ગુરુપૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિની બહુ જ પુણ્ય તિથિ છે. વર્ષોથી ગુરુમહિમા આ દિવસે ગવાતો આવ્યો છે. હકીક્તમાં જેમના તરફથી એક નવો વિચાર, નવું ડગલું ભરવા માટે મળે તે આપણો ગુરુ હોઈ શકે. જ્યાં સુધી જગતને સંબંધ છે ત્યાં સુધી વિશ્વના લોકો કોઈ બુદ્ધ પુરુષને, કોઈ સંતને, કોઈ સાધુને પોતાના ગુરુ માનતા હોય છે. પ્રિય શ્રી મારારિબાપુના કિસ્સામાં એવું માનવામાં આવે છે કે અનેક શિષ્યોના ગુરુ છે. આ જોકે સાચું નથી કારણ કે બાપુ પોતે કહે છે. કે, “હું ગુરુ નથી, સદ્દગુરુ નથી, બુદ્ધ પુરુષ નથી. હું એક સાદો સીધો તમારા જેવો માણસ છું.” આ વાત તેઓ ખાનગીમાં કહે છે એવું નથી. વ્યાસપીઠ ઉપરથી વારંવાર ઉચ્ચારીને સાવચેત કરે છે કે, ના મને ગુરુ પદ આપશો નહીં.
નોર્વેમાં ત્રોમસોમાં થઈ રહેલી કથા દરમિયાન ફરી એકવાર ગુરુપૂર્ણિમાનો ઉલ્લેખ થયો ત્યારે પોતાના ભૂતકાળને સ્પષ્ટ રીતે શ્રાવકો સામે રાખીને બાપુએ ફરી એકવાર ચોખ્ખા શબ્દોમાં સ્પષ્ટતા કરી કે, ગુરુપૂર્ણિમા ઉત્સવ હવે હું ઉજવતો નથી, હું મારા ગુરુની પાદુકાનું પૂજન કરું છું. પણ મારા પૂરતું જ. ચિત્રકૂટ ધામ તલગાજરડા, કે કૈલાશ ગુરુકુળ, મહુવા ખાતે કોઈ વિશેષ કાર્યક્રમ થતો નથી. એટલે તેમણે વિશ્વભરના અપાર ચાહકોને વિનંતી કરી કે, આ કારણ માટે તમે તલગાજરડાનો ધક્કો ન ખાશો.
મોરારિબાપુ માટે ઘણા બધા લોકો ઘણી બધી વાતો કરતા હોય છે. એમ કહીએ કે હવે એવી વાતો કરવી એ ફેશનનો વિષય થઈ ગયો છે. કોઈ એવી વાતો પણ ચલાવે છે કે, બાપુ પોતાના શિષ્યો પાસેથી પોતાને જોઈએ તે બધું જ મેળવી લેતા હોય છે પરંતુ આ બાબતને સ્પષ્ટ કરતા બે પ્રસંગ બાપુએ સૌની સમક્ષ અભિવ્યક્ત કર્યા તે વાતને આહીં નોંધતા હું આનંદ અનુભવું છું.
નોર્વેમાં સાતમા દિવસની કથા શુક્રવારે થઈ રહી હતી ત્યારે ગુરુપૂર્ણિમાનો ઉલ્લેખ કરીને બાપુએ બહુ સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે, શરૂઆતનાં વર્ષોમાં મારી આવશ્યક્તા હતી એટલે હું ગુરુપૂર્ણિમાના એક દિવસે ગુરુદક્ષિણા સ્વીકારતો હતો અને એ વખતે જો એક લાખ રૂપિયા મળતા દિવસને અંતે તો એમાંથી પણ હું 10 ટકા જુદા મૂક્તો કારણ કે હું સૌને કહેતો હું કે દશાંશ જુદો કાઢો તો મારે પણ કાઢવો જોઈએ જ્યારે આ રકમ પોતાને મેળે વધવા માંડી અને ચાર, પાંચ, છ લાખ થવા લાગી ત્યારે પછી મેં 90 ટકા જુદા મૂકવાનું શરૂ કર્યું કારણ કે 10 ટકા પૈસામાંથી મારો જીવન વ્યવહાર ચાલતો હતો. પરંતુ આ આંકડો પણ જેમ-જેમ મોટો થવા લાગ્યો તેમ-તેમ મને થોડું અસુખ થવા લાગ્યું અને મેં એક દિવસ અચાનક જ ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવાની મનાઈ કરી દીધી. આની પાછળનું બીજું કોઈ કારણ નથી મારો આદર ગુરુ પ્રત્યેનો એમનેમ છે, અકબંધ છે. અને જીવું ત્યાં સુધી રહેવાનો છે પરંતુ ઉદેશ્ય એક જ છે કે, હું કોઈનો ગુરુ થવા તૈયાર નથી, મારે કોઈને શિષ્યો બનાવવા નથી, જે જે લોકો જે ઈશ્વરમાં માનતા હોય, કે જે વ્યક્તિત્વને પૂજતા હોય એ એના ગુરુ એમને મુબારક.