નવી દિલ્હીઃ મોદી સરકારે બજેટમાં સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી ઘટાડી 6 ટકા કરતાં ત્રણ જ દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવમાં અંદાજે 5થી 6 હજારનો જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિકિલો 10થી 12 હજારનો ઘટાડો થયો છે. સોના-ચાંદી બજારમાં બંને મેટલના ભાવ તૂટવાના શરૂ થતાં રોકાણકારોએ મોટાપાયે ખરીદી શરૂ કરી છે. લગ્નગાળો અને તહેવારો નજીક આવતા હોવાથી તેમજ ભાવ અત્યારે નીચા હોવાથી રાતોરાત ખરીદી નીકળી છે. સોનામાં તો એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે. બુલિયન બજારના એક વેપારીનું કહેવું છે કે, સોનાના 10 ગ્રામનો ભાવ 70-71 હજાર બોલાતા જ બુકિંગ શરૂ થઈ ગયું હતું.
અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોનીના જણાવ્યા અનુસાર, શહેરમાં હાલ રોજના 20થી 30 કિલો સોનાનું વેચાણ થાય છે. ભાવ નીચો હોવાથી માત્ર અમદાવાદમાં 100 કિલો સોનાની ખરીદીનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 250 કિલો સોનાની ખરીદી થઈ ચૂકી છે. તેમના મતે, દિવાળી સુધીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 75 હજાર થઈ શકે છે. જોકે લોકોએ હાલ નીચા ભાવનો લાભ લેવા એડવાન્સ બુકિંગ શરૂ કરાવી દીધું છે.
એચડીએફસી સિક્યુરિટીઝના કોમોડિટી હેડ અનુજ ગુપ્તા મુજબ 9 ટકાના ઘટાડાને એડજસ્ટ થવામાં એકાદ સપ્તાહ લાગી શકે છે. એવામાં સોનું 5 ટકા સુધી વધુ સસ્તું થવાની શક્યતા છે. ત્યારબાદ સોનાનો ભાવ વધી શકે છે, કારણ કે બે દિવસમાં સ્થાનિક બજારમાં સોનાનો ભાવ સાડા પાંચ ઘટ્યો છે, બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ એક ટકો વધ્યો છે. એટલે કે ભારતમાં સોનાનો ભાવ ઘટવાનું એક માત્ર કારણ કસ્ટમ ડ્યૂટી છે. તે બજારમાં એડજસ્ટ થતાં જ સોનાનો ભાવ ફરી વધશે. દુનિયાભરની સેન્ટ્રલ બેન્ક આગામી એક વર્ષમાં સોનાની ખરીદી 30 ટકા સુધી વધારી શકે છે.
ડોલર પર નિર્ભરતા ઘટાડવા અને
સુવર્ણ ભંડાર વધારવા પર ફોકસ
કેડિયા કોમોડિટીઝના ડાયરેક્ટર અજય કેડિયાના મતે કસ્ટમ ડ્યૂટી ઘટાડવાનું એક મોટું કારણ સોનાનો ભંડાર વધારવાનું પણ છે. તેના પણ ત્રણ ઉદ્દેશ્ય છે. પહેલું, સોનારૂપે ઘરોમાં બચત વધારવી, જે સતત ઘટી રહી છે. બીજું, ડોલર પર નિર્ભરતા ઓછી કરવી અને ત્રીજું, આયાત સસ્તી કરીને દેશમાં સોનાનું સ્મગલિંગ ઓછું કરવું. રશિયા, ચીન, તુર્કી અને સઉદી અરબ પણ ડોલર પર નિર્ભરતા ઘટાડવા માટે પોતાના સોનાના ભંડાર વધારી રહ્યાં છે.