મુંબઇઃ છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘનખ’ આખરે મહારાષ્ટ્ર પહોંચી ગયા છે અને તેને સતારાના મ્યુઝિયમમાં પ્રદર્શનાર્થે મૂકાયા છે. અત્યાર સુધી આ વાઘનખ લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં હતા. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે થોડા મહિનાઓ પૂર્વે જ જાહેરાત કરી હતી કે ‘છત્રપતિ શિવાજી મહારાજના આ વાઘનખને મહારાષ્ટ્ર લાવવાના પ્રયાસો ચાલુ છે અને અમે બ્રિટિશ વહીવટી તંત્ર સાથે સમજૂતી કરાર કરીને તેને મહારાષ્ટ્ર પાછા લાવશું.’
આગવું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા આ વાઘનખનો ઇતિહાસ મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલો છે. 1659માં તેમણે યુદ્ધ દરમિયાન આ વાઘનખ વડે બિજાપુર સલ્તનતના અફઝલ ખાનનું પેટ ચીરીને મારી નાંખ્યો હતો.
વાઘનખ અને મ્યુઝિયમ રેકોર્ડ
શિવાજી મહારાજના વાઘનખ લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં હતા, જ્યાં આ વાઘનખ પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યા હતા.
મ્યુઝિયમમાં દરેક વસ્તુનો રેકોર્ડ હોય છે તેમ વાઘનખ સંદર્ભે મ્યુઝિયમમાં આ મુજબની નોંધ હતીઃ આ હથિયાર જેમ્સ ગ્રેટ ડફ (1789-1858)ના કબજામાં હતું. તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી હતા અને 1818માં તેઓ સતારા ખાતે રેસિડેન્ટ એટલે કે પોલિટિકલ એજન્ટ હતા. આ શસ્ત્રની સાથે એક બોક્સ છે, જેના પર કેટલુંક લખાણ છે. આ વાઘનખ શિવાજી મહારાજના છે અને વાઘનખની મદદથી શિવાજી મહારાજે એક મોગલ સરદારને મારી નાખ્યા હતા. આ શસ્ત્ર જેમ્સ ગ્રાન્ટ ઓફ ઇડનને, તેઓ સતારા ખાતે રહેતા હતા ત્યારે મરાઠા વડા પ્રધાન પેશવાએ આપ્યું હતું.
રેકોર્ડમાં એવી નોંધ પણ છેઃ બાજીરાવ દ્વિતીયે 1818માં બિઠુર જતાં પહેલાં અંગ્રેજોને કેટલાંક શસ્ત્રો આપ્યાં હોવાની શક્યતા છે. જોકે, 160 વર્ષ પૂર્વે જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે આ જ વાઘનખ છે કે કેમ તે સાબિત કરવું શક્ય નથી. આ વાઘનખ ત્રણ વર્ષ માટે ભારત પરત લાવવામાં આવ્યા છે અને 2026માં તેને ફરી ઇંગ્લેન્ડ મોકલવામાં આવશે. એ સમયગાળા દરમિયાન વાઘનખને મુંબઈ, સતારા, કોલ્હાપુર અને નાગપુરમાં પ્રદર્શિત કરાશે.
ઇતિહાસના અભ્યાસુ ઇન્દ્રજિત સાવંતે એસટીટી હિસ્ટ્રી યૂટ્યૂબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાઘનખ વિશે માહિતી આપતાં કહ્યું હતું, ‘સતારાના પ્રતાપસિંહ મહારાજે એક વાઘનખ ગ્રાન્ટ ડફને અને બીજો એલફિન્સ્ટનને આપ્યો હતો. એ પછી પણ પ્રતાપસિંહ મહારાજ પાસે વાઘનખ હોવાનો ઉલ્લેખ છે. હાલ મ્યુઝિયમમાં રહેલા વાઘનખનો ઉપયોગ શિવાજી મહારાજે વાસ્તવમાં કર્યો નથી, પરંતુ તે સતારાના રાજવી પરિવારમાંથી ત્યાં પહોંચ્યા હતા.’