ઓસ્ટ્રેલિયાને ‘ડાઉન અંડર’ ઉપનામ આપવામાં આવ્યું છે. આ ઉપનામને એડિલેડની ઉત્તરે આવેલું નાનકડું ટાઉન કૂબર પેડી નવી ઊંચાઈએ નહીં, પરંતુ ઊંડાઈએ લઈ જાય છે. આ ટાઉનમાં ભયંકર ગરમીથી બચવા 2,000 જેટલા રહેવાસીઓ અંડરગ્રાઉન્ડ રહે છે. કૂબર પેડીમાં ઉનાળા દરમિયાન રણનું તાપમાન એટલું વધી જાય છે કે પક્ષીઓ આકાશમાંથી પડી જતા હોય છે. રણમાં 45 ડિગ્રીની આસપાસનું તાપમાન અસહનીય બની જાય છે. સ્થાનિકો ટેકરીઓમાં ડગઆઉટ એટલે કે ગુફા જેવા આવાસમાં રહે છે. આશરે 2,000ની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં પ્રવાસીઓની સતત અવરજવર રહે છે. અંડરગ્રાઉન્ડ આર્ટ ગેલેરી, વાઇન બાર, દુકાનો, લાઈબ્રેરી અને ચર્ચ તેને ખાસ બનાવે છે. જમીનમાંથી બહાર નીકળેલા વેન્ટિલેશન શાફ્ટના આધારે નીચેના સ્થળે મકાન હોવાની માહિતી મળે છે. અંડરગ્રાઉન્ડ મકાનોમાં તાપમાન ઓછું રહેતું હોવાથી એસીની જરૂર પડતી નથી. આ વિસ્તારના રહેવાસીઓ સવારનો મોટા ભાગનો સમય અંડરગ્રાઉન્ડ પસાર કરે છે અને સાંજ પડતા સાથે મળીને ગોલ્ફ રમવાનું પસંદ કરે છે.