તા. ૮ ઓક્ટોબર ૨૦૧૬ થી ૧૪ ઓક્ટોબર ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 05th October 2016 08:17 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ માનસિક અશાંતિ યા તો તંગદિલીના પ્રસંગો ઓછા થશે. આનંદ-ઉલ્લાસના પ્રસંગો વધશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવજો. આશાવાદી તકો મેળવી શકશો. મૂંઝવણો દૂર થાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવશો. નાણાંકીય મૂંઝવણનો સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો અંગેના ખર્ચ વધશે. નોકરિયાતો માટે સાનુકૂળતા સર્જતો સમય છે. અટવાયેલા કામકાજો ઉકેલાશે. નોકરી-વ્યવસાયમાં સારી તક મળે.

વૃષભ (બ,વ,ઉ)ઃ મૂંઝવણનો સાનુકૂળ ઉકેલ મળશે. રચનાત્મક, સર્જનાત્મક પ્રવૃત્તિઓ થકી આનંદ મળે. માનસિક બોજો હળવો થતાં સાનુકૂળતા સર્જાતી જોઈ શકાશે. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવક વધતાં ખર્ચાઓની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પડે. શેરસટ્ટામાં કે ધિરાણ કરવાથી હાનિ થાય. નોકરીના ક્ષેત્રે પ્રયત્નો ફળશે. કોઈની સહાયતા પ્રાપ્ત થાય. મૂંઝવણ, ગૂંચવણોમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને લાભ ઊભા કરી શકશો. જમીન-મકાન સંબંધિત સમસ્યાઓ મૂંઝવશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં અગમ્ય કારણસર માનસિક વ્યથા કે બેચેનીનો અનુભવ કરવો પડે. અજંપો અને અશાંતિથી બચવું હોય તો સક્રિયતા જ ઉપાય છે. હિંમત ગુમાવશો નહીં. નજર સામે જણાતી મુશ્કેલીને ક્ષણિક જ સમજશો. આ સમયમાં આવક વધવાના યોગ છે. નવીન યોજના કાર્યવાહી કે કૌટુંબિક કાર્ય અંગે જરૂરી નાણાકીય વ્યવસ્થા કરી શકશો. ખર્ચના પ્રસંગો ચિંતા કરાવશે. મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્ર પ્રગતિની તકો મળશે. તમારી ભાવિ યોજના માટેની સગવડો ઊભી થાય.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહ ઉત્સાહજનક નીવડશે. સાનુકૂળ તકો અને કાર્યસફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવશો. આર્થિક પરિસ્થિત વિકટ અને મૂંઝવણ ભરેલી હોવા છતાં તમે કોઈ ઉકેલ મેળવીને કામ પાર પાડી શકશો. આયોજનને કોઈ આંચ આવે નહીં. આવકવૃદ્ધિનો માર્ગ મળશે. નોકરી-ધંધા માટે સમયનો સાથ મળતો જણાશે. નોકરિયાતને બદલી-બઢતી અંગેના કામકાજોનો ઉકેલ મળશે. ઉપરી વર્ગનો સાથ મેળવી શકશો. શત્રુ કે પ્રતિસ્પર્ધીની કારી ફાવે નહિ. ધંધાકીય વિકાસ માટે પ્રયત્નો વધારવા પડશે. મહેનતના પ્રમાણમાં ધીમું ફળ મળે, પણ તેનાથી ભવિષ્યમાં લાભ મળે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં મનની ઉદ્વેગ વધતો જણાશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપજો. નાણાંકીય દૃષ્ટિએ વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે ખર્ચાનું પ્રમાણ વધુ રહેશે. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે અને વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સરળ બનશે. ઉન્નતિકારક તક મળશે. ધંધાકીય યોજનામાં સારી પ્રગતિ જણાશે. વિકાસ સાધી શકશો. મકાન-સંપત્તિને લગતા કામકાજમાં મુશ્કેલીઓ વધુ જણાશે. ખોટા ખર્ચા વધશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા તમારે ધીરજ રાખવી પડશે. ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતાં તમારી પ્રગતિ થયા વિના રહેશે નહિ. માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણભર્યો છે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. એકાદ-બે મોટા ખર્ચ થશે. ધીરેલા કે ફસાયેલા નાણા મળતા રાહત થાય. નોકરિયાતો માટે સમય સાનુકૂળ નીવડશે. માર્ગમાં દેખાતા અવરોધોથી ચિંતા કરશો નહિ. આગળ વધ્યે જાવ. કોઈ કશું છીનવી શકશે નહીં.

તુલા (ર,ત)ઃ પૂર્વનિર્ધારિત કામકાજો ગૂંચવાય નહિ તેની કાળજી લેજો. ધીરજ અને સ્વસ્થતાપૂર્વક આગળ વધશો ગમેતેવા મુશ્કેલ કામકાજનો નિકાલ આવશે. ઉતાવળા અને અસ્વસ્થ રહેશો તો વધુને વધુ ગૂંચવાતા જશો. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. આર્થિક બાબતો પ્રત્યે વધુ લક્ષ્ય આપવું જરૂરી છે. આવકજાવકના બંને પાસાંને ધ્યાનમાં ખર્ચા કરી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રે ભાગીદારો સાથે કારણ વિનાના વિવાદ જાગશે. ધંધાકીય યોજનામાં કોઈ અવરોધ પેદા થશે. આવકની તકો વધતી જોવા મળે.

વૃશ્ચિક (ન,ય)ઃ સર્જનાત્મક અને અગત્યની કાર્યવાહીઓમાં વિઘ્ન આવ્યા બાદ સફળતા મળે. ખોટા વાદ-વિવાદના પ્રસંગો બને. માનસિક સંઘર્ષ અને ઉત્પાતનો અનુભવ થશે. મન પરનો બોજો વધશે. નાણાકીય પરિસ્થિતિમાં ગ્રહયોગો મિશ્ર ફળ આપનાર છે. ખર્ચના પ્રસંગો આવે. આવક યા લાભ મળવા છતાં પણ સ્થિતિ કટોકટીભરી બને. કોઈ નુકસાન કે વ્યયનો પ્રસંગ બનશે. નોકરિયાતને પ્રતિકુળ પરિસ્થિતિમાં સુધારો થતો જણાતા રાહત મળે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય પ્રવૃત્તિમય રહેશે. વધારાના કામકાજની જવાબદારીના કારણે માનસિક તાણ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ સમય સુધારાજનક અને સાનુકૂળ જણાય છે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. નોકિરયાતો માટે આ સમય સાનુકૂળ અને પ્રગતિકારક જણાશે. અટવાયેલા લાભ મેળવી શકશો. તમારા માર્ગમાં અવરોધ સર્જાતા લોકો ફાવશે નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. તમારા મકાન-મિલકતના કામકાજોના ઉકેલ માટે સાનુકૂળતા જણાશે.

મકર (ખ,જ)ઃ મહત્ત્વની ઓળખાણથી લાભ અને પ્રવાસ-પર્યટનો માટે સપ્તાહ સાનુકૂળ નીવડશે. નાણાકીય પ્રશ્નોમાંથી યોગ્ય માર્ગ મળતો જોવા મળશે. કંઈક સારી ગોઠવણ થઈ શકતાં રાહત અનુભવાય. શેર-શટ્ટા દ્વારા લાભ મેળવવા લાલચાશો તો નુકસાનના ખાડામાં પડશો. વધારાની કમાણી કરી લેવાની ઉતાવળ ન કરશો. ધીરજ અને સમજપૂર્વક આગળ વધારશો તો ઓછો, પરંતુ નક્કર ફાયદો થશે. નોકરિયાતોને કામનો બોજો અને મુશ્કેલી સર્જાતા અશાંતિ રહે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિતિ સાથે અનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજો પાર પડે. જરૂરી નાણાકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. નોકરિયાતોને સમસ્યાઓના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ હિતશત્રુથી નુકસાન થશે નહિ. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા, લાભ મળતા જણાશે. મકાન-મિલકત સંદર્ભે કોઈ પ્રશ્નો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ મળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ સાનુકૂળ અને સફળ નીવડતાં તમારી મનોસ્થિતિ સારી રહેશે. મનનો ભાર હળવો થાય. ચિંતાનાં વાદળો વિખેરાતાં જણાશે. આ સમયમાં નવીન આર્થિક જવાબદારીઓ વધારશો નહિ. આવક કરતાં ખર્ચ અને ચૂકવણીઓ, કરજના કારણે નાણાકીય મૂંઝવણ વધતી જોવાશે. ધીરજ અને વ્યવસ્થિત રહી ચાલશો તો બહાર નીકળી શકશો. નોકરી-ધંધાની પરિસ્થિતિ સાનુકૂળ રહેશે. ખાસ કોઈ ચિંતા રહે નહીં. મિત્રો-સ્વજનોનો સહકાર મળશે. વિકાસનો માર્ગ ખુલ્લો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter