સુજ્ઞ વાચક મિત્રો, આપને યાદ છે? લગભગ બે દાયકા અગાઉ "ગુજરાત સમાચાર"માં "મારે કંઇક કહેવું છે?” નામની લેખમાળામાં વિવિધ વિષયો પર પોતાના મૌલિક, નિર્ભિક વિચારોને વાચા આપતાં લેખો પ્રસિધ્ધ થયા હતા. જેને વાચકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ સાંપડતો હતો. એના લેખક રજનીકાન્ત જે.મહેતાના ચાર નિબંધ સંગ્રહો પ્રસિધ્ધ થયા છે. ૧) થેમ્સ નદીના કાંઠેથી (ઇ.સ.૧૯૯૫), ૨) મીઠી સ્મૃતિઓની જુદી જ દુનિયા (ઇ.સ.૧૯૯૭), ૩) દરિયાપારની દાસ્તાન (ઇ.સ.૧૯૯૮), ૪) વણખેડ્યો પ્રદેશ દરિયાપારનો (ઇ.સ. ૨૦૦૨). શ્રી માતાજી વિષયક એમની અંગ્રેજી પુસ્તિકા 'ટેક મધર વીથ યુ" ખૂબ જ વખણાઇ છે.
બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય ક્ષેત્રે સંશોધન કરવાનું ભગીરથ કાર્ય ડો.બળવંત જાનીએ ઉપાડ્યું અને એમને સાથ આપ્યો ડો.જગદીશ દવેએ. "રજનીકાન્તભાઇની બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા નિબંધ સૃષ્ટિ" લેખમાં ડો.બળવંત જાનીએ રજનીકાન્તભાઇના જીવન અને લેખનની વિશેષતાનો વ્યાપક ઉલ્લેખ કર્યો છે.
આંતર રાષ્ટ્રીય વહાણવટુ અને આર્થિક રોકાણના વ્યવસાય તથા પ્રવાસના શોખને કારણે વિશ્વના સિત્તેરથી વધુ દેશોની સફર અને સાત દેશોમાં વસવાટ કરનાર શ્રી રજનીકાન્ત મહેતા એમની રાજકીય, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જ લેખન પ્રવૃત્તિને કારણે નામ કમાયા છે. આ બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિનો જન્મ બ્રિટનમાં લંડન ખાતે ૨૪ મે ૧૯૩૦ના રોજ પિતાશ્રી જયસિંગલાલ અને માતુશ્રી કાન્તાબેનની કૂખે થયો હતો. એમના પિતાશ્રી જયસિંગલાલે અમેરિકાની ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી "માસ્ટર ઇન કોમર્શીયલ સાયન્સીસ"માં પદવી મેળવી હતી. સિંધિયા સ્ટિમ નેવીગેશન કંપની લિમિટેડમાં મહત્વના હોદ્દે હતા. કંપનીમાંથી ત્રણ વર્ષ માટે ૧૯૨૮ થી ૧૯૩૨ લંડન કામ અર્થે આવ્યા હતા. રજનીકાન્તભાઇની જન્મભૂમિ બ્રિટન પણ દિલ અને દિમાગ સંપૂર્ણપણે ભારતીય છે. ૨૦૧૧થી તેઓશ્રી તેમનાં ધર્મપત્ની ઇલાબેન સાથે મુંબઇમાં સ્થાયી થયા છે. એમની ૯૦મી વર્ષગાંઠ લંડનમાં તેમની બે પુત્રીઓ શિલ્પા અને સ્વપ્નાના પરિવાર (જેઓ માતા-પિતાની ખૂબ જ સંભાળ રાખે છે), સ્વજનો, સાહિત્યકારો અને મિત્રો સાથે ઉજવવાની યોજના હતી પરંતુ કોરોનાને કારણે મુલતવી રહી. હવે આપણે "ગુજરાત સમાચાર"ના સથવારે એ ઉજવીએ અને એમને શુભેચ્છા પાઠવીએ.
શ્રી રજનીકાન્તભાઇએ ૨૦ વર્ષની વયે મુંબઇની એલ્ફિસ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રના વિષયમાં B A ઓનર્સની પદવી મેળવી. M. A. મુંબઇ યુનિવર્સિટી સ્કુલ ઓફ ઇકોનોમીક્સમાંથી ઇકોનોમીક્સ અને એડવાન્સ્ડ પોલીટીક્સ વિષયો સાથે કર્યું. ૨૫ વર્ષની વયે અચાનક પિતાનું દુ:ખદ અવસાન થતાં નાની ઉમરે કુટુંબની જવાબદારી આવી પડી. ૨૬ વર્ષની ઉમરે જૈન સમાજના ઉદાર દાતા શેઠશ્રી માણેકચંદ ઝવેરીના પૌત્રી ઇલાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.
તેઓ સિંધિયા સ્ટિમ નેવીગેશન કંપની, ઇન્ડીયન સુગર મીલ્સ એસોસિએશન-એક્સપોર્ટ ડીવીઝન ત્યારબાદ શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયામાં પોતાની સેવાઓ આપતા રહ્યા.
૧૯૭૨માં કંપનીએ ભારત સરકારના પ્રતિનિધિ તરીકે એમને આફ્રિકા મોકલ્યા. ૧૯૭૬માં મુંબઇ પરત ગયા. થોડા સમય બાદ તુર્ત જ સિંગાપોર ગયા. ૧૯૮૩માં પુન: મુંબઇ અને પછી કાયમી નિવાસ માટે લંડન આવી ગયા. આંતર રાષ્ટ્રીય વહાણવટુ અને આર્થિક રોકાણનો પોતાનો નિજી વ્યસાય ૧૯૭૬માં આરંભ્યો અને એ અંગે કાર્યરત રહ્યા. આ વ્યવસાયને કારણે ૭૦ થી વધુ દેશોના પ્રવાસે જવાનું બન્યું.
પ્રવાસવૃત્તની ડાયરી અને નીજ અનુભવની સ્મૃતિની મૂડીથી સંપન્ન રજનીકાન્તભાઇએ બહુ મોડું લેખન કાર્ય આરંભ્યું. વ્યવસાય, પ્રવાસ ઉપરાંત શ્રી અરવિંદ યોગની સાધના અને માતાજીના સંદેશનો પ્રભાવ ઝીલીને એ સાધનધારાના અધ્યયનમાં પણ પોતાનો વિશેષ સમય ફાળવતા રહ્યા.
સંસ્કારલક્ષી સામાજિક સેવાકાર્ય : વિધાર્થી કાળથી સેવાકાર્યનો શુભારંભ.કોલેજમાં સ્ટુડન્ટ યુનિયનના ચેરમેન. “મિસ્ટર એલ્ફિસ્ટન" તરીકે પસંદગી. મુંબઇમાં જુહુ ખાતેના "ગાંધી વોલંટીયર ગૃપ"માં ભારે સક્રિય. જુહુમાં ગાંધીજી સાથેની પ્રાર્થના સભાની વ્યવસ્થાનું સુકાન સંભાળેલું. “ઘાટકોપર યુવક સમાજ"ના સ્થાપક પ્રમુખ. યુવા કોંગ્રેસના મહામંત્રી તરીકે પણ ક્રીયાશીલ. યુથ ફ્રન્ટની એમની કામગીરી પણ ભારે વખણાયેલ. ઇ.સ. ૧૯૪૬ થી "બાલ્કન જી બારી"ના માનદ્ મંત્રીની જવાબદારી સ્વીકારેલ. ઘાટકોપરની શેઠ ધનજી દેવજી રાષ્ટ્રીય શાળામાં માનદ્ મંત્રી તરીકે રાજકીય પ્રવૃત્તિઓમાં ખૂબ જ ક્રીયાશીલ રહ્યા એ કારણે કૃષ્ણ મેનન ઇલેક્શન કમિટીમાં ચીફ સેક્રેટરી તરીકે પસંદગી થયેલી. ઘાટકોપર વિસ્તારમાં એ વખતે એમના પ્રયત્નોથી ગાંધીજી, જવાહરલાલ નહેરૂ, વિજયાલક્ષ્મી પંડિત અને સરદાર વલ્લભભાઇ, જયપ્રકાશ નારાયણ, રવિશંકર મહારાજ, શ્રી સુન્દરમ્, કનૈયાલાલ મુન્શી ઇત્યાદી અનેક મહાનુભાવો અને રાજપુરૂષોની મુલાકાતોના કાર્યક્રમો યોજી શકેલા.
તેમની સેવાકીય અને રાજકીય પ્રવૃત્તિઓની સૂઝને કારણે જ્યારે શીપીંગ કોર્પોરેશન તરફથી ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ૧૯૭૨માં યુગાન્ડા ગયા. ત્યાં મોમ્બાસા પ્રમુખ કેન્યાટાની મુલાકાતને કારણે હકારાત્મક વાતાવરણ ઉભું કરી શક્યા. શીપીંગ કોમર્સ મીનીસ્ટ્રીના પ્રમુખ સલાહકાર તરીકેની ફરજ પણ ઉત્કૃષ્ટ બજાવેલી. ભારતીયોના સ્થળાંતરનો પ્રશ્ન ઉકેલવામાં પણ તેમની ભૂમિકા મહત્વની હતી.
ત્યારબાદ સિંગાપોર ગયા ત્યાં પણ " ભારત સંઘ"માં મહામંત્રી તરીકે સેવાઓ આપી. લંડનમાં પણ "ઓરોમીરા સેન્ટર"માં ટ્રસ્ટી તરીકે સેવા આપી. માતા કાન્તાબહેન અને પિતાશ્રી જેસિંગલાલ પ્રેમચંદની કાયમી સ્મૃતિ માટે મહારાષ્ટ્રમાં પંચગની તથા મહાબળેશ્વર વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરેલ છે અને ઉચ્ચ ગુણવત્તા ધોરણે ચલાવે છે. “કાન્તાબેન મહેતા જુનિયર કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ", "મીનળબહેન મહેતા સીનીયર કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ" ઉપરાંત "જે.પી. મહેતા મેમોરીયલ હોલ", મહેતા ટેકનીકલ સ્કુલ – સેકન્ડરી, પ્રાયમરી સ્કુલ, "ઇલાબહેન મહેતા વિધાલય અને કોલેજ"માં મળી ૪૦૦૦ વિધાર્થીઓ અને ગરીબ વિધ્યાર્થીઓ વસ્તીગૃહમાં રહીને શિક્ષણ મેળવી રહ્યા છે. એમ સમગ્ર શૈક્ષણિક કેમ્પસ પરિવારજનો અને સ્નેહી મિત્રોના સહયોગ અને અનુદાનથી ચાલી રહેલ છે જેના સંચાલનમાં આજે ય તેઓ સક્રિય છે.
આ બધી સાહિત્યિક, રાજકીય અને સેવાકીય પ્રવૃત્તિઓમાં ખરો અને પૂરો સહયોગ હોય તો એમનાં ધર્મપત્ની ઇલાબહેનનો જેમને સુરતના વણિક સંસ્કારી પરિવાર માણેકચંદ હીરાચંદ ઝવેરીનો સંસ્કાર વારસો સાંપડ્યો છે.
આમ શ્રીમતી ઇલાબહેનનું સંસ્કાર ઘડતર અને રજનીકાન્તભાઇના ડાયસ્પોરીક લેખક તરીકેની પ્રતિભામાં પાયાના પરિબળો છે. વધુ વિગત માટે સંપર્ક : (00 91 22) 23641325 or email: [email protected]
(ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ઓનલાઈન વાંચવા માટે જુઓ વેબસાઈટઃ www.gujarat-samachar.com)