યોગ એટલે ખરેખર શું?

૨૧ જૂન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેષ

Wednesday 17th June 2020 07:18 EDT
 
 

તમે યોગ કરો છો એવું કોઈ પૂછે એટલે પહેલો વિચાર આસનોનો જ આવેને? પરંતુ ખરેખર એવું નથી. યોગ એટલે આસન એવી પ્રચલિત માન્યતા કરતાં યોગની વ્યાખ્યા અનેકગણી ગહન અને વ્યાપક છે. ‘યુજ’ ધાતુમાંથી બનેલા આ શબ્દનો અર્થ છે યુનિયન, જોડાણ. પોતાની સાચી ઓળખને પામવી અને એની સાથે જોડાવું. ૨૧ જૂને સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવશે. અલબત્ત, આ વર્ષે કોરોના મહામારીના પ્રકોપના કારણે જાહેર કાર્યક્રમો તો ભાગ્યે જ ક્યાંક યોજાશે, પણ એક યા બીજા પ્રકારે આ દિવસની ઉજવણી જરૂર થશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે વાંચો યોગની કેટલીક પ્રચલિત વ્યાખ્યાઓ. તેમ જ તન-મનને સદાબહાર સ્વસ્થ રાખે તેવા કેટલાક યોગાસનો વિશે...

યોગ મહર્ષિ પતંજલિની દૃષ્ટિએ...

યોગના સૌથી પ્રાચીન એવા ૧૯૬ સૂત્રના ‘શ્રી પાતંજલ યોગ સૂત્ર’ નામના ગ્રંથમાં માત્ર ત્રણ જ શબ્દોમાં યોગની વ્યાખ્યા સ્પષ્ટ કરાઈ છે. ‘ફાધર ઓફ મોડર્ન યોગા’ તરીકે ઓળખાતા પતંજલિ ઋષિએ સાયન્ટિફિક ફોમ્યુર્લાની જેમ શોર્ટ એન્ડ સ્વીટ સૂત્રો દ્વારા યોગને પામવા માટેનાં સીક્રેટ્સ શેર કર્યાં છે. બીજા જ સૂત્રમાં શ્રી પતંજલિ યોગની વ્યાખ્યા કરતાં કહે છે, ‘યોગ ચિત્તવૃત્તિ નિરોધ:’. મનની વૃત્તિઓનો નિરોધ કરવો એટલે યોગ. ચિત્તની વૃત્તિઓ એટલે સરળ ભાષામાં મનમાં સતત ચાલતા વિચારો, કલ્પનાઓ, અપેક્ષાઓ દ્વારા ઉત્પન્ન થતી તમામ હલચલોને રોકવી એ યોગ. આ ઉતાર-ચડાવથી જ આપણને સુખ, દુ:ખ, ઈર્ષ્યા, અભિમાન વગેરે જાગતાં હોય છે. ચિત્તને, તમારા મનને જે વાસ્તવિક નથી એની અંદર ઉલઝાવેલું રાખે એ વૃત્તિ. એ સારી પણ હોય અને ખરાબ પણ હોય. આ વૃત્તિઓને ચિત્ત તરફ આવતાં રોકવું એ યોગ.

યોગ શ્રીકૃષ્ણની દૃષ્ટિએ

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં યોગની બે પ્રચલિત વ્યાખ્યા છે. ‘યોગ: કર્મષુ કૌષલમ્’ એટલે કે કુશળતાપૂર્વક, વિચક્ષણતાપૂર્વક તમારું કામ કરવું એ યોગ છે. તમે તમારું કામ પૂરેપૂરા ફોકસ થઈને સારામાં સારી રીતે કરો એ યોગ.
બીજી વ્યાખ્યા છે, ‘સમત્વમ્ યોગ ઉચ્યતે’ એટલે કે સુખ અને દુ:ખ, સારા અને ખરાબ, તડકો અને છાંયડો એમ તમામ સંજોગોમાં સંતુલિત રહેવું, મનને વિચલિત ન થવા દેવું, મનને સમતામાં રાખવું એ યોગ છે.

યોગ વિશે કથોપનિષદ

૧૦૮ ઉપનિષદમાં ત્રીજા નંબર પર આવતું અને મહત્વનું ઉપનિષદ ગણાતા કથોપનિષદમાં યોગની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે ‘તામ યોગમિતિ મન્યન્તે સ્થિરાનિમિન્દ્રિય ધારનામ્’. મતલબ કે આ દુનિયામાં તમામ દુ:ખ અટેચમેન્ટ એટલે કે આસક્તિને કારણે છે. અને આસક્તિ જન્મે છે ઇન્દ્રિયોથી. આ ઉપનિષદની દૃષ્ટિએ યોગ એટલે ઇન્દ્રિયોનું ફોકસ બહારથી હટાવીને આત્મા તરફ લઈ જવું.

યોગ વિશે યોગ વસિષ્ઠ

છ ભાગમાં લખાયેલા હિન્દુ પરંપરાના પ્રાચીન ગ્રંથ યોગ વસિષ્ઠના છઠ્ઠા ભાગમાં યોગની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે ‘મનહ પ્રશમનાહ ઉપાયાહ યોગ ઇત્યાનિદિયતે’. મતલબ કે યોગ એક એવી પદ્ધતિ છે જે મગજને શાંત કરવાનું કામ કરે છે. મનને સમજીને આવડતપૂર્વક એને જ્ઞાન સાથે પોતાના કન્ટ્રોલમાં લેવાની પદ્ધતિને આ ગ્રંથકાર યોગ તરીકે મૂલવે છે.
આ સિવાય પણ અનેક અન્ય ગ્રંથો સહિત શ્રી પાતંજલ યોગસૂત્ર પર કોમેન્ટરી લખનારા મહાભારતના રચયિતા મહર્ષિ વ્યાસથી લઈને સ્વામી વિવેકાનંદ, બીકેએસ આયંગર, સ્વામી કુવલયાનંદ જેવા સેંકડો જુદા-જુદા કાલખંડમાં થયેલા વિદ્વાન યોગીઓએ યોગની વ્યાખ્યા કરી છે. આમાંથી એકેય યોગીઓએ યોગ એટલે આસન એવું નથી કહ્યું.
યોગના વિવિધ ગ્રંથો અને ભરોસાપાત્ર પુસ્તકોમાં યોગનાં વિવિધ અંગોમાં આસનને સ્થાન આપ્યું છે, પરંતુ આસન જ યોગ છે એ વાસ્તવિકતા નથી. યોગ મહદ્ અંશે શરીર સાથે મનનું વિજ્ઞાન છે અને એ જ વાત સતત યોગના આદ્યપિતા મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં વર્ણવી છે. આગળ કહ્યું એમ, ચિત્ત એટલે કે મનની હલચલ પર કાબૂ મેળવવા માટે આ મહર્ષિએ અભ્યાસ એટલે કે પ્રેક્ટિસ, વૈરાગ્ય અને ઈશ્વર પ્રણીધાન એટલે ઈશ્વરને સમર્પિત થઈ જવું એ ત્રણ રસ્તા સૂચવ્યા. અભ્યાસમાં તેમણે ૮ અંગની વાત કરી, જેમાં ચોથું અંગ આસન છે.
આખી વાતનો સાર એટલો જ કે આસન એ યોગનો એક ખૂબ નાનકડો હિસ્સો છે. યોગની સાચી વ્યાખ્યા આસનોથી ખૂબ વિશાળ અને વિસ્તૃત છે. બેશક, આસનોને યોગ્ય રીતે અને નિયમિત ધોરણે કરવામાં આવે તો એ ખૂબ ઉપયોગી છે અને અનેક શારીરિક, માનસિક લાભ આપે જ છે.

પગની કાર્યક્ષમતા વધારવાથી માંડીને પેટનો ગેસ દૂર કરવામાં ઉપયોગી

ત્રિકોણાસન

આંતરરાષ્ટ્રી યોગ દિવસ નિમિત્તે વીતેલા વર્ષે વડા પ્રધાન મોદીના એનિમેશનવાળા વિવિધ યોગ પોશ્ચર સાથેના વીડિયો વાઇરલ થયા હતા, જેમાં પહેલો વીડિયો હતો ત્રિકોણાસનનો. આ આસન કરો ત્યારે જે પોશ્ચર હોય છે એમાં ત્રણ ખૂણા દેખાય છે અને ત્રિકોણ જેવો આકાર બનતો હોવાથી એને ત્રિકોણાસન તરીકે ઓળખવામાં આવે છે.

લાભ ઘણા: ત્રિકોણાસન તમારી કમરની નીચેના ભાગમાં લચીલાપણું લાવવા માટે ખૂબ ઉપયોગી છે. ત્રિકોણાસન જો સાચી રીતે થાય તો કરનારને આર્થ્રાઇટિસની સમસ્યા થવાની સંભાવના ઘટી જાય છે. તમારા હિપ્સ મસલ જો ટાઇટ હોય તો એેને લૂઝ કરવાનું કામ આ આસન કરી આપશે. આ આસનમાં સ્થિર થાઓ ત્યારે તમારી કરોડરજ્જુ લંબાતી થતી હોય છે એટલે કે એમાં ખેંચાણ આવવાથી એ વિસ્તૃત થતી હોય છે જેથી પીઠમાંના દુખાવાને લગતી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. તમારા પેટના મસલ્સ પણ ઓપન થવાથી ગેસની સમસ્યા દૂર થાય છે. ઘૂંટણમાં દુખાવો હોય એવા લોકોને પણ આ આસન મદદરૂપ નીવડશે. પગ અને સાથળના મસલ્સને ટોનિંગ કરવાનું કામ પણ આ આસન કરે છે. માત્ર યોગ આસનોમાં જ નહીં, ઘણાં મેડિકલ જર્નલમાં પણ લોન્ગ ડિસ્ટન્સ રનર માટે આ આસન રેકમેન્ડ કરવામાં આવે છે. સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો માટે આ શ્રેષ્ઠ આસન છે. પગની સમસ્યા હોય એવા તમામ લોકોને આ આસન ઉપયોગી છે. જોકે વધુ ઉંમર હોય, બેલેન્સનો પ્રોબ્લેમ હોય તો સપોર્ટ લઈને આ આસન કરવું. દીવાલનો કે ટેબલનો સપોર્ટ લઈને આ આસન કરવું.’
એક્સપર્ટ એડ્વાઇઝ: આ આસન કરો ત્યારે બે પગ વચ્ચેનું અંતર જેટલું વધુ એટલો લાભ વધુ, કારણ કે એટલી તમારી કરોડરજ્જુ લંબાશે. સામાન્ય રીતે બે પગ વચ્ચે ત્રણ ફૂટનું અંતર રાખવામાં આવતું હોય છે. બીજું, આ આસન કરતી વખતે તમારું માથું, તમારા બટક્સ એટલે કે નિતંબ એક જ લાઇનમાં હોય એ જરૂરી છે. ઘણા લોકો માથું આગળ લઈ લે છે જે સુધારવું જોઈએ.

ગળાને લગતા પ્રોબ્લેમ દૂર કરવા હોય કે કોન્ફિડન્સ વધારવો હોય તો કરો
ઉજ્જયી પ્રાણાયામ

આ પ્રાણાયામને એનીટાઇમ પ્રાણાયામ કહેવાય છે. ઉદ્ એટલે ફોર્સ અથવા ઝડપ અને જય એટલે વિજય, સફળતા. વિજયઘોષ એટલે ઉજ્જયી. ઉજ્જયી પ્રાણાયામ કરે એ જીતે. ઉજ્જયી પ્રાણાયામ કરનાર વ્યક્તિને દરેક સંજોગોમાં સફળતા મળે એવું કહેવાય છે. આપણે પાણી ગળતા હોઈએ ત્યારે જે રીતે કંઠને સહેજ સંકુચિત કરીએ છીએ એવું સંકુચન ગળામાં કરીને શ્વાસ લેવાનો હોય છે. શ્વાસ લેતી વખતે સહેજ ઘર્ષણનો અનુભવ થશે. આ પ્રાણાયામ ક્યારેય પણ કરી શકાય છે, કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે. ગળાને લગતી કોઈ પણ સમસ્યા હોય તો આ પ્રાણાયામથી સારું થઈ જશે. કંઠમાં સંકુચન કરવાને કારણે થતા ઘર્ષણથી તમારો વોકલ કોર્ડ અને થાઇરોઇડનો એરિયા ઉત્તેજિત થશે. એ જગ્યાએ બ્લડ-સર્ક્યુલેશન સુધરશે અને સ્વાભાવિક રીતે એની કાર્યક્ષમતા પણ વધશે. સિંગર હોય તેમના અવાજને સુધારવા માટે આ પ્રાણાયામ મહત્વપૂર્ણ છે.
સીઝન-ચેન્જમાં ગળું પકડાઈ જવાની સમસ્યા સામાન્ય છે, જેને માટે ઉજ્જયી પ્રાણાયામ મહત્વપૂર્ણ છે. તમારા રેસ્પિરેટરી પાથને આ પ્રાણાયામ અંદરથી મસાજ આપે છે. આ પ્રાણાયામ કરવાથી તમારો સેલ્ફ-કોન્ફિડન્સ વધે. વ્યક્તિને શરદી, ખાંસી અને ગળામાં ખરાશ હોય અને એન્ટિબાયોટિક આપો તો કદાચ સાત દિવસે સારું થાય, પણ જો એક દિવસમાં ત્રણ વાર ૨૦-૨૦ રાઉન્ડ ઉજ્જયી પ્રાણાયામ કરવાની પ્રિસ્ક્રિપ્શન આપો તો ત્રણ જ દિવસમાં ફરક પડ્યાના કિસ્સા જોવા મળ્યા છે.

વજ્ર જેવા મજબૂત બનવું હોય તો કરો
વજ્રાસન

શરીરને વજ્ર જેવા મજબૂત અને પાવરફુલ બનાવવાનું કામ આ આસન દ્વારા થાય છે, જેથી એનું નામ વજ્રાસન પડ્યું છે. વર્ષોથી વજ્રાસન કરતા એક યોગપ્રેમી કહે છે કે લગભગ ત્રણેક દશકના અનુભવ પછી મને સૌથી શ્રેષ્ઠ આસન લાગ્યું હોય તો એ છે વજ્રાસન. એના અગણિત લાભોને કારણે જ માત્ર યોગમાં જ નહીં પણ જુદા-જુદા ધમોર્એ પણ એને પોતાના રૂટીનમાં સમાવી લેવાયું છે. મુસ્લિમ ભાઈ-બહેનો નમાઝ પઢે ત્યારે વજ્રાસનમાં બેસતાં હોય છે એ તમે જોયું હશે. હિન્દુ અને જૈન પરંપરામાં પણ આ પોશ્ચરનો ઉપયોગ ઘણી ક્રિયાઓમાં થાય છે.
જમ્યા પછી જો કોઈ આસન કરી શકાતું હોય તો આ એકમાત્ર આસન છે. તમારા એબ્ડોમિનલ અને તમારા પગના કાફ મસલ્સનો આકાર જોશો તો એ પણ લગભગ સરખો છે. ખોરાક ઝડપથી પચાવવાથી લઈને પેટ અને યુરિનરી એરિયાની તો અનેક સમસ્યા માટે આ રામબાણ આસન છે. બેકપેઇન, સાઇટિકા અને સ્પાઇનલ કોર્ડને લગતા ઘણા પ્રોબ્લેમ વજ્રાસનથી સોલ્વ થાય છે, કારણ કે આ આસનમાં બેસવાથી તમારા શરીરનું પોશ્ચર સુધરે છે. તમે ઇચ્છો તોય ખૂંધ વાળીને બેસી ન શકો એટલે શરીરની અંદરની પ્રોસેસને વેગ મળે છે. આ આસન બ્લડ-સર્ક્યુલેશનને વધારતું હોવાથી શરીરના કોઈ પણ હિસ્સામાં પ્રોબ્લેમ હોય તો પૂરતા બ્લડ ફ્લોને કારણે પૂરતો ઓક્સિજન જે-તે હિસ્સામાં પહોંચવાથી હીલિંગ ઝડપી બને છે. બીજું, વજ્રાસનથી શરીરની ૭૨,૦૦૦ નાડીઓ શુદ્ધ થાય છે. ગર્ભવતી મહિલાઓ પણ આ આસન નિ:સંકોચ કરી શકે છે. વેઇટલોસ માટે પણ આ આસનથી પરિણામ મળતું અમે જોયું છે.
• એક્સપર્ટ એડ્વાઇઝ: વજ્રાસન કરવાની તકલીફ પડતી હોય એવા લોકોએ પગની ઉપર અને પગની નીચેના હિસ્સામાં તકિયો અથવા વાળેલી યોગ મેટ રાખવી જેનાથી આ આસન સરળતાપૂર્વક કરી શકાશે. ૩૦ સેકન્ડથી આ આસનમાં બેસવાની પ્રેક્ટિસ શરૂ કરવી. પછી ધીમે-ધીમે તમારી આવશ્યકતા મુજબ સમય વધારતા જવો.
આસનો કરતી વખતે પસીનો તો દૂર શ્વાસોચ્છ્વાસની ગતિ પણ વધવી ન જોઈએ એની ચોકસાઈ રાખવામાં આવે એ જરૂરી છે. એ જ આસનની સાચી રીત છે

(• વાચક મિત્રોઃ અહીં સૂચવેલા યોગાસનનો અભ્યાસ કરતાં પૂર્વે પોતાની શારીરિક-માનસિક સુખાકારી અવશ્ય ધ્યાનમાં રાખશો. શક્ય હોય તો કોઇ યોગાસનનો નિયમિત અભ્યાસ કરતાં પહેલાં યોગ નિષ્ણાતનું વ્યક્તિગત માર્ગદર્શન મેળવો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter