તા. ૨૯ સપ્ટેમ્બર થી ૫ ઓક્ટોબર ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 28th September 2018 09:27 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમય કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિ, ઉદ્વેગ જણાશે. બેચેની અને અવસ્વસ્થતાના કારણે તમે ધાર્યું કરી શકશો નહીં. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ રહેતા મૂંઝવણ જણાશે, જેનો ઉકેલ લાવવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. નોકરિયાતોને આ સમયના યોગ પ્રગતિકારક અને આશાજનક જણાશે. અગત્યના કામોમાં સફળતા મળશે. વિવાદો કે વિરોધોમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધામાં ધાર્યા કામકાજ થતાં લાભ વધશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક શાંતિ હણાય તેવા પ્રસંગો સર્જાય. પ્રતિકૂળતાથી ડગી જશો નહિ. બલકે પુરુષાર્થ જારી રાખજો. વ્યવસ્થિત રહેશો તો પ્રતિકૂળ સંજોગો જ સાનુકૂળ બની જશે. ચિંતાને કઇ કારણ નથી. ગૃહજીવનને લગતા ખર્ચાઓનું પ્રમાણ વિશેષ રહેતા તમે ચાહો છો તેવી સ્થિતિ થાય નહિ. નવીન મૂડીરોકાણ હવે સમજી-વિચારીને કરવું પડે તે જોવું રહ્યું. ગાફેલ રહ્યા તો તક ગુમાવવી પડે. નોકરિયાતને બદલીનો યોગ પ્રબળ છે. વિરોધીઓ અને તમારા સહકર્મચારીઓની ચાલબાજીથી સાવધ રહેજો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં આશાસ્પદ સંજોગો પેદા થતાં માનસિક આનંદ કે શાંતિ અનુભવી શકશો. કાલ્પનિક કે અવાસ્તવિક ચિંતાઓને મનમાં આવવા ન દેશો. નાણાંકીય દૃષ્ટિએ તમારી આવક ગમેતેટલી વધશે તો પણ તંગી નાણાંભીડ જણાશે. કૌટુંબિક અને ગૃહોપયોગી ચીજવસ્તુઓ પાછળ ખર્ચ વધશે. હરીફોથી ચિંતા રાખવાની જરૂર નથી. જમીન-મકાનના પ્રશ્નો માટે સમય હજુ સાથ આપતો જણાતો નથી. સંતાનો સંબંધિત સમસ્યાઓ વધશે. માનસિક રાહત વર્તાય નહીં. પ્રતિકૂળતાના કારણે ધાર્યું કામ ધાર્યા સમયમાં પાર પડે નહીં.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન તમારા સમસ્યાના ગ્રહયોગો જોતા પ્રગતિમાં વેગ આવશે. નવરચનાઓ સાકાર થાય. સારા અને મહત્ત્વના કામકાજોનો વિકાસ થતાં માનસિક ઉત્સાહ વર્તાશે. અવરોધો કે મુશ્કેલી હશે તો તમે તે પાર કરી શકશો. નાણાંકીય આયોજનો વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધે. ખોટા ખર્ચાઓ વધી જવા સંભવ છે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ જણાશે. નોકરિયાતને કામકાજનો બોજો વધતો લાગે.

સિંહ (મ,ટ)ઃ મૂંઝવણનો સાનુકૂળ ઉકેલ મળશે. રચનાત્મક, સર્જનાત્મક પ્રવૃત્તિનો આનંદ મળે. માનસિક બોજો હળવો થશે. સાનુકૂળતા સર્જાતી જોઈ શકશો. સપ્તાહ દરમિયાન આર્થિક પરિસ્થિત સુધરશે. આવક અને ખર્ચની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પડે. શેર-સટ્ટાથી અથવા તો વિશ્વાસે ધિરાણ કરવાથી હાનિ થઇ શકે છે. નોકરીના ક્ષેત્ર તમારા પ્રયત્નો ફળશે. કોઈની સહાયતા થકી મૂંઝવણ - ગૂંચવણમાંથી માર્ગ મળશે. ધંધાની પરિસ્થિત વ્યવસ્થિત બનાવીને લાભ ઊભા કરી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. અકળામણ અને બેચેની વધતા જણાશે. માનસિક તાણના ભોગ બનવું પડશે. નાણાંકીય લેવડ-દેવડ માટે સમય સાનકૂળ થતો નથી. આથી ધારી આવક કે લાભ પૂરો મળે નહીં. નવા વધારાના ખર્ચા ઊભા થશે, તેથી આવક તેમાં ખર્ચાઈ જશે. નોકરી-ધંધાની પરિસ્થિતિ સાનુકૂળ રહેશે. ખાસ કોઈ ચિંતા રહે નહીં. ઉપરીનો સાથ-સહકાર મળશે. ધંધા-વેપારના ક્ષેત્રે વધુ સારી તકો ઊભી કરી શકશો. મિલકત સંબંધિત કાર્યવાહીઓમાં અવરોધ જણાય.

તુલા (ર,ત)ઃ આ સમયમાં એક પ્રકારની અકળાણ અને અજંપાનો અનુભવ કરશો. પ્રગતિનો માર્ગ હજુ અવરોધાયેલો જણાશે. કોઈને કોઈ પ્રકારના વિઘ્નો આવે. ધીરજ અને સ્વસ્થતા ટકાવી રાખવા. વેપાર-ધંધાની કામગીરીમાં મુશ્કેલીના કારણે જવાબદારી વધશે. મકાન-મિલકતની સમસ્યા કે મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો. આ પ્રકારના કામકાજો માટે સાનુકૂળતા સર્જાશે. કૌટુંબિક સંપત્તિ સંબંધિત પ્રશ્નો હલ થશે. ગૃહજીવનમાં સર્જાયેલી અશાંતિના માનસિક ઉદ્વેગ વધે. કુનેહપૂર્વક સમસ્યા હલ કરવા સલાહ છે. લગ્ન-વિવાહના આયોજનમાં અવરોધ આવે.

વૃશ્ચિક (ન,ય)ઃ કોઈ અગત્યના મૂંઝવતા પ્રશ્નોમાંના ઉકેલમાં સફળતા મળતા ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તો તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાશે. આવકવૃદ્ધિનો માર્ગ મળશે. તમારા આર્થિક વહેવારો પૂરતી નાણાંકીય વ્યવસ્થા કરી શકવામાં સફળ થશો. નોકરીની પરિસ્થિતિ સાનુકૂળ રહેતી જણાશે. તમારા વિરોધીઓ ફાવે નહીં. નોકરીના ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે. વ્યવસાયિક દૃષ્ટિએ આ સમયમાં ધીમો, પણ આશાસ્પદ વિકાસ શરૂ થશે. જમીન-સંપત્તિની બાબત અંગે સાનુકૂળતા જણાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહમાં એક પ્રકારની ઉદાસીનતા, વ્યગ્રતાની લાગણીનો અનુભવ થશે. તમારા વિચારોને અમલમાં મૂકવા અશક્ય જણાતા તંગદિલી વધશે. આથી સમજી-વિચારીને ખર્ચા કે સાહસ કરજો. નાણાંનો દુર્વ્યય ન થઈ જાય તે જોજો. બચત અશક્ય બનશે. નોકરિયાત કોઈ સારી તક મેળવી શકશે. તમારી વર્તમાન નોકરીના ક્ષેત્રે પણ પરિવર્તન થાય. વિરોધીના કારણે થોડીક પ્રતિકૂળતા જણાશે.

મકર (ખ,જ)ઃ માનસિક ઉમંગ-ઉત્સાહ જાળવી રાખવો પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવ્યા તો ધારી સફળતા તો નહીં મળે. આથી ઉલ્ટું નિષ્ફળતા જોવી પડશે. ભલે વિપરિત સંજોગો દેખાય, ચિંતા કરશો નહીં. તમારી જાવક બાજુઓનું પલ્લું નમતું જણાશે. અણધાર્યા ખર્ચ પણ વધશે. વળી, લેણી રકમો મળે નહીં. શેર-સટ્ટા કે વેપાર-ધંધાની કાર્યવાહીમાં વિકાસ થાય. સફળતા સાથે લાભ મેળવી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખવું જરૂરી છે. આમ કરશો તો જ તમે વધુ નિરાશામાંથી ઉગરી શકશો. કેટલીક નાણાંકીય તકલીફોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. મિત્રો-સ્વજનોની મદદથી કામ પાર પડે. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાઈ જશે. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશમાન આપનાર છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન અવઢવમાં અટવાયા કરશો. કોઈ કામ કરવાન નિર્ણય કર્યો હોય છતાં તેના અમલ અંગે શંકા, દ્વિધા અને વહેમ રહ્યા કરે. નોકરી-ધંધામાં આવક થાય. વધારાની જવાબદારી સુપેરે નિભાવી શકશો. તમારા કામની કદર થાય. જાહેરાત ક્ષેત્રની સંસ્થામાં કામ કરનારે મહત્ત્વની કામગીરી, જવાબદારીમાં કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. અન્યના કહેવાથી કામ કરવા જશો તો મુશ્કેલીમાં મુકાઇ શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter