શિક્ષા’ એટલે હિતનો ઉપદેશ અને ‘પત્રી’ એટલે પોતાનો અભિપ્રાય જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધન. અર્થાત શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્ર-લેખ, મનુષ્યોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન આપતી પત્રિકા.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રી ગ્રંથ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અભૂતપૂર્વ અલૌકિક બંધારણ છે. શિક્ષાપત્રી અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી આદિ અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ શિક્ષાપત્રી ઉપર ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે કે, ‘આ જે શિક્ષાપત્રી તે અમારું સ્વરૂપ છે. માટે તેને પરમ આદર થકી માનવી અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે.’
અણમોલ શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને રાજકોટમાં મુંબઈના ગર્વનર સર જ્હોન માલ્કમને તા. ૨૬-૨-૧૮૩૦ના રોજ ભેટમાં અર્પણ કરી હતી. હાલ તે ઈંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડ્લીયન લાયબ્રેરીમાં સંગ્રહિત કરવામાં આવેલી છે. જેના દર્શન માટે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ- મણિનગર- અમદાવાદ મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી - સંતો હરિભક્તો સાથે પધાર્યા હતા અને તેના દર્શનનો લાભ લીધો હતો.
આમ, શિક્ષાપત્રી ગ્રંથ ગરીબોના નાનાં ઝૂપડાંમાંથી માંડીને સારાય વિશ્વમાં ઘરોઘર વંચાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ કહ્યું હતું કે,‘ શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસ થાણા તથા સર્વ પ્રકારની કોર્ટો ઊઠાવી લેવી પડે.’ મહાત્મા ગાંધીજીઅ પણ આ સંબંધે કહ્યું હતું કે,‘ હિન્દુસ્તાનમાં ઘણા ધર્મો છે, પણ સ્વામિનારાયણ ધર્મ પ્રસંશનીય, શુદ્ધ અને આકર્ષક છે. મને આ ધર્મને વિશે ઘણું માન છે.’