લંડનઃ જલિયાંવાલા નરસંહારની ૧૦૦મી વર્ષી નિમિત્તે ૧૩મી એપ્રિલે હાઉસ ઓફ લોર્ડ્સમાં આયોજિત કાર્યક્રમમાં હું અને મારો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ સ્મરણીય કાર્યક્રમમાં હું હાજર રહી શકું કે કેમ તેના વિશે મેં મારા પિતાને વિનંતી કરી હતી. મારા પિતાએ લોર્ડ લૂમ્બાને મારી વિનંતી જણાવતા તેમણે તેને માન્ય રાખી હકારમાં ઉત્તર વાળ્યો હતો.
સૌપ્રથમ અમે હાઉસ ઓફ લોર્ડ્સમાં પ્રવેશ કર્યો ત્યારે અમારે થેમ્સ નદી તરફના કોલમોન્ડોલે ખંડમાં જવાનું હતું. અમે ડિનર માટે રાહ જોઈ રહ્યા હતા તેના રીફ્રેશમેન્ટ ગાળામાં અમે અન્ય મહેમાનો સાથે હળ્યામળ્યા હતા. આ પછી, ભારતીય હાઈ કમિશનર મિસિસ રુચિ ઘનશ્યામ સહિત ૧૦ વક્તા પ્રવચન આપવા માટે સજ્જ જણાયાં હતાં.
વક્તાઓએ ૧૯૧૯ની ૧૩મી એપ્રિલના એ ગોઝારા દિવસે સર્જાયેલા જલિયાંવાલા બાગ નરસંહાર વિશે વક્તવ્ય આપ્યું હતું. મેં તમામ પ્રવચનો શાંતિ અને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા પરંતુ, મને ભારતીય હાઈ કમિશનરનું પ્રવચન સૌથી વધુ ગમ્યું હતું. તેઓ અત્યારે જે પદ ધરાવે છે તેના કારણે તેમના પ્રવચનમાં સંપૂર્ણ ગંભીરતા અને પ્રવાહિતા સ્પષ્ટપણે જણાઈ આવ્યાં હતાં.
મને હાઉસ ઓફ લોર્ડ્સના કાર્યક્રમમાં આવવાની ખાસ ઈચ્છા હતી, જેથી હું નામાંકિત લોકોને મળી શકું અને નેટવર્કિંગ પણ કરી શકું. લોર્ડ લૂમ્બાના કારણે જ આ શક્ય બની શક્યું. આ કાર્યક્રમના પરિણામે મને જલિયાંવાલા બાગ હત્યાકાંડનો ઈતિહાસ શીખવા મળ્યો અને ભારતે તેની આઝાદી મેળવવાના સંઘર્ષમાં શું કિંમત ચુકાવવી પડી તે પણ જાણવા મળ્યું હતું. મને એ કહેતા ગૌરવ થાય છે કે ભારત આજે વિશ્વમાં સૌથી વિશાળ લોકશાહી રાષ્ટ્ર હોવાની સાથે અતિ ઝડપે વૃદ્ધિ પામતા અર્થતંત્રોમાં એકનું સ્થાન ધરાવે છે.
(માત્ર નવ વર્ષના જયવીર શાહ Plurimi Wealth LLPના મેનેજિંગ ડાયરેક્ટર-પાર્ટનર નીલેશ શાહના પુત્ર છે.)