લંડનઃ એડવિન કો લો ફર્મની ટેક્સ ટીમના પાર્ટનર હેતલ સંઘવીને સિટીવેલ્થ ટોપ 100 ઈન્ટરનેશનલ પાવરવિમેન લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત થયું છે. સિટીવેલ્થનું ઈન્ટરનેશનલ પાવરવિમેન લિસ્ટ વેલ્થ મેનેજમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત સ્ત્રીઓની ઓળખ કરે છે જેઓ પોતાની ભૂમિકાઓ અસામાન્યપણે ભજવે છે એટલું જ નહિ, તેમની સાથી મહિલાઓને તેમની કારકિર્દીના લક્ષ્યાંકોને હાંસલ કરવાની પ્રેરણા અને સહકાર આપે છે.
હેતલ સંઘવી તેમના મલ્ટિ-જ્યુરિડિક્શનલ એક્સ્પોઝર ધરાવતા ક્લાયન્ટ્સને સલાહ આપવાના અનુભવનું ભાથું ધરાવે છે. તેઓ ટેક્સ કોમ્પ્લાયન્ટ ફ્રેમવર્કમાં પોતાનું સ્થાન અનુકૂળ બનાવવા ઈચ્છતી નોન-ડોમિસાઈલ્ડ વ્યક્તિઓ તથા સંપત્તિના સંપાદન અથવા ફીઝિકલ રીલોકેશન મારફત યુકે જોડાણ મેળવવા ઈચ્ચુક બિનનિવાસી વ્યક્તિઓ સાથે કામ કરવાના નિષ્ણાત છે. તેઓ વિવિધ અલગ અલગ પ્રકારના HMRC વિવાદ (રેગ્યુલરાઈઝેશનથી ઈન્ક્વાયરી) ધરાવતા ક્લાયન્ટ્સને મદદ કરવામાં વર્ષોનું નિષ્ણાત જ્ઞાનનો અનુભવ ધરાવે છે અને એડવિન કો ખાતે ટેક્સ કોમ્પ્લાયન્સ સલાહ આપવામાં નેતાગીરી સંભાળે છે.
લંડનસ્થિત એડવિન કો સર્વિસ લો ફર્મ 1913થી કાર્યરત છે તેમજ યુકે અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓ, સંસ્થાઓ અને બિઝનેસીસની જરૂરિયાતો અનુસાર સુગઠિત કાનૂની સલાહો ઓફર કરે છે. ધ લોયરની યુકે 200 લો ફર્મની વર્તમાન એડિશનમાં તે 115મો રેન્ક ધરાવે છે.