કોલકાતાઃ પૂર્વ પ્રમુખ ટ્રમ્પ પર રવિવારે થયેલા હુમલા મુદ્દે દુનિયાભરમાં ચર્ચાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે ઈસ્કોન મંદિર-કોલકતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે સોશિયલ મીડિયા મંચ એક્સ પર લાંબી પોસ્ટ શેર કરતાં કહ્યું કે હકીકતમાં ટ્રમ્પનો જીવ બચી જવા પાછળ ભગવાનનો હાથ છે. ટ્રમ્પને ભગવાન જગન્નાથે બચાવ્યા છે. આ માટે તેમણે 1976ની રથયાત્રાનો ઉલ્લેખ કર્યો છે. રાધારમણ દાસે કહ્યું કે, બરાબર 48 વર્ષ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે જગન્નાથ રથયાત્રા ઉત્સવને બચાવ્યો હતો. હવે તેમની જ કૃપાથી ટ્રમ્પનો જીવ બચ્યો છે. આજે જ્યારે આખી દુનિયામાં જગન્નાથ રથયાત્રા ઉત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો. જગન્નાથે તેમનાં સત્કર્મોનું ફળ આપ્યું અને ટ્રમ્પનો જીવ બચાવ્યો. રાધારમણ દાસે કહ્યું કે જુલાઈ 1976માં ડોનાલ્ડ ટ્રમ્પે રથોના નિર્માણ માટે પોતાનો ટ્રેન યાર્ડ મફત આપીને ઈસ્કોન ભક્તોને રથયાત્રા યોજવામાં બહુ મદદ કરી હતી. આજે દુનિયા નવ દિવસીય જગન્નાથ રથયાત્રા ઉત્સવ ઊજવી રહી છે એવા સમયે તેમના પર ભયાનક હુમલો અને તેમનું બચી જવું જગન્નાથની ઈશ્વરીય કરુણા દર્શાવે છે.