લંડનઃ યુકેમાં આંશિક છૂટછાટ સાથે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે અને વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું ચુસ્ત પાલન કરવાની તાકીદ કરી છે. આમ છતાં, હાસિડિક (Hasidic) જ્યૂઝ સંપ્રદાયના ૩૦૦ જેટલા લોકો ધાર્મિક ફેસ્ટિવલની ઉજવણી કરવા ૧૨ મે, મંગળવારે સ્ટેમફોર્ડ હિલ ખાતે એકત્ર થયા હતા. ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯થી થયેલા મૃત્યુમાં યહુદી લોકોનું પ્રમાણ ઘણુ વધારે છે. અગાઉ, ગયા મહિને પણ પોલીસે ગોલ્ડર્સ ગ્રીન ખાતે એક લગ્ન સમારંભમાં હાજર ૪૦ હાસિડિક યહૂદીઓને વિખેરી કાઢ્યા હતા.
એક પરિવારમાંથી એક વ્યક્તિ સાથે મળી શકાય તેવી સરકારની સૂચનાનું પાલન કર્યા વિના જ્યૂઝ કોમ્યુનિટી દ્વારા Lag B'Omer ફેસ્ટિવલ મનાવાઈ રહ્યો હતો. આશરે ૩૦૦ લોકો તેમના ઘાર્મિક કેલેન્ડરમાં પવિત્ર મનાતા ફેસ્ટિવલને ઉજવવા મંગળવાર ૧૨ મેના દિવસે નોર્થ લંડનની સ્ટેમફોર્ડ હિલ પર એકત્ર થયા હતા. હેકની બરોની એક એસ્ટેટમાં એકત્ર લોકોના ટોળાએ નૃત્યો પણ કર્યા હતા, જેમાં એક વ્યક્તિએ ગોરિલા માસ્ક લગાવ્યો હતો. જોકે, બોર્ડ ઓફ ડેપ્યુટીઝ ઓફ બ્રિટિશ જ્યુઝ દ્વારા સંપ્રદાયના લોકોને સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરવા અને માર્ચ મહિનાની હાલતમાં પાછા ફરવા ન માગતા હો તો ઘરમાં જ રહેવાની સૂચના અપાઈ હતી.
આંકડાઓ કહે છે કે કોવિડ-૧૯ મહામારીમાં ૪૪૦ યહુદીના મોત થયાં છે. યુકેની વસ્તીમાં યહુદીઓનું પ્રમાણ માત્ર ૦.૪ ટકા હોવાં છતાં કોરોના વાઈસથી મોતમાં આ કોમ્યુનિટીનો હિસ્સો ૨.૩ ટકા છે અને અન્ય બ્રિટિશરોની સરખામણીએ ૬ ગણો હોવાનું કહેવાય છે.
ગયા મહિને લોકડાઉનની મધ્યે જ કોમ્યુનિટીના ભવ્ય લગ્નમાં ૪૦ મહેમાનોએ હાજરી આપી હતી. પોલીસે તેમાં દખલગીરીનો પ્રયાસ કર્યો ત્યારે તેમને બિયરની બોટલ આપી હાંસી ઉડાવી હતી. લાંબા ટેબલ પર મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રુમમાં ચારેતરફ ઓર્ચિડના પુષ્પોથી સજાવટ પણ કરાઈ હતી. મહત્ત્વની બાબત એ છે કે નવવધૂના પિતા પાંચ વર્ષ સુધી હેકની મેટ્રોપોલિટન પોલીસ ઈન્ડિપેન્ડન્ટ એડવાઈઝરી ગ્રૂપના ચેરમેન હતા અને આ લગ્નની ઉજવણી મુદ્દે હોબાળાથી તેમને રાજીનામું આપવું પડ્યું હતું.