વોશિંગ મશીનું, ઓવનું, લોન મૂવરું અને બીજાં વિવિધ ઓજારો વડે ઘરનાં કામો જાતે જ કરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં કામવાળી ના મળે તો પડોશીઓની પંચાત પણ ન કરી શકીએ એવા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
પહેલી વાત તો એ કે ઇન્ડિયામાં કામવાળી મળતી જ નથી. મળે તો તે સારી નથી હોતી અને જો સારી હોય તો તે ટકતી નથી! તો પ્રસ્તુત છે સારી કામવાળીને ટકાવવાના કેટલાક અનોખા દેશી નુસખા...
તમને કામમાં આવે તો તમે પણ અજમાવજો!
એને બ્યુટી કોન્શિયસ બનાવો!
આ સાવ સસ્તો અને અકસીર ઇલાજ છે!
કામવાળીને અવારનવાર તમારો વધેલો શેમ્પુ, ટચૂકડી ગોટી બની ગયેલો બ્યૂટી-સોપ, ખલાસ થવા આવેલી લિપસ્ટિક, પતી જવા આવેલી પરફ્યૂમની બોટલ, કશાની સાથે ફ્રીમાં આવેલી નેઇલ પોલિશ વગેરે ઉપરાંત એક્સપાયરી ડેટને આરે પહોંચી ગયેલા તમારાં વધારાનાં કોલ્ડ ક્રીમ, વેનિશિંગ ક્રીમ, મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ અને બીજાં અડધો ડઝન ક્રીમની જે બાટલીઓ તમારા ડ્રેસિંગ ટેબલના ખાનામાં અટવાયા કરે છે તે તમારી કામવાળીને આપતાં રહો!
અને વારંવાર સારી કોમેન્ટ કરતા રહો, ‘વાળ શેમ્પુ કર્યા? સારા લાગે છે હોં? આઈ-બ્રો કરાવી? નખ રંગ્યા? બતાવ! મસ્ત લાગે છે હોં?’
ખર્ચોઃ ૧ રૂપિયો પણ નહિ.
એને કોલ્ડારીન આપો!
તમારી કામવાળીને શરદી થાય ત્યારે કોલ્ડારીનની ગોળી આપી તો શું ધાડ મારી? એને શરદી પણ આપણે જ આપવાની!
રોજ તમારી કામવાળી આવે કે તરત તેનું સ્વાગત ફ્રીજરમાં બરાબર ‘ચીલ’ કરેલા ઠંડા પાણીના ગ્લાસ વડે કરો! પછી તેને શરદી થાય એટલે ‘કોલ્ડારીન’ આપો! કામવાળીને થશે, ‘બેન કેટલાં સારાં છે, મારી કેટલી કાળજી રાખે છે?’
એ જ રીતે જ્યારે જ્યારે તમારી બગડી ગયેલી બ્રેડ, ફૂગવાળો થઈ ગયેલો જામ કે વાસી થઈ ગયેલું ચીઝ ખાવાથી જ્યારે જ્યારે તમારી કામવાળીને પેટમાં દુઃખે ત્યારે તેને ‘પુદીનહરા’ની કેપ્સ્યુલ પણ જાતે જ આપવી!
ખર્ચોઃ માત્ર ૧૦-૧૨ રૂપિયા.
એના ફેમિલી-ફોટા પાડો
ઘરમાં જ્યારે પણ બાબાની બર્થડે કે બેબીને મેડલ મળ્યાની પાર્ટી હોય ત્યારે ફેમિલી ફોટામાં તેને વચ્ચે ઊભી રાખવાનો ખાસ આગ્રહ રાખો!
માત્ર એટલું જ નહિ એ ફોટાને તમારા ફેમિલી આલ્બમમાં પહેલા-બીજા પાને જ ચોંટાડો! (એને જ ચોંટાડવા માટે કહોને!) અને એથીયે આગળ વધીને આવો એકાદ ફેમિલી ફોટો એન્લાર્જ કરાવીને ઘરમાં તેની રોજ નજર પડે એવી જગ્યાએ ફ્રેમમાં મઢાવીને ગોઠવી રાખો! બિચારી જિંદગીભર એમ માનતી રહેશે કે એ તો તમારા કુટુંબની જ સભ્ય ગણાય!
ખર્ચોઃ માત્ર ૫૦ રૂપિયા
એને કબાટની ચાવીઓ સોંપી દો!
કામવાળીને તે કબાટની ચાવીઓ સોંપાતી હશે?
તો એક મિનિટ, તમે એને ટકાવવા માગો છો કે નહિ? અત્યાર સુધી તમે જે કંઈ કર્યું તેના લીધે તે પોતાને ‘ઘરનું માણસ’ સમજવા લાગી છે, તો આટલું શું કામ બાકી રાખવું?
પરંતુ એ પહેલાં અમુક કામો પતાવી લેવાં પડશે. જેમ કે, તમારાં સોના-ચાંદીનાં ઘરેણાં બેન્કના લોકરમાં મૂકી આવો, તમારા પતિની ‘હાર્ડ-કેશ’ની થપ્પીઓ સંતાડવા માટે બાથરૂમમાં છૂપી તિજોરી બનાવડાવી લો. અરે! તમારી મોંઘી સાડીઓ માટે પણ સ્ટોર-રૂમની પાછળ એકાદ છૂપો વોર્ડ-રોબ બનાવવો હોય તો બનાવી નાખો. (આમેય, આ બધું જતે દહાડે કરવાનું જ છે.) બસ, પછી તમારી કામવાળીને કબાટની ચાવીઓ સોંપતાં કહો, ‘લે, હવે આ ચાવી તારે જ સંભાળવાની! તું તો હવે ઘરની જ કહેવાયને?’
કામવાળી કમ-સે-કમ બે-પાંચ વરસ તો તમારા ‘ઘરનું માણસ’ બની જ જશે! પછી તો તમારે એટલું જ કહેવાનું કે ‘જો ને કબાટમાંથી મારું પર્સ લાવ તો?’ એમાંથી તને જે પૈસા આપું તેમાંથી નીચે જઈને જરા શાક લેતી આવને?’
ખર્ચોઃ ૧ રૂપિયો પણ નહિ.
એના જુદા જુદા પોઝમાં ફોટા પાડો
પેલો ફેમિલી ફોટો તો પાડ્યો, હવે વધારાના ફોટા શેના?
તો એ જ સમજવાનું છે! હવે તમારી કામવાળી ‘ઘરનું માણસ’ થઈ ગઈ એટલે તે બીજાં ઘરનાં કામ પતાવીને બપોરના આડી પડવા પણ તમારા જ ઘરમાં આવશે. અને બીજે ક્યાંય કંઈ કામ નહિ હોય ત્યારે પણ તમારા જ ઘરમાં બેસીને ટીવી જોયા કરશે, પરંતુ આવામાં ક્યારેક એની દાનત બગડશે ત્યારે તેને ચોરી કરવાનો વિચાર પણ તમારા જ ઘરમાં આવશે!
આવે વખતે તેના જુદા જુદા પોઝમાં જો ફોટા પાડ્યા હશે તો તાત્કાલિક પોલીસને આપવા કામ આવશે. સમજ્યા?
ખર્ચોઃ માત્ર ૨૦ રૂપિયા
એને ફિલ્મમાં ચાન્સ આપો
તમે નોકરાણીને બ્યુટી કોન્શિયસ કરી, તેના જુદા-જુદા પોઝમાં ફોટા પાડ્યા, હવે તેને ફિલ્મમાં ચાન્સ તો આપવો પડશેને?
પણ એના માટે કંઈ ફિલ્મ બનાવવાની જરૂર નથી. તમારા પતિએ માત્ર ફિલ્મ બનાવવાની વાતો કરવાની છે! નોકરાણીની હાજરીમાં દુનિયાના કોઈ એક્સચેન્જમાં ન હોય તેવો નંબર જોડીને ફોન પર ફિલ્મ પ્રોડકશનની ચર્ચાઓ કરતા રહેવાનું છેઃ ‘અચ્છા! ઐશ્વર્યા રાય કેટલા માગે છે?... એમ? તો રહેવા દોને, આપણે સુસ્મિતા સેનને પૂછી જૂઓ!... શું અભિષેક? ના ચાલે બોસ, એના કરતાં ફરદીન ખાન સારો. પણ હા, ઊટીનું શું કર્યું? ત્યાં શૂટિંગ કરવું હશે તો હોટલ બુક કરાવવી પડશેને? અને નાના મોટા રોલનું મને એક લિસ્ટ મોકલાવો. એવા બધા રોલમાં આપણે ઓળખીતા-પાળખીતાને જ લેવાના છે!’
પછી કામવાળીને પૂછવાનું ‘આપણા પિક્ચરનું શૂટિંગ છ-સાત મહિનામાં ચાલુ થશે. એક્ટિંગ કરીશને?’
પણ હા, આ નુસખો રૂપાળી કામવાળી પર ના અજમાવતા! નહિતર તમારા પતિ તેને ખરેખર ક્યાંક ‘હિરોઇન’ બનાવી નાંખશે!
ખર્ચોઃ ૧ રૂપિયો પણ નહિ.
એનો લક્ષ્મીયોગ સુધારો
આપણને રસ્તામાંથી રૂપિયાનો સિક્કો જડે તો તેને આપણે સારા નસીબની નિશાની ગણીએ છીએ. તો નોકરાણીને રૂપિયા મળે તો તે પણ ખુશ થાય ને?
એટલા ખાતર તમારા ઘરમાં કાર્પેટની નીચે, ફ્લાવર વાઝની અંદર, પડદાની પેલ્મેટ ઉપર, કબાટની નીચે, સોફાની ગાદીઓ વચ્ચે, ચોપડીઓની પાછળ... આવી અનેક ખૂણાખાંચરાની જગાઓમાં બે રૂપિયા - પાંચ રૂપિયાના સિક્કા સંતાડી રાખો. આનાથી બે ફાયદા થશે. તમારી કામવાળી સમજશે કે તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ છે અને સિક્કાઓની લાલચે તે ઘરનો ખૂણે-ખૂણો સાફ રાખતી થઈ જશે!
ખર્ચોઃ મહિને ૨૦-૩૦ રૂપિયા.
એને ધાકમાં પણ રાખો
તમે કબાટની ચાવીઓ આપી અને ખૂણેખાંચરેથી રોકડા સિક્કા શોધીને ખિસ્સામાં પધરાવવાની આદત પાડી એટલે હવે તમારી નોકરાણીની દાનત બગડવાની! એની નજર હવે ઘરની નાની-મોટી કીમતી ચીજવસ્તુઓ પર ફરતી થઈ જશે.
તો એની આદત અને દાનત ન બગડે તે માટે શું કરવું? પ્લાન સહેલો છે. ઘરમાં મિત્રો ભેગા થયા હો ત્યારે એની હાજરીમાં સનસનાટીભર્યા કિસ્સાઓની ચર્ચા કરો. તમારો એક મિત્ર કહેશે, ‘અરે! ખબર છે? અતુલભાઈને ત્યાંથી એના નોકરે ચોરી કરેલી ત્યારે શું થયેલું? પેલા ઇન્સ્પેક્ટર રાઠોડ નથી, આપણા ભાઈબંધ? એણે બેટમજીને ઊંધો લટકાવીને પેટમાં એવા ડંડા માર્યા કે બિચારાએ બે જ કલાકમાં ચોરી કબૂલી લીધી!’
‘સબ ઇન્સ્પેક્ટર ચૌહાણ’, ‘ડેપ્યુટી કમિશનર સિંહા સાહેબ’, ‘જમાદાર જોરાવરસિંગ’ અને ‘પીએસઆઈ ચાવડા’ના ઉલ્લેખો અવારનવાર થતા સાંભળીને તમારી કામવાળી તેના ઉઠાંતરીના બધા પ્લાન પડતા મૂકશે!
ખર્ચોઃ ૧ રૂપિયો પણ નહિ.
એને ફોરેનનાં સપનાં બતાવો
આજકાલ તો લગભગ દરેક સુખી ગુજરાતીનો કોઈ ને કોઈ સગો તો ફોરેનમાં રહેતો જ હોય છે. આવા કોઈ પણ એનઆરઆઈ વિઝિટર ઇન્ડિયા આવે તો એને જરૂરથી તમારા ઘરના મહેમાન બનાવો અને એક ધાંસુ કાવતરું ઘડી કાઢો.
કાવતરાના પ્લાન મુજબ તમારા એનઆરઆઈ મિત્ર તમારી નોકરાણીના કામથી એટલા પ્રભાવિત થઈ જશે કે તે કહેશે, ‘દોસ્ત, મને અમેરિકામાં આવી જ કોઈ ઘરના જેવી હાઉસ-કીપરની જરૂર છે. પણ શું થાય? તમારી નોકરાણીને તો તમે જવા જ ના દોને?’
તમારે તરત જ કહેવાનું, ‘અરે હોય? અમારી નોકરાણીનું ભવિષ્ય સુધરી જતું હોય તો અમે એને રોકનારા કોણ? પણ બધાં કાગળિયાં કરવાં પડે, પાસપોર્ટ-વિઝા... અને બીજો બધો ખર્ચો...’
‘એ બધું જ હું કરવા તૈયાર છું!’ તમારા મિત્ર કહેશે. ‘બસ, તમે બધું મારા પર છોડો!’ આ સાંભળી તમારી નોકરાણી ખુશખુશાલ થઈ જશે. એ પછી તમારે એના પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવવાના, વીસ-પચીસ કાગળિયાંમાં તેની સહીઓ કરાવવાની... અને ભૂલી જવાનું!
તમારી નોકરાણી ફોરેન જવાનો ચાન્સ ન છૂટી જાય એટલા માટે તમારી નોકરી પણ નહિ છોડે!
ખર્ચોઃ માત્ર ૧૦૦-૧૫૦ રૂપિયા.
•••
લ્યો બોલો! આમાંથી એકેય નુસખો તમને કામ લાગે એવો છે? તો અજમાવી જૂઓને! બાકી ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!