અમદાવાદ: ટાટા મોટર્સના સાણંદ યુનિટે 10 લાખ કારનું ઉત્પાદન કરવાનો સીમાચિહ્ન સર કર્યું છે. સાણંદ એકમ દેશનું એકમાત્ર પ્રોડક્શન યુનિટ છે જ્યાં સીએનજી, પેટ્રોલ, ડિઝલ અને ઇલેક્ટ્રીક એમ તમામ પેસેન્જર કારનું એક સાથે ઉત્પાદન થાય છે. કંપની આગામી એક વર્ષમાં ઇલેક્ટ્રીક પેસેન્જર કારમાં નવા મોડેલ લોન્ચ કરશે, જે આ એકમમાં તૈયાર કરાશે એમ ટાટા પેન્સેન્જર ઇલેક્ટ્રીક મોબિલીટીના મેનેજીંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સાણંદનો આ પ્લાન્ટ 2010માં સ્થાપવામાં આવ્યો ત્યારથી લગભગ 5,500 કરોડ રૂપિયાનું રોકાણ કરાયું છે. દરમિયાન, સાણંદમાં તેના અત્યાધુનિક એકમમાંથી 10 લાખમી કાર બહાર પાડવાના તેના ઉત્પાદનના ઈતિહાસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી.