લંડનઃ વિશ્વ કેન્સર દિવસે વેસ્ટમિન્સ્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વીરેન્દ્ર શર્માએ કેન્સર પીડિતો, NHS સ્ટાફ અને સંશોધકો સાથે એકતા દર્શાવી હતી. દર વર્ષે NHS ઈલિંગ CCGમાં કેન્સરના નવા ૧,૩૦૦ કેસોનું નિદાન થાય છે. યુકેમાં છેલ્લાં ૪૦ વર્ષમાં સર્વાઈવલ રેટ બમણો થઈ ગયો છે. પરંતુ, હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે.
ઈલિંગ સાઉથોલના સાંસદ કેન્સર રિસર્ચ યુકેના તાજા સંશોધનો વિશે જાણવા અને વધુ કેન્સરપીડિતો જીવિત રહે તે સુનિશ્ચિત કરવા કાર્યરત તમામ લોકોને પોતાનું સમર્થન દર્શાવવા ચેરિટીના કેમ્પેનર્સને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું,‘ કેન્સર ઘણાં લોકોના જીવન પર સીધી અને આડકતરી રીતે અસર કરે છે અને આપણામાંના સૌ કોઈ એક યા બીજી રીતે કેન્સર વિશે જાણીને ભાવુક થયા હશે. સંશોધન માટે ફંડ ઉભું કરવા વર્લ્ડ કેન્સર ડેએ યુનિટી બેન્ડ પહેરવા જેવા નાના કાર્યથી પણ મોટો ફરક પડી શકે છે. હું ઈલિંગ સાઉથોલમાં રહેતા તમામ લોકોને સમગ્ર વર્ષ દરમિયાન તેમનો સપોર્ટ દર્શાવવા અનુરોધ કરું છું.’
યુકેમાં દર વર્ષે કેન્સરના નવા ૩૬૩,૦૦૦ કેસ નોંધાય છે. હેલ્થ સર્વિસીસ તેને પહોંચી વળવા સંઘર્ષ કરવો પડે છે. આગામી ૧૫ વર્ષમાં આ સંખ્યામાં ૪૦ ટકાનો વધારો થવાની શક્યતા છે. છેલ્લાં દસ વર્ષથી હાલ કેન્સરના ચાર દર્દીમાંથી બે જીવિત રહી શકે છે. કેન્સર રિસર્ચ, યુકેની મહત્ત્વાકાંક્ષા આ દરને ઝડપી બનાવવાની છે જેથી, ૨૦૩૪માં ચારમાંથી ત્રણ કેન્સરપીડિત એક દાયકા સુધી જીવિત રહે.
કેન્સર રિસર્ચ યુકેના હેડ ઓફ પબ્લિક અફેર્સ એન્ડ કેમ્પેનીંગ શોન વોલ્શે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે તેમની સાથે જોડાવા બદલ વીરેન્દ્ર શર્માનો આભાર માન્યો હતો.