ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમની જેવું જ ઇતિહાસનું પણ છે. ત્યાં ‘સંશોધન’ શબ્દ પ્રયોજાય છે, પણ બન્નેમાં મથામણ અને ખોજની એક સરખી પ્રક્રિયા રહે છે, નિષ્ફળતાનો અનુભવ અને સફળતાનો રોમાંચ!
એક તસ્વીરની પચાસ વર્ષે પ્રાપ્તિ થઇ, તેનો સંદર્ભ અને ભૂમિકા પણ ગુજરાતી ઇતિહાસની સાથે છે એટલે આજે તેની વાત કરવી છે. તસ્વીર આ લેખની સાથે આપી છે તે અતીતના ગુમનામ અંધારામાં અટવાયેલી હતી. પચાસ વર્ષથી તેની શોધ કરી રહ્યો હતો તે હમણાં અનાયાસ મળી આવી, તે પણ છેક સાન ફ્રાન્સિસ્કોથી!
હા, આ છગન ખેરાજ વર્મા. ૧૯૨૦માં સિંગાપુરમાં ફાંસીએ ચડેલો ગુજરાતી પત્રકાર. અપરાધ હતો ભારતની સ્વતંત્રતા માટે બ્રિટિશ આધિપત્યના લશ્કરમાં બગાવત કરવાનો. વેન્કોવરના સમુદ્રકિનારે એક જહાજ ‘કોમાગાતામારુ’માં શીખ મુસાફરો ભારત આવવા નીકળ્યા હતા. આ બધા ક્રાંતિકારો હતા એવી માહિતીથી ગભરાયેલી સરકારોએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો ત્યારે તેને માટેની કાનૂની લડાઈ થઇ તેની સમિતિનો પ્રમુખ હુસેન રહીમ હતો. મૂળ નામ છગન ખેરાજ વર્મા.
૧૮૬૫માં પોરબંદરમાં જન્મ્યો અને ત્રીસમા વર્ષે હોનોલુલુ થઈને તે વેન્કોવર પહોંચ્યો. વ્યાપાર અર્થે આ રઘુવંશી યુવાન ત્યાં પહોંચ્યો, પણ ઈમિગ્રેશનના અટપટા પ્રશ્ને તેને જંગ આદરવો પડ્યો. સમિતિ બનાવી. તારકનાથ દાસ અમેરિકામાં ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રખર બૌદ્ધિક નેતા મળ્યો, પછી લાલા હરદયાલ મળ્યા. છગન ખેરાજને સંજીવની સ્પર્શ થયો અને ‘ફ્રી હિન્દુસ્થાન’ અખબાર શરૂ કર્યું.
ભારતીયોને ધુત્કાર કરનારા બ્રિટિશ અફસર હોપકિન્સનને એક શીખ યુવાને ઠાર માર્યો. ગદર પાર્ટી સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાપી. હરદયાલ તેના નેતા હતા, છગન ખેરાજે વેન્કોવર અને સમગ્ર કેનેડામાં કામ કર્યું અને નામાંતર કરતો રહ્યો. બ્રિટિશ અને અમેરિકી દસ્તાવેજોમાં તેના ત્રણ નામો મળે છેઃ એક - છગન ખેરાજ માતા-પિતાએ આપેલું નામ, બીજું - ખેમચંદ દામજી અને ત્રીજું - હુસેન રહીમ. લાલા હરદયાલે ગુજરાતી ‘ગદર’ અખબારનું તંત્રીપદ તેને સોંપ્યું હતું. ૧૯૧૪માં તેનો પ્રથમ અંક બહાર પડ્યો, તેના તંત્રી લેખમાં આ ગુજરાતી તંત્રીએ લખ્યું હતું: ‘કોઈ પણ સમાજમાં પરિવર્તન લાવવું હોય તો તે માત્ર તેની દૂધ ભાષા દ્વારા થશે...’ વિદેશોમાં બેસીને તેણે આ કામ કર્યું, કાનૂની લડાઈ આપી, સંઘર્ષ કરતો રહ્યો.
તેના વિશેની કોઈ માહિતી જ ઉપલબ્ધ ના હોય પછી તેની તસ્વીર પણ ક્યાંથી હોય? સાન ફ્રાન્સિસ્કોમાં યુગાંતર આશ્રમ નામે ગદર સ્મારક છે, પણ આપણા ત્યાંના ગુજરાતી નાગરિકોને છગન ખેરાજ વિષે કશી ખબર નથી, અને અમેરિકા-કેનેડામાં અનેક પ્રકારે ગુજરાત ઉત્સવો થતા રહ્યા છે, ધામધૂમથી ઉજવાય છે, રાસ-ગરબા, ડાયરા, કવિ સંમેલનો અને ભાષણો તો થાય છે, પણ આપણો આ ક્રાંતિ-પત્રકાર તેમાં ક્યારેય યાદ કરાયો નથી. જે એવો એકમાત્ર ગુજરાતી હતો જેને સ્વરાજના ઉદ્દાત ધ્યેય માટે ફાંસી આપવામાં આવી હતી.
ગુજરાતમાં ક્રાન્તિકારોએ ભજવેલી ભૂમિકા વિષે સંશોધન લગભગ ૧૯૬૭થી શરૂ કર્યું. તેમાં પ્રથમ શ્યામજી કૃષ્ણ વર્માના વિશિષ્ટ જીવનની વિગતોથી શરૂઆત કરી, પછી તેમાં અન્યોનું ઉમેરણ થયું. ૧૯૭૬માં કટોકટી દરમિયાન વડોદરા જેલમાં ઘણા બધા મીસાવાસી હતા. એટલે આ સમયનો ઉપયોગ અભ્યાસ અને ચર્ચામાં થયો. ૧૮૫૭ વિષે મારા ભાગે બોલવાનું આવ્યું ત્યારે ત્યાં શ્રોતાઓમાં બાબુભાઈ પટેલ પણ હતા. જેલમાંથી છૂટ્યા પછી તેઓ ફરી વાર મુખ્ય પ્રધાન બન્યા. તેમને પેલું વ્યાખ્યાન યાદ હતું એટલે બોલાવીને કહ્યું કે તમે આ સશસ્ત્ર જંગનો સળંગ ઈતિહાસ લખોને?
એ કામ કરતી વખતે આ છગન ખેરાજ વિષેની ઉત્સુકતા વધી. બચુભાઈ રાવતે ‘કુમાર’માં એક લેખમાળા કરવી. મનુભાઈ પંચોલીએ લખ્યું કે છગન ખેરાજ વિષેની ઐતિહાસિક સામગ્રી તમે જ લાવ્યા, તેના વિષે વધુ પ્રયાસ જરૂર કરજો.
પણ, ન તો પોરબંદરમાં, ના આપણા ઈતિહાસગ્રંથોમાં કે ના અભિલેખાગરોમાં તેના વિષે કશું હતું. નેહરુ મ્યુઝિયમ દિલ્હીમાં તો આ નામ પણ નિર્દેશક માટે સાવ નવું હતું. હું ખુશવંત સિંહને મળ્યો. તેમણે શીખ ઈતિહાસ લખ્યો છે અને અમેરિકા-કેનેડાના શીખો વિષે તેમાં દુર્લભ સામગ્રી છે. ખુશવંત સિંહ મળ્યા તો ખરા પણ તેમને હુસેન રહીમ નામ યાદ હતું, તેથી વિશેષ તેની પ્રવૃત્તિ વિષે જાણકારી નહોતી. પણ તેમણે કહ્યું કે ‘દાળ-ભાત ખાનારો ગુજરાતી આવા કામમાં હોય તો તેના વિષે જરૂર સંશોધન કરવું જોઈએ.’
થોડાક દિવસો પછી જેમ્સ કેમ્પબેલ કરનું દસ્તાવેજી પુસ્તક હાથમાં આવ્યું. આ બ્રિટિશ જાસૂસી તંત્રના વડાએ લખેલા પુસ્તકમાં થોડીક વિગતો મળી. Sedition Committee-1918માં તેનો થોડોક વધુ નિર્દેશ છે. પણ જહોન્સનના અમેરિકામાં ભારતીયો વિશેના પુસ્તકે કેટલુંક સંશોધનાત્મક આપ્યું. મુખ્યત્વે કેનેડામાં શીખ પ્રજાએ મોટો ભાગ ભજવ્યો હતો એટલે સ્વાભાવિક રીતે તેમના પર વધુ લખાયું છે અને છગન ખેરાજ ઢંકાઈ ગયો. પોરબંદરે ગાંધીજીની જેમ, તેમની પૂર્વે આવો એક સાહસિક ક્રાન્તિકાર આપ્યો હતો તે આપણા ઈતિહાસ ગ્રંથો અને સંશોધનો માટે અજાણ કથા જ રહી.
મને એક ઘટનાનું સ્મરણ થઇ આવે છે. મુંબઈમાં મારા એક પુસ્તકનું લોકાર્પણ કરવા અટલ બિહારી વાજપેયી આવ્યા હતા. તે કાર્યક્રમ દરમિયાન અચાનક પૂર્વ ન્યાયમૂર્તિ, જૂનાગઢ મતવિસ્તારના સાંસદ નરેન્દ્ર નથવાણી આવી ચડ્યા. ‘તમે આ છગન ખેરાજ વિષે વધુ સંશોધન કરીને પુસ્તક લખો એ કહેવા જ હું આવ્યો છું.’ કહીને વાજપેયીજીને મળ્યા અને આ અનામ સ્વાતંત્ર્ય વીર વિષે તેમની સાથે વાત કરી.
છગન ખેરાજની કોઈ તસ્વીર? જેટલું તેના વિશેનું સંશોધન એટલું જ આવશ્યક તેના ફોટોગ્રાફ હોવો જરૂરી. પણ જે દસ્તાવેજો પ્રાપ્ત થયા તેમાં ક્યાય તસ્વીરો તો હતી નહીં. આથી Komagata Maru જહાજ સાથેની તસ્વીરો મેળવી, તેમાં આ માણસ ક્યાંય છે કે નહીં તે જાણવા પ્રયાસ કર્યો. તેમાં બીજા બધાના નામો હતા, એકલા છગન ખેરાજ વર્માનું નહીં! પોરબંદર જઈને તપાસ કરી, ગેઝેટિયર ઉથલાવ્યું, દરબારી લખાણો તપસ્યા, પણ કશું મળ્યું નહીં. આથી લંડન અને સાન ફ્રાન્સિસ્કોના મિત્રોને વિગતો મેળવવા જણાવ્યું...
લગભગ પચાસ વર્ષના પ્રયાસો પછી એવું લાગ્યું કે છગનનો સદેહે પરિચય મળે તેમ નથી. એટલે લગભગ પ્રયાસ છોડી દીધો એમ કહી શકાય. પરંતુ, આશ્ચર્ય! ગદર કથા સમગ્ર અમેરિકાથી દુનિયાના બીજા ઘણા દેશો (જર્મની, ફ્રાંસ, સિયામ, ચીન, અફઘાનિસ્તાન, ઈરાન, બર્મા અને પંજાબ સુધી વિસ્તાર પામી હતી.)માં ૩૦ વર્ષ સુધી આ જંગ અવિરત રહ્યો, સુભાષચન્દ્ર બોઝ ટોકિયો અને સિંગાપુરમાં આઝાદ હિન્દ ફોજના સરસેનાપતિ બન્યા અને આરઝી સરકાર રચી તેના પાયામાં પણ ગદર ક્રાન્તિકાર રાસબિહારી બોઝ હતા.
આવા ઐતિહાસિક સંઘર્ષોમાં ક્યાંક આ ગુજરાતી છગન ખેરાજે મહત્વનો ભાગ ભજવ્યો તે પોતે જ કેવી ઐતિહાસિક ગૌરવ અપાવે તેવી આપણી પોતાની ઘટના છે? એટલે હમણાં તેની બે તસ્વીરો છેક અમેરિકાના દસ્તાવેજોમાંથી પ્રાપ્ત થઇ તેનો રોમાંચ! અહીં તેમની એક પ્રસ્તુત છે. તેમાં અદ્દલ ગુજરાતી વ્યક્તિત્વનો અંદાજ મળે છે. તેનો પહેરવેશ, તેનો તેજસ્વી ચહેરો, એ સમયે પ્રતિષ્ઠિત ગણાતી પાઘડી... આ માંડ ચાલીસીએ પહોંચેલો ગુજરાતી દૂર સિંગાપુરમાં બ્રિટિશ અફસરોની સામે છાતી કાઢીને, વંદે માતરમ્ બોલતો, ફાંસીએ ચડ્યો હતો તે દૃશ્યની કલ્પના પણ કેવી સ્પંદિત છે!
‘ફ્રીડમ એટ મિડનાઇટ’ના સરદાર નહીં, સાચુકલા સરદાર!!
તમે ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ પુસ્તક વાંચ્યું છે?
અથવા ‘ગાંધી’ ફિલ્મ જોઈ હશે.
બ્રિટિશ નજરે તેમાં નાયક કોણ છે? ગાંધીજી? જવાહરલાલ? સરદાર? ના. લોર્ડ માઉન્ટબેટન! દરેક દેશને પોતાના નેતાનું ગુણકીર્તન કરવાનો અધિકાર તો છે, પણ બીજા દેશની વિગતોને મારીમચડીને વિકૃત કરવાની છૂટ મળે ખરી?
લેરી કોલિન્સ અને ડોમિનિક લેપિયરે ‘ફ્રીડમ એટ મિડનાઇટ’માં એવું જ કર્યું છે તેનો પૂરો અંદાજ જે પુસ્તકમાં મળે છે તેનું નામ છેઃ ‘સરદાર પટેલઃ પસંદ કરેલો પત્રવ્યવહાર - ૧૯૪૫-૧૯૫૦.’ મૂળ ગ્રંથોની સંખ્યા દસ છે તેમાંથી ચૂંટી કાઢેલા પત્રોના બે ભાગ ગુજરાતીમાં નવજીવન ટ્રસ્ટે શતાબ્દી વર્ષમાં પ્રકાશિત કર્યા. સરદાર વિશે - જ્યાં ક્યાંય, જે કંઈ લખાયું તેનો આધાર આ બે ગ્રંથો છે.
તેના પ્રથમ ભાગમાં જ કુશળ અને મહેનતુ સંપાદક વી. શંકરે ‘તાજા કલમ’ ઉમેરીને ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ પુસ્તકમાં લેખકનો એ દાવો પોકળ ગણાવ્યો છે કે ‘આ પુસ્તક ઇતિહાસને અપાયેલી પ્રમાણભૂત અંજલિ છે.’ ખરેખર તો હકીકતોનાં ‘અજ્ઞાનનો આ દસ્તાવેજ’ છે એમ કહીને શંકરે વાજબી રીતે અસંતોષ દર્શાવ્યો છે કે સરદાર વિશે તો અહીં અપરંપાર માહિતી દોષ અને તેમનાં વ્યક્તિત્વને ઉપેક્ષિત રાખવાનો પ્રયાસ છે. કિપલિંગથી લેપિયર - એક સરખી રીતે ભારતીય રાજવીઓ અને તેમનાં રાજ્યો વિષે ઇતિહાસને બદલે રંગીન નવલકથા લખી ચૂક્યા છે, પ્રસ્તુત પુસ્તક તો ‘ધીકતા બજારની સ્થિતિ’માં લખાયું છે તેમની પાસે આવી ભૂલો સમજાય એવી અપેક્ષા કઈ રીતે રાખી શકાય?
આ પુસ્તકમાં સરદારનો પત્રવ્યવહાર છે કેન્દ્રીય અને પ્રાંતિક ચૂંટણીઓ, કેબિનેટ મિશન, દેશના ભાગલા, સ્વતંત્રતા પ્રાપ્તિ, જમ્મુ અને કાશ્મીર, કોમી રમખાણો, દેશી રાજ્યોનું વિલીનીકરણ આ મુખ્ય વિષયો ઉપરાંત બંધારણ સભામાં દેશી રાજ્યોનાં સાલિયાણા વિશે, ૧૨ ઓક્ટોબર, ૧૯૪૯નું તેમનું ભાષણ પણ છે.
બીજો ભાગ આ ઐતિહાસિક ઘટનાઓની આગળની ભૂમિકા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ‘તે કંઈ ગૂંડાઓ નથી’ એમ નિર્ભિકતાથી સરદારે કહ્યું હતું અને એકનાથ રાનડેએ પ્રતિબંધ સમયે ઘનશ્યામદાસ બિરલાની સાથે સરદારની મુલાકાત લીધી ત્યારે સરદારે સંઘ કોંગ્રેસને સહયોગ આપે, તેમાં ભળી જાય એવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી!
ઇતિહાસ પણ એક ભૂતિયું અજાયબખાનું છે, જેની આપણને કશી ખબર નથી અથવા ખોટી રીતે તથ્ય સજાવવામાં આવ્યાં હતાં તે સઘળું ઇતિહાસના રસ્તે મળી આવે છે! આ પુસ્તક પણ સરદારનાં મૂલ્યાંકન માટે સૌને ઉપયોગી નિવડશે.