વોશિંગ્ટનઃ અમેરિકામાં આગામી વર્ષે પ્રમુખપદ માટે ચૂંટણી યોજાશે. એવામાં રિપબ્લિકન પાર્ટીએ પ્રમુખ પદ માટે પોતાનો ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચૂંટણીના મેદાનમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત કુલ નવ ઉમેદવાર છે. દરમિયાન ટ્રમ્પની ગેરહાજરીમાં આઠ ઉમેદવારો વચ્ચે યોજાયેલી પહેલી ડિબેટમાં ભારતીય વંશના બિલિયોનેર ટેકઉદ્યોગપતિ વિવેક રામાસ્વામી નવા સિતારા તરીકે ચમકી રહ્યા છે. તેમણે પોતાના ઉપર કરાયેલા હુમલાઓનો સાહજિકતાથી સામનો કર્યો હતો.
હાજરજવાબી રામાસ્વામીએ સૌનાં દિલ જીતી લીધાં હતાં અને ડિબેટ પૂરી થયાના કલાકોમાં જ તેમણે ભંડોળ પેટે 4 કરોડ રૂપિયા એકઠા કરી લીધા હતા. લોકોએ અનુદાન પેટે સરેરાશ 3400 રૂપિયા (38 ડોલર) આપ્યા હતા. રામાસ્વામીએ ફેબ્રુઆરીમાં પ્રમુખ પદની ઉમેદવારીની જાહેરાત પછીથી અત્યાર સુધીમાં 74 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે.