લંડન
ચાન્સેલર જેરેમી હન્ટે તેમના બજેટ ભાષણમાં કાઉન્સિલ ટેક્સમાં વધારા અંગે કોઇ ઉલ્લેખ કર્યો નહોતો પરંતુ છેલ્લા એક દાયકાથી કાઉન્સિલ ટેક્સમાં વધારો કરવાની મર્યાદાને વધારવામાં આવી રહી છે. જેના કારણે સ્થાનિક સ્તરે ટેક્સનો બોજો વધવાની સંભાવના છે. આ મર્યાદા હટાવી લેવાના કારણે ટાઉન હોલ્સ જનમત લીધા વિના જ ટેક્સમાં પાંચ ટકાનો વધારો કરી શકશે. હાલની મર્યાદા પ્રમાણે કાઉન્સિલો જનમત લીધા વિના ટેક્સમાં 3 ટકાથી વધુનો વધારો કરી શકતી નથી. આ જોગવાઇના કારણે બેન્ડ ડી બિલમાં સરેરાશ 100 પાઉન્ડનો વધારો થઇ શકે છે. 2022-23 માટે ઇંગ્લેન્ડમાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા બેન્ડ ડી કાઉન્સિલ ટેક્સ 1966 પાઉન્ડ ઠરાવવામાં આવ્યો હતો. હવે જો તેમાં 3 ટકાનો પણ વધારો કરાય તો તે પહેલીવાર પ્રતિ વર્ષ 2000 પાઉન્ડ કરતાં વધી જશે.
જેરેમી હન્ટના બજેટ ભાષણમાં તેનો સીધો ઉલ્લેખ કરાયો નથી પરંતુ સરકાર ઇંગ્લેન્ડમાં સ્થાનિક સત્તાવાળાઓને એપ્રિલ 2023થી કાઉન્સિલ ટેક્સમાં 3 ટકાનો વધારો કરવાની છૂટછાટ આપવા જઇ રહી છે. સ્થાનિક સત્તાવાળાઓ તેમની સોશિયલ કેર જવાબદારીઓ નિભાવવા એડલ્ટ સોશિયલ કેર પ્રિસેપ્ટમાં બે ટકાનો વધારો કરી શકે છે.