તા. ૧૮ જૂન ૨૦૧૬ થી ૨૪ જૂન ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 15th June 2016 07:36 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં માનસિક જુસ્સો જાળવવો પડશે. જો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવશો તો ધારી સફળતા નહીં મળે, આથી ઉલ્ટું તમારે નિષ્ફળતા જોવી પડશે. આવક-જાવકની બાજુઓ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે કેમ કે આ સમય વધુ પડતો ખર્ચાળ બનતો જણાશે. વળી, લેણી રકમો મળે નહીં. જેમાંથી લાભની આશા રાખશો તેમાં પણ હાનિ થાય. નોકરી-ધંધામાં આ સમય વધુ મહેનત માંગી લેતો જણાશે અને તમારી ધારણાઓ ફળશે નહીં.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય સફળતા અપાવનાર છે. નોકરી-ધંધાના ક્ષેત્રે હવે નવીન આશાસ્પદ પ્રસંગો આકાર લેશે. પરિવર્તનના સંકેત મળશે. આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે સમય મિશ્ર છે. વધુ પ્રયત્નો છતાં અલ્પ લાભ મળે. કૌટુંબિક અને સામાજિક ક્ષેત્રના પ્રશ્નો અંગે ચિંતા વધે તેવા પ્રસંગો બનશે. જીવનસાથી સાથે વિવાદ જાગે. વયસ્કોને લગ્ન-વિવાહમાં વધુ વિલંબ જણાય. કોર્ટ-કચેરી કે અન્ય કામકાજો માટે આ સમયના યોગો સહાયરૂપ નીવડશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહમાં કેટલીક પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ વિકાસ સૂચવે છે. માર્ગ આડે આવતાં અંતરાયો દૂર થતાં જણાશે. અગત્યની પ્રવૃત્તિઓથી આનંદની લાગણી અનુભવશો. આ સમયમાં આર્થિક બાબતો અંગે જણાવીને મુશ્કેલીમાંથી માર્ગ મેળવશો. આવકમાં વૃદ્ધિની તકો ઊભી થઈ શકશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યો માટે નાણાં ઊભા કરી શકશો. નોકરિયાતોને માનસિક વ્યથા કે વિષાદ વધશે.

કર્ક (ડ,હ)ઃ આ સમયના ગ્રહયોગોની ચાલ જોતાં માનસિક સક્રિયતા અને ઉત્સાહનો અનુભવ કરાવી જાય. તમારો પુરુષાર્થ આખરે સફળ થાય. માન- સન્માનની તક મળશે. નાણાકીય રીતે સંજોગો સુધરતા જણાશે. આવકમાં વૃદ્ધિ થાય. જૂની ઉઘરાણીથી લાભ મળશે. આ ઉપરાંત આવકના અન્ય સ્રોત ઊભા કરી શકશો. ટૂંકમાં, તમારી નાણાકીય ચિંતાનો ઉકેલ મેળવી શકશો. તમારું કામ પાર પડતું જણાશે. અણધાર્યા ખર્ચને પહોંચી વળવાની જોગવાઈ કરી શકશો.

સિંહ (મ,ટ)ઃ કેટલાક મહત્ત્વના અને આશાસ્પદ સંજોગો સર્જાતા માનસિક ચિંતાનો બોજ હળવો બનશે. આગળ વધવાનો માર્ગ ખુલ્લો થતાં તમારી સક્રિયતા વધશે. નાણાભીડની પરિસ્થિતમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી શકશો. અણધારી આર્થિક મદદ મળતા કામકાજ આગળ ધપાવી શકશો. નોકરી મેળવવાના તમારા પ્રયાસો સફળ થતાં લાગે. નોકરીના ક્ષેત્ર લાંબા સમયથી અણઉકેલ્યા પ્રશ્નો હલ કરી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ ખોટી ચિંતા કે ટેન્શન જણાય. આ સમયમાં આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ લાવવા માટે વધુ મહેનત અને પ્રયત્નો જરૂરી બનશે. ઉઘરાણી પાછળ વધુ ધ્યાન આપવું જરૂરી છે. આ સિવાય અન્ય રીતે પણ તમે નાણાભીડમાંથી માર્ગ મેળવી શકશો. અલબત્ત, કામ બગડે નહીં તે માટે પૂર્વ આયોજન જરૂરી છે. જમીન કે સંપત્તિની બાબત હજી યથાવત્ અને વણઉકેલ રહેતી જણાય.

તુલા (ર,ત)ઃ સપ્તાહ કારણ વગરની ચિંતાઓમાં પસાર થાય તેમ લાગે છે. શાંતિ અને સ્વસ્થતા જાળવશો તો કશું જ અનિચ્છનીય બનશે નહીં. આર્થિક પ્રશ્નો ઉકેલાતા જણાય. અગત્યના કામકાજો પાર પડતાં અટવાયેલા લાભો મળશે. શેર-સટ્ટાથી નુકસાન છે. નોકરી-ધંધાના ક્ષેત્રે મળેલી તક ગુમાવવી ન પડે તે જોવું રહ્યું. કામનો બોજો અને મુશ્કેલીથી માનસિક તણાવ રહેશે. મકાન-મિલકતના પ્રશ્નો વધુ ગૂંચવાતા જણાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ કાર્યો અને યોજનાઓ અંગે જોઈતી તકો અને અનૂકૂળતા મેળવી શકશો. કોઈ મહત્ત્વનું કામ સફળ થાય. અગત્યની વાતચીતો આગળ વધશે અને સાનુકૂળતા જણાશે. જોકે નાણાભીડનો અનુભવ થશે. તેથી અણધાર્યા ખર્ચ, હાનિના પ્રસંગોથી સાવધ રહેજો. કોઈના વિશ્વાસે વહાણ હંકારવાનું ટાળજો. વ્યવાસાયિક દૃષ્ટિએ સમય બહુ જ ધીરજ માંગી લે તેવો છે. આમ છતાં તમારા પુરુષાર્થનું ફળ મળશે. નવીન પ્રવૃત્તિઓ વિકસતી જણાય.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમય નજીવા કારણોસર અશાંતિના પ્રસંગો અને વ્યથાનો અનુભવ કરાવશે. એકંદરે માનસિક સ્વસ્થતા અને મનોબળ મજબૂત રહેશે. નાણાકીય બાબતો અંગે વિશેષ જાગૃતિ અને કાળજી લેવા પડશે. મહત્ત્વના કામકાજો, આર્થિક સમસ્યા અને ખોટું નાણાકીય રોકાણ ન થઈ જાય તે જોવું રહ્યું. વ્યાવસાયિક ક્ષેત્રે વિકાસ મંદ પડતો જણાશે. વિલંબિત કામ ઉકેલાય અને સફળતા મળે. જ્યારે નોકરિયાતને પ્રમોશન, સ્થળાંતર અંગે અવરોધ જણાશે.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં કોઈને કોઈ પ્રકારે અશાંતિ કે વિખવાદોના પ્રસંગો આવશે, જેથી શાંતિ અને માનસિક સંયમ જાળવશો. લાગણીઓ પર કોઈ પણ બાબતની અસર થવા દેશો નહીં, બને તેટલા વ્યવહારિક બનજો. નાણાકીય દૃષ્ટિએ આ સમય મુશ્કેલીમાંથી બહાર લાવનાર છે. કેટલાક વિશેષ ખર્ચાઓ કરવા પડશે, જેની જોગવાઈ કરી શકશો. નોકરિયાત કે ધંધાદારી માટે આ સમય સાનુકૂળ છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી કાર્યરચના સાકાર થશે. મહત્ત્વની ઓળખાણથી લાભ મળશે. પ્રવાસ-પર્યટનો અંગે અનુકૂળ સમય છે. નાણાકીય પ્રશ્નોમાં યોગ્ય માર્ગ મળતો જોવા મળશે. કંઈક સારી ગોઠવણ થતાં રાહત અનુભવાય. શેરસટ્ટા કે વાયદાથી લાભ મેળવવા લલચાશો તો નુકસાન ભોગવવું પડશે. વધારે કમાણી કરી લેવાની ઉતાવળ ટાળજો. નોકરિયાતને કામનો બોજ વધે. મુશ્કેલી સર્જાતા અશાંતિ રહે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સફળતા સાનુકૂળતાનું વાતાવરણ સર્જાતા સમય મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળશે. માનસિક ઉત્સાહ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ શુભ હોવાથી તમારી આર્થિક ચિંતા કે બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણો માટે સાનુકૂળતા વર્તાશે. નોકરિયાતોને વધુ પ્રયાસે કાર્યસફળતાના યોગ છે. બઢતી-બદલીના કામકાજો અટવાયેલા હશે તો ઉકેલાશે. વેપારીઓને પ્રોત્સાહક વાતાવરણ જોવા મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter