અજમેર (રાજસ્થાન): ભારત હોય કે બ્રિટન, આજે દુનિયાભરમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ખતમ થઈ રહી છે અને ન્યુક્લિયર ફેમિલીનું ચલણ વધી રહ્યું છે. જેમાં પતિ-પત્ની અને તેમના સંતાનો બસ એટલા સભ્યો હોય છે. દુનિયાભરમાં ચાલતા આ ટ્રેન્ડથી ઉલટી ગંગા રાજસ્થાનમાં વહી રહી છે. રાજસ્થાનમાં સંયુક્ત કુટુંબવ્યવસ્થાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતું આદર્શ કુટુંબ વસે છે. આ કુટુંબના કુલ 185 સભ્યો એક સાથે એક છત નીચે રહે છે. કુટુંબના સભ્યો છ પેઢીથી આ જ રીતે એકસંપ થઇને વસે છે. રાજસ્થાનના આ બાગડી માળી પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાઈરલ થયો છે.
આ કુટુંબ અજમેરથી 36 કિમી દૂર નસીરાબાદની પાસેના રામસર ગામમાં વસે છે. કુટુંબ મોટું નહીં, વિશાળકાય હોવાથી ઘરની રસોઈ વ્યવસ્થા પણ તેટલી જ મોટી છે. કુટુંબનાં વહુ લાડીદેવીએ જણાવ્યું હતું કે સવારે અને સાંજે એકસાથે 13-13 ચૂલા પ્રગટે છે. રસોઈ બનાવવામાં દરરોજ 15 કિલો શાકભાજી અને 50 કિલો લોટનો વપરાશ થાય છે. કુટુંબના મહિનાનો રેશનિંગનો ખર્ચ રૂ. 12 લાખ છે.
આ સંયુક્ત કુટુંબ છ પેઢીથી જોડે રહે છે. તેમાં 65 પુરુષ, 60 મહિલા અને 60 બાળકો સામેલ છે. બાગડી માળી કુટુંબના વડા સુલ્તાન માળી હતા. તેમને છ પુત્ર મોહનલાલ, ભંવરલાલ0, રામચંદ્ર, છગનલાલ, છોટુલાલ અને બિરદીચંદ હતા. સુલ્તાન માળી અને તેમના બે પુત્ર ભંવરલાલ અને રામચંદ્રનું નિધન થઈ ચૂક્યું છે.
સંયુક્ત કુટુંબના સભ્ય બિરદીચંદે જણાવ્યું હતું કે તેમના પિતાએ હંમેશા કુટુંબને એકજૂથ રહેવાની સલાહ આપી હતી. તેઓ આજે પણ તેમના બતાવેલા રસ્તા પર ચાલે છે. કોઇ મુદ્દે મતભેદ થાય તો વડીલો ભેગાં બેસીને સમાધાન શોધી કાઢે છે. કુટુંબના બધા સભ્યોની વચ્ચે પ્રેમ અને ભાઈચારો છે.
પણ આટલા મોટા કુટુંબનો નિભાવ કઇ રીતે થાય છે? કુટુંબના કેટલાક સભ્ય સરકારી તો કેટલાક ખાનગી નોકરી કરે છે. આ ઉપરાંત કેટલાક ખેતી અને પશુપાલન કરે છે. અમુક સભ્યો બિલ્ડિંગ મટીરિયલની દુકાન સંભાળે છે તો અમુક ટ્રેક્ટર ચલાવીને કમાણી કરી લે છે. બાળકોથી લઇને વૃદ્ધો અને જવાન બધા એકસાથે જમે છે.
બાગડી માળી કુટુંબની માલિકીની 700 વીઘા જમીન છે, 12 કાર છે, 80 ટુ-વ્હીલર છે, અને 11 તો ટ્રેક્ટર છે. દર વર્ષે કુટુંબમાં દસ બાળક જન્મે છે. બોલિવૂડ સ્ટાર સારા અલી ખાન અને વિકી કૌશલે વિશાળ વડલા જેવા આ પરિવારનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરતાં આ કુટુંબ જાણીતું બન્યું છે.