ફોરેનમાં રહેવા મળ્યું એવાં નસીબ લઈને જનમેલાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં ફૂટેલાં કરમ લઈને જનમેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
ગીતામાં લખ્યું છે કે જેવાં કરમ એવાં ફળ! અને જેવાં ફળ એવાં નસીબ! પરંતુ જ્યારે કરમ પણ ફૂટેલાં હોય અને નસીબ પણ ફૂટેલાં હોય ત્યારે શું શું થઈ શકે? જરા વિચારો...
• જો કરમ ફૂટેલાં હોય તો...
તમારી પરણવાલાયક થઈ ગયેલી દીકરીની એક આંખ ફાંગી હોય, બે દાંત આગળ પડતા હોય, તે એક પગે લંગડાતી હોય, તેનો રંગ સીસમ જેવો કાળો હોય અને તે બારમા ધોરણમાં બાર વખત ફેઇલ થઈ ચૂકેલી હોય અને છતાંય તમારી પત્ની તમને રોજ કહેતી હોય ‘આપણી દીકરી માટે કોઈ’ ‘સારો’ છોકરો શોધજો હોં?’
પણ જો નસીબ ફૂટેલાં હોય તો...
તમને એક દિવસ ખબર પડે કે તમારી દીકરી એક છોકરાના પ્રેમમાં છે! અને એ છોકરાની બન્ને આંખ ફાંગી છે! ચાર દાંત આગળ પડતા છે, તે બે પગે લંગડાય છે, તેનો રંગ કોલસા જેવો કાળો છે અને તે ચોથા ધોરણમાં માત્ર ચાર જ વાર નાપાસ થયો હતો!
•••
• જો કરમ ફૂટેલાં હોય તો...
જે દિવસે તમને પગાર અને બોનસ એક સાથે મળ્યાં હોય, એ જ દિવસે સાંજે કોઈના રિસેપ્શનમાં જવાનું હોવાથી તમે મોંઘો સૂટ, સોનાની ઘડિયાળ, હીરાની વીંટી અને સોનાની ચેઇન પહેરીને ઓફિસેથી બારોબાર રિક્ષામાં બેસીને જઈ રહ્યા હો ત્યારે અચાનક રિક્ષાવાળો રિક્ષા રોકીને તમારી સામે ચાકુ ધરીને કહે ‘ચુપચાપ હમારે સાથ ચલો, વરના...’
પણ જો નસીબ ફૂટેલાં હોય તો...
એ ગુંડો તમને આંખે પાટા બાંધીને તેના અડ્ડા પર લઈ ગયા પછી જ્યારે આંખ પરની પટ્ટી ખોલે... ત્યારે તમારી સામે તમારો જુવાન દીકરો ઊભો હોય! અને ત્યારે જ તમને ખબર પડે કે તમારો દીકરો તો આ ગેંગનો સરદાર છે!
એટલું જ નહિ, જ્યારે તમે ખુશ થઈને કહો કે ‘બેટા, મને ના ઓળખ્યો? હું તારો બાપ છું!’ ત્યારે તમારો દીકરો શાંતિથી ‘બરાબર ઓળખું છું.’ એમ કહીને બીજા ગુંડાને હુકમ કરે કે ‘આના ખિસ્સામાં મોટરસાઇકલની ચાવી હશે તે લઈ લેજો! અને હા, એના પેન્ટમાં ચોર-ખિસ્સું બરાબર તપાસજો, એમાં બીજા બે-ત્રણ હજાર રૂપિયા સંતાડેલા હશે!’
•••
• જો કરમ ફૂટેલાં હોય તો...
તમારા કચકચિયા સસરાની બન્ને કિડની ફેઇલ થઈ ગઈ હોય, અને કોઈની એક કિડની મળે તો જ જીવ બચે તેવું હોય એવા સંજોગોમાં માત્ર તમારી જ કિડની મેચ થાય તેવું લાગે છે! કારણ કે તમારા સસરાના પહેલા જમાઈને ડાયાબિટીસ છે અને બીજા જમાઈને હાઈ બી.પી.ની તકલીફ છે...
હવે તમારી પત્ની તમારા પર દબાણ કરી રહી છે કે જો તમે કિડની નહિ આપો તો એના પપ્પા મરી જશે!
પણ જો નસીબ ફૂટેલાં હોય તો...
ઓપરેશન કરતાં પહેલાં જે બ્લડ ટેસ્ટ લેવામાં આવે તેમાં ખબર પડે કે તમને તો ‘એઇડ્સ’ છે!
•••
• જો કરમ ફૂટેલાં હોય તો...
તમે ટ્યુશન ક્લાસીસમાં જવાના બહાને નિશાળમાંથી બારોબાર સાઇકલ પર બેસીને શહેરના દૂરના પરામાં આવેલા એક ફાલતુ થિયેટરમાં ચાલતી બ્લુ ફિલ્મ જેવા ‘એડલ્ટ’ પિકચરની ટિકિટ લઈને અંદર ઘૂસવા જતા હો ત્યાં જ તમારા પપ્પા તમને જોઈ જાય છે!
પણ જો નસીબ ફૂટેલાં હોય તો...
તમને ખબર પડે કે તમારા પપ્પા તેમની યુવાન રૂપાળી સેક્રેટરીને સાથે લઈને આ જ થિયેટરમાં ફિલ્મ જોવા આવ્યા છે!
•••
• જો કરમ ફૂટેલાં હોય તો...
તમે તમારા ટીવી ઉપર વર્લ્ડ કપની પહેલી જ મેચ જોવા બેઠા હો અને અચાનક ટીવીમાં એક ધડાકો થયો... સ્ક્રીન પર એક ઝબકારો થયા બાદ અંધારું છવાઈ જાય અને પછી તમને યાદ આવે કે આ ટીવીનો ગેરંટી પિરિયડ ગયા મહિને જ પૂરો થઈ ગયો છે!
ટૂંકમાં તમને દેખાઈ રહ્યું છે કે હવે આ ટીવીમાં કમ-સે-કમ ૫૦૦૦ રૂપિયાનો ખર્ચ છે.
પણ જો નસીબ ફૂટેલાં હોય તો...
ઇલેક્ટ્રિશિયન આવીને ટીવી ખોલી નાખે. ૪૦ મિનિટના ચેકિંગ પછી તમને કહે કે, ‘બોસ, ટીવીમાં કોઈ તકલીફ જ નથી!’
તમે હરખથી નાચી ઊઠો ત્યારે ઇલેક્ટ્રિશિયન શાંતિથી મમરો મૂકશે કે ‘મૂળ પ્રોબ્લેમ તમારા ઘરના વાયરિંગનો છે. આખું વાયરિંગ સડી ગયું છે! નવેસરથી બધું વાયરિંગ કરાવવું જ પડશે... ખાસ ખરચો નહિ થાય, માત્ર ૧૫૦૦૦માં બધું પતી જશે!’
•••
• જો કરમ ફૂટેલાં હોય તો...
તમારી પ્રેગ્નન્ટ પત્ની સાથે તમારે રોજ ઝઘડા થતા હોય. તમને બાબો જોઈએ છે અને તમારી પત્નીને બેબી. આમાં ને આમાં તમે સોનોગ્રાફી પણ કરાવતા નથી અને ઝઘડાનો અંત આવતો જ નથી.
પણ જો નસીબ ફૂટેલાં હોય તો...
ડિલિવરી બહુ સારી રીતે પાર પડી જાય. ઓપરેશન થિયેટરમાંથી ‘ઊંવાં... ઊંવાં...’ કરીને રડવાનો અવાજ સંભળાય કે તરત તમે ઊભા થઈ જાવ. અંદરથી જે નર્સ બહાર આવે તેને તમે પૂછો છો ‘બાબો છે કે બેબી?’
નર્સ જવાબ આપ્યા વિના જતી રહે. તમારી ઉત્કંઠા વધી જાય... છેવટે જ્યારે ડોક્ટર આવે ત્યારે તમે રીતસર તેની આગળ ધસી જાવ છો અને પૂછો છો - ‘બાબો છે કે બેબી?’
ડોક્ટર શાંતિથી તેના એપ્રનની દોરીઓ છોડતાં કહે છે, ‘અત્યારથી કહી ન શકાય. હમણાં તો ફિફટી-ફિફટી છે!’
•••
• જો કરમ ફૂટેલાં હોય તો...
તમે કોઈ મોટા અખબારમાં તેજાબી લખાણો લખતા પત્રકાર છો એમ સમજીને કાશ્મીરના આતંકવાદીઓ તમારું અપહરણ કરી નાંખે અને પછી તમારી આંખે પાટા બાંધી, તમારા ચહેરા પર બુરખો ઓઢાડી, એક જીપમાં બેસાડીને તમને કાશ્મીરમાં ઊંચી ઊંચી પહાડીઓમાં બનાવેલી કોઈ ગુફામાં ગોંધી રાખે.
પણ જો નસીબ ફૂટેલાં હોય તો...
એક દિવસ આતંકવાદીઓનો નેતા ગુફામાં આવીને તમને કહે કે ‘તારા છાપાના માલિકને તારી કોઈ કદર જ નથી? અમે તેની પાસે માત્ર પાંચ લાખ રૂપિયા માગ્યા તો પણ તે આપવાની ના પાડે છે. ઉપરથી કહે છે કે તારે માટે તો એ પાંચસો રૂપિયાનો ખર્ચો પણ ના કરે!’
આતંકવાદીઓનો નેતા તમને લાત મારીને કહે ‘અલ્યા, તારા તંત્રીને મન તારી કિંમત પાંચસો રૂપિયા જેટલી પણ નથી, તો તું અમારી વિરુદ્ધ આટલું ગરમાગરમ તેજાબી લખાણ શું લેવા લખે છે?’
ત્યારે તમે ફોડ પાડશો કે ‘બોસ, તમારી ભૂલ થાય છે! હું તો એ છાપામાં વાનગીઓ બનાવવાની રીતવાળી કોલમ લખું છું!’
આતંકવાદી નેતા આ સાંભળીને ખડખડાટ હસી પડશે અને કહેશે ‘અલ્યાઓ, આના હાથપગનાં દોરડાં છોડી નાંખો અને આપણા નવા ટેરરિસ્ટ કેમ્પમાં રસોઇયા તરીકે મોકલી આપો!’
•••
• જો કરમ ફૂટેલાં હોય તો...
તમારા એપેન્ડિક્સના ઓપરેશન પછી તમને જણાવવામાં આવે કે તમારા પેટમાં એક કાતર રહી ગઈ છે અને તમારું ફરી ઓપરેશન કરવું પડશે! પરંતુ, હમણાં ડોક્ટર બહારગામ ગયા હોવાથી તમારે પંદર દિવસ રાહ જોવી પડશે!
પણ જો નસીબ ફૂટેલાં હોય તો...
બે દિવસ પછી જ્યારે તમારો એક્સ-રે લેવાઈ રહ્યો હોય ત્યારે એક લેબ-ટેક્નિશિયન બીજાને કહી રહ્યો હોય ‘અલ્યા જો! આના પેટમાં તો ડોક્ટર સાહેબની પેલી ખોવાઈ ગયેલી સોનાની ચેઈન પણ છે! ચલ, આપણે જાતે ઓપરેશન કરીને ફિફટી-ફિફટી કરી લેવું છે?’
•••
• જો કરમ ફૂટેલાં હોય તો...
તમારી વઢકણી પત્નીથી કંટાળીને તમે ફુલ-પ્રૂફ આપઘાત કરવાની તૈયારી કરો છે. તમે એક એવી ઊંચી પહાડી પર પહોંચી જાવ છો જેની ટોચ પર એક ઝાડ છે. નીચે ઊંડી ખીણમાં ઘૂઘવતો દરિયો છે. તમે ઝાડની ડાળી પર દોરડું બાંધીને ગાળિયો બનાવો છો. ગળે ફાંસો ભરાવતાં પહેલાં તમે ઝેર પી જાવ છો અને ફાંસીએ લટકી પડતી વખતે પોતાના લમણા પર રિવોલ્વર ધરી રાખો છો...
પણ જો નસીબ ફૂટેલાં હોય તો...
ધક્કાને કારણે તમારી રિવોલ્વર હલી જાય છે, ગોળી દોરડામાં લાગે છે, દોરડું કપાઈ જાય છે. તમે સીધા ખીણમાં પડો છો, દરિયામાં ડૂબવા લાગો છો, પણ અચાનક ગળામાં ખારું પાણી ઘૂસી જવાને કારણે તમને ઊલટી થઈ જાય છે, બધું ઝેર બહાર આવી જાય છે...
છતાં તમને તરતાં તો આવડતું જ નથી, તમે ડૂબી રહ્યા છો. એક વિશાળકાય વ્હેલ માછલી તમને ગળી જાય છે. પણ તેને અચાનક છીંક આવે છે અને તમે તેના મોંમાંથી ઊછળીને સીધા કિનારા પર ફેંકાઈ જાવ છો. નસીબના ખેલ જુઓ, એ કિનારા પર જ તમારું ઘર છે. તમે તમારા ઘરના આંગણામાં જ પટકાયા છો, તમારી પત્ની તમારી સામે ડોળા કાઢતી ઊભી છે અને તે કહી રહી છેઃ ‘ફરી પાછા આજે શાક લીધા વિના ઘરે આવ્યા?’
•••
• જો કરમ ફૂટેલાં હોય તો...
તમારો બબૂચક સાળો નવો નવો વીમા-એજન્ટ બન્યો છે અને તમારો પાંચ લાખ રૂપિયાનો વીમો ઉતારી જાય છે...
પણ જો નસીબ સારાં હોય તો...
તમે પ્રીમિયમનો પહેલો હપતો ભરો તેના બીજા જ દિવસે તમે એક ખટારા નીચે કચડાઈને મરી જાઓ છો!
•••
જોયું? આ તો તમારાં કરમ સારાં છે એટલે અમારો ખેલ વાંચી રહ્યા છો, અને અમારાં નસીબ પણ સારાં છે કે તમને લેખ ગમ્યો છે! બાકી ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!