વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાંથી જો બાઇડેન ખસી જતાં હવે ડેમોક્રેટિક પાર્ટી કોને પ્રમુખપદનાં ઉમેદવાર બનાવશે તેના પર સૌની નજર છે. બાઇડેને ઉપપ્રમુખ કમલા હેરિસનું નામ સૂચવતાં કમલા પ્રબળ દાવેદાર છે, પણ તેમની સામે ગળાકાપ સ્પર્ધા છે. અંતિમ નિર્ણય શિકાગોમાં 19 ઓગસ્ટથી યોજાનારા ડેમોક્રેટિક પાર્ટીના વાર્ષિક નેશનલ કન્વેન્શનમાં થશે. ડેમોક્રેટિક પાર્ટીના 4000 ડેલિગેટ્સ પ્રમુખપદના ઉમેદવાર અંગે અંતિમ નિર્ણય લેશે. કમલા હેરિસ સામે અત્યારે સૌથી મોટો પડકાર મિશેલ ઓબામાનો મનાય છે. આ સિવાય પ્રમુખપદ માટેની રેસમાં અન્ય પણ દાવેદારો મેદાનમાં છે. આ દાવેદારો કોણ કોણ છે તેના પર નજર નાંખી લઈએ.
• મિશેલ ઓબામાઃ કમલા સામે સૌથી મોટો પડકાર મિશેલ ઓબામાનો છે. 60 વર્ષનાં મિશેલ લાંબા સમયથી પ્રમુખપદનાં ઉમેદવાર બનશે એવી અટકળો ચાલે છે. મિશેલની લોકપ્રિયતા પણ બધાં કરતાં વધારે છે. પતિ બરાક ઓબામાના કારણે રાજકીય રીતે પણ તેમનો પ્રભાવ તમામ વર્ગો પર છે. ડેમોક્રેટિક પાર્ટીના ડેલીગેટ્સ આ બધું જોતાં મિશેલ પર પસંદગીનો કળશ ઢોળે એવું બની શકે.
• ગ્રેચન વ્હાઈટમેરઃ મિશિગનનાં 52 વર્ષીય ગવર્નર બાઈડેનનાં ચુસ્ત સમર્થક છે, પણ બાઈડેન ખસતાં દાવેદાર મનાય છે. મિશિગન અમેરિકામાં ઈન્ડસ્ટ્રીયલ સ્ટેટ હોવાથી ગ્રેચનને અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓનો ટેકો હોવાનું મનાય છે. ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે તેમની સામે ભિડાઈ જનારાં ગ્રેચન અત્યંત લડાયક નેતા છે. ગ્રેચને પોતે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનાં ભોગ બન્યાનો દાવો કરીને સનસનાટી મચાવી હતી.
• જે.બી. પ્રિત્ઝકરઃ ડેમોક્રેટિક પાર્ટીના ગઢ મનાતા ઈલિનોય સ્ટેટના ગવર્નર છે. પ્રિત્ઝકર જાણીતા વકીલ છે અને પીઢ રાજકારણી છે. હિલેરી ક્લિન્ટન ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રમુખપદની ચૂંટણી લડ્યાં ત્યારે તેમના પ્રચારની કમાન તેમણે સંભાળી હતી. અમેરિકાના ધનાઢ્ય પરિવારોમાંથી એક પ્રિત્ઝકર ટ્રમ્પના વરસો જૂના દુશ્મન મનાય છે.
• જો મેન્ચિનઃ સેનેટર જો મેન્ચિન ડેમોક્રેટિક પાર્ટીને સૌથી વધારે દાન આપનારા ધનિકોની પસંદગી છે. 76 વર્ષના મેન્ચિને બે મહિના પહેલાં ડેમોક્રેટિક પાર્ટી છોડી દીધી હતી અને અપક્ષ તરીકે સેનેટમાં બેસતા હતા. ટોચના દાતાઓ તેમને મેદાનમાં આવવા માટે સમજાવી રહ્યા છે. મેન્ચિન મેદાનમાં આવે તો ગમે તેને પછાડી શકે છે.
• એન્ડી બેશીયરઃ કેન્ટકીના 46 વર્ષીય ગવર્નર રિપબ્લિકન પાર્ટીનો ગઢ મનાતા કેન્ટકીમાં સળંગ બે ટર્મથી ગવર્નર તરીકે ચૂંટાય છે. બેશીયરના પિતા સ્ટીવ બેશીયર પણ ગવર્નર રહી ચૂક્યા છે તેથી તેમના પરિવારની જબરદસ્ત પકડ છે. આ કારણે બેશીયર મેદાનમાં ઉતરે તો ઉમેદવાર બની શકે છે.