તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૧૫થી ૧ જાન્યુઆરી, ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 23rd December 2015 07:04 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખશો તો વધુ નિરાશાથી ઊગરી શકશો. નાણાકીય તકલીફોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. કેટલીક સહાયતાઓથી કામ પાર પડશે. ખર્ચ અને ચૂકવણીના કારણે બચત વાપરવા ફરજ પડશે. નોકરિયાત માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશ-માન આપનાર છે. હિતશત્રુઓના હાથ હેઠા પડે. સારી તકો મળતા આનંદ થાય. ધંધા-વેપારના ક્ષેત્રે હવે આગેકૂચ કરી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ આર્થિક અને પ્રગતિની દૃષ્ટિએ હવે આશાવાદી રચનાઓ સાકાર થતી જણાશે. કૌટુંબિક શાંતિ મેળવી શકશો. કરજનો ભાર હળવો થાય. આ સમયમાં યાત્રા-પ્રવાસ વગેરેમાં પ્રતિકૂળતા રહેશે. માનસિક શાંતિ મેળવી શકશો. સ્વજનો-મિત્રો મદદરૂપ બનશે. નવા કામકાજ માટે આ સમય સાનુકૂળ ખૂબ નીવડશે. આ સમયગાળા દરમિયાન મકાન-મિલકત અને જમીનને લગતા પ્રશ્નો પાછળ ખર્ચ વધશે. નોકરી-ધંધાના ક્ષેત્રે અવરોધો કે વિઘ્નોનો સામનો કરવો પડશે. આમ છતાં પણ વિકાસ-પ્રગતિ થાય તેવા સંજોગો છે. ગૃહજીવનમાં એકંદરે સંવાદિતાનું વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ છે.

મિથુન (ક,છ,ઘ)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓ અને કોઈ અગત્યના મૂંઝવાતા પ્રશ્નોના ઉકેલમાં સફળતા મળતાં ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યનો નિકાલ આવે અથવા તો તેમાં પ્રગતિ થતી જણાશે. નાણાકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. ખર્ચ માટે જરૂરી નાણાકીય વ્યવસ્થાઓ કરી શકશો. એકાદ સારો લાભ પણ મળશે. નોકરિયાતોને કામકાજનો બોજો વધતો લાગે. સહયોગીઓ સાથે વાદવિવાદના પ્રસંગો આવે, જે ટાળવા હિતાવહ છે. વેપાર-ધંધાની પરિસ્થિતિ ધીમે ધીમે આશાજનક અને પ્રગતિકારક થશે. મહત્ત્વની કામગીરીઓ સફળ થતાં લાભ મળે.

કર્ક (ડ,હ)ઃ માનસિક અશાંતિ કે તાણમાંથી મુક્તિ મેળવવામાં ગ્રહયોગો મદદરૂપ નીવડશે. અલબત્ત, કેટલીક વ્યક્તિઓ સાથે માનસિક સંઘર્ષના પ્રસંગો પણ સર્જાય. તમારી કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તકો પણ મેળવી શકશો. ખર્ચાઓ વધુ અને આવક અલ્પ રહેતા પરિસ્થિતિ કપરી બનતી જણાશે. આવકનો નવો માર્ગ શોધવો પડશે અને તે માટેના તમારા પ્રયત્નો સફળ પણ થશે. શેરસટ્ટા દ્વારા લાભ મળવાની શક્યતા ન હોવાથી લાલચમાં સપડાશો નહીં. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સાનુકૂળ રહેતી જણાશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયના ગ્રહયોગો કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતા વિઘ્નો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સમયમાં આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી ઉકેલ મેળવી શકશો. નોકરિયાતો માટે સફળતા અને પ્રગતિની તકો વધે. લાભદાયી તક મળશે. સંજોગો સાનુકૂળ થતા જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધશે. લાભદાયી કાર્ય પાર પડે. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા જણાય. નજીકના કોઈ સ્વજનની તબિયત અંગે ચિંતા રહેશે. યાત્રા-પ્રવાસના કામકાજોથી લાભ મળે. મહત્ત્વની ઓળખાણો ઉપયોગી બનશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી પ્રવૃત્તિઓનો વિકાસ થશે. બૌદ્ધિક કામગીરીમાં સફળ થશો. માનસિક ઉમંગ-ઉત્સાહ અનુભવશો. તમારું ધ્યેય સિદ્ધ થવાથી સાનુકૂળતા વધશે. આ સમયગાળામાં આર્થિક સ્થિતિ તંગ રહેશે. આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત મોટો રહેતા મુશ્કેલીનો અનુભવ થશે. અલબત્ત, નાણાકીય કામકાજો વધુ પ્રયત્નો સફળ થશે. મિત્રોની મદદ મળશે. વેપાર-ધંધાના પ્રશ્નોમાં સાનુકૂળતા રહેશે. તમારા કાર્યમાં સમય મદદરૂપ બનશે. વિઘ્નોને હલ કરી શકશો. વિવાદાસ્પદ પ્રસંગોથી હવે મુક્તિ મળશે. જીવનસાથી સાથેના સંબંધમાં લાગણીને મહત્ત્વ આપજો.

તુલા (ર,ત)ઃ સપ્તાહમાં અનુકૂળ અને ઇચ્છિત તક મળતાં ખુશી વધે. સારા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો મળશે. માનસિક તંગદિલી હળવી બનશે. નાણાકીય બાબતો તરફ ધ્યાન આપજો. વ્યવસ્થિત બનીને રહેવાથી અગવડ ઓછી થશે. એકાદ ખર્ચનો પ્રસંગો આવે. જૂની ઉઘરાણી આવક થાય. એકંદરે સારું ફળ મળે. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બઢતીનો માર્ગ અવરોધાશે. વાદ-વિવાદ સર્જાય. અસંતોષ અનુભવશો. વેપાર-ધંધા ક્ષેત્રે પણ તમારા સંજોગો હજુ સુધરતા જણાતા નથી. જોકે પ્રતિસ્પર્ધીઓ ફાવશે નહીં.

વૃશ્ચિક (ન,ય)ઃ કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિ, ઉદ્વેગ જણાશે. બેચેની અને અસ્વસ્થતાને કારણે તમે ધાર્યું કરી શકશો નહીં. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ રહેતા મૂંઝવણ જણાશે. ઉકેલ લાવવા માટે તમારે વધુ પ્રયત્નો કરવા પડશે. નોકરિયાતોને આ સમયના યોગ પ્રગતિકારક અને આશાજનક જણાશે. અગત્યના કામકાજમાં સફળતા મળશે. વેપાર-ધંધામાં ધાર્યા કામકાજ પાર પડતાં લાભ વધશે. જમીન-મકાનના કામકાજોથી લાભ મળે. લગ્ન-વિવાહની ગૂંચવણોનો ઉકેલ મળે. દામ્પત્યજીવનમાં સુખ-શાંતિનો ઉમેરો થશે. જીવનસાથીનું આરોગ્ય સાચવવું. શત્રુઓ મુશ્કેલીઓ પેદા કરતાં જોવા મળશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ માનસિક દૃષ્ટિએ ઉત્સાહજનક સમય. મન પરનો બોજ હળવો થતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહપૂર્વક બનશે. નાણાકીય બાબતોના ઉકેલ મળે નહીં. આવક કરતાં ખર્ચનું પલ્લું વિશેષ નમતું રહેવાના કારણે બચત થવાના યોગ નથી. અનાયાસ ધનલાભનો યોગ જણાતો નથી, તેથી લોભલાલચમાં સપડાવું નહીં. નોકરિયાતોની સમસ્યા ઉકેલાશે. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા લાભ જણાશે. મકાન-મિલકતની બાબત માટે સમય પ્રતિકૂળ બનતો જણાય છે. ખરીદ-વેચાણ વગેરે જેવું ધાર્યું કામ કરવામાં વિઘ્ન આવશે. ગૃહજીવનમાં સર્જાતા વિવાદો સાચવી લેશો. પ્રવાસયોગ સફળ થશે.

મકર (ખ,જ)ઃ મન પરથી ચિંતાના વાદળો વિખેરાતા રાહતની લાગણી અનુભવશો. નિર્ધારિત કાર્યોમાં ઉત્સાહપૂર્વક આગળ વધી શકશો. મનના અરમાન સાકાર થતા જણાશે. આર્થિક પ્રશ્નો હલ કરવા વધુ સજાગ રહેવું પડે. ઉઘરાણી મેળવવા પ્રયત્નો કરજો. નોકરિયાત માટે આ સમય પ્રગતિકારક જણાય છે. બઢતી સાથે બદલીના સંજોગો ઊભા થાય. વેપારી વર્ગ સાવચેતીથી ચાલશે તો સારા લાભ મેળવી શકશો. મકાન-સંપત્તિ બાબતે પરિસ્થિતિ યથાવત્ રહેતી જણાશે. ગૃહજીવનમાં આનંદમય વાતાવરણ સર્જાશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ તમારા માટે આ સપ્તાહ ખર્ચાળ સાબિત થાય. કોઈ નુકસાનનો પ્રસંગ બનશે. નોકરિયાત વર્ગને પ્રશ્નના ઉકેલનો માર્ગ મળતો જણાશે. સ્થળાંતર યોગ છે. વેપાર-ધંધાના કામકાજો માટે ગ્રહમાન ઘણા સાનુકૂળ છે. કોઈ અગત્યનો નિર્ણય લઈ શકશો. ભાગીદારીના મુદ્દે થોડાક મતભેદ થઇ શકે છે. સરકારી કાર્યવાહીઓમાં વિલંબના કારણે તકલીફ થાય. તમારા કૌટુંબિક જીવનમાં નજીકના સ્વજનની માંદગીના કારણે ચિંતા રહેશે. સામાજિક પ્રસંગોથી આનંદ-ઉત્સાહ વર્તાશે. સંતાનો માટે મિશ્ર સમય છે. વિરોધીના કારણે કોઈ વિઘ્ન આવી શકે છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈ બહુ જ મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ શોધવામાં સફળતા મળતાં આનંદ-ઉત્સાહમાં વધારો થશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તેમાં પ્રગતિ થતી જણાય. નાણાકીય દૃષ્ટિએ આ સમયમાં અણધાર્યો લાભ કમાઈ લેવાની લાલચમાં પડવાનું ટાળજો. આવકનું પ્રમાણ વધવાનો યોગ નથી. બલકે વધુ પડતા ખર્ચાઓ રહેવાના યોગ પ્રબળ છે. સાચવીને નાણા વાપરવાની સલાહ છે. નોકરિયાતોને કામકાજનો બોજો વધતો જણાય છે. વેપાર-ધંધાની પરિસ્થિતિ સુધરશે. મહત્ત્વની કામગીરી સફળ થતાં ભવિષ્યમાં લાભ મળે. કૌટુંબિક સંપત્તિ અંગેના નિર્ણય લઈ શકશો. ગૃહજીવનમાં મતભેદ હશે તો દુર થશે. સંવાદિતા વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter