લંડનઃ સ્વતંત્ર ભારત માટે એક જ ઓલિમ્પિક રમતોત્સવમાંમ બે મેડલ જીતીને પ્રથમ એથલિટ બનનારી ભારતીય શૂટર મનુ ભાકરે ઇતિહાસ રચ્યો છે. 22 વર્ષીય મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ વિમેન્સ ઇવેન્ટમાં કાંસ્ય પદક અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સરબજોતસિંહ સાથે કાંસ્ય પદક હાંસલ કર્યો હતો.
ભારત માટે એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનારા પ્રથમ એથલિટ નોર્મન પ્રિતચાર્ડ હતા. 1900માં પેરિસ ખાતે આયોજિત ઓલિમ્પિક રમતોત્સવમાં 200 મીટર હર્ડલ્સ અને 200 મીટર રેસમાં તેમણે રજત પદક જીત્યાં હતાં.
આમ તો કુલ ચાર ભારતીય એથલિટ ઓલિમ્પિક ગેમ્સમાં બે પદક હાંસલ કર્યા છે જેમાં મનુ ભાકેર અને નોર્મન પ્રિતચાર્ડ ઉપરાંત સુશીલ કુમાર અને પી વી સંધુનો સમાવેશ થાય છે. પરંતુ સુશીલ કુમાર અને પી વી સંધુએ અલગ અલગ ઓલિમ્પિક ગેમ્સમાં બે – બે પદક હાંસલ કર્યાં હતાં. આમ 124 વર્ષ બાદ કોઇ ભારતીય ખેલાડીએ ઓલિમ્પિક મહોત્સવમાં બે પદક જીતવાની સિદ્ધી હાંસલ કરી છે. હરિયાણામાં જન્મેલી મનુ ભાકેર પાસે હજુ એક મેડલ જીતીને ઇતિહાસ સર્જવાની તક પણ છે. હવે તે 25 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં પોતાનું કૌવત ઝળકાવે તેવી સંભાવના છે.