ઓર્લાન્ડોઃ સેન્ટ્રલ ફ્લોરિડાની સૌથી નવી મેડિકલ સ્કૂલ ધ ઓર્લાન્ડો કોલેજ ઓફ ઓસ્ટિઓપેથિક મેડિસિન (OCOM) 10 માર્ચથી કાર્યરત થઈ છે જેના થકી કોલેજના સહસ્થાપકો ડોક્ટર દંપતી કિરણ અને પલ્લવી પટેલનું સ્વપ્ન મૂર્તિમંત થયું છે. આ વિસ્તારમાં ફીઝિશિયન્સ અને રેસિડેન્સી પ્રોગ્રામ્સની અછતે ડોક્ટર દંપતીને ઓસ્ટિઓપેથિક મેડિકલ સ્કૂલ સ્થાપવાની પ્રેરણા આપી હતી.
કાર્ડિયોલોજિસ્ટ ડો. કિરણ પટેલે કહ્યું હતું કે, ‘ફીઝિશિયન તરીકે હું શિક્ષણની ઘડતરશક્તિમાં હંમેશાં માનતો આવ્યો છું. ધ ઓર્લાન્ડો કોલેજ ઓફ ઓસ્ટિઓપેથિક મેડિસિન આ માન્યતાનું મૂર્તિમંત સ્વરૂપ છે. આ સંસ્થા માત્ર તબીબી જ્ઞાન આપવા માટે નહિ પરંતુ, આપણા ભાવિ ડોક્ટર્સમાં ફરજ, હમદર્દી અને જવાબદારીની ભાવના સ્થાપિત કરવા માટે પણ છે. આપણે એવા હીલર્સનું ઘડતર કરીશું જેઓ આપણી કોમ્યુનિટીઓના આરોગ્ય અને કલ્યાણ પર અમિટ અસર ઉભી કરશે.’
ફ્લોરિડાના હોરાઈઝન વેસ્ટ નજીક વિન્ટર ગાર્ડન વિસ્તારમાં આવેલી ત્રણ મજલાની કોલેજ 144,000 સ્ક્વેર ફૂટમાં વિસ્તરેલી છે, જેના નિર્માણમાં 18 મહિના અને 75 મિલિયન ડોલરનો ખર્ચ થયો છે. OCOM દ્વારા 26થી વધુ હોસ્પિટલ્સ અને હેલ્થકેર સિસ્ટમ્સ ઉપરાંત, કિરણ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે જેના પરિણામે, સમગ્ર ફ્લોરિડામાં રેસિડેન્સી પોઝિશન્સ ઉભી થઈ શકશે.
OCOMના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે OCOMની પેરન્ટ સંસ્થાનું નામ બદલી ડોક્ટર્સ કિરણ એન્ડ પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટી રાખવાની અરજી કરવાનો સર્વાનુમતે નિર્ણય લીધો છે. જોકે, OCOMનું નામ યથાવત રહેશે. OCOMના 97 વિદ્યાર્થી સાથેના પ્રારંભિક કલાસીસનો આરંભ 5 ઓગસ્ટ, 2024થી કરવામાં આવનાર છે.