નવી દિલ્હીઃ એક સમયે ભારતની ટોચની એજ્યુટેક કંપની બાયજૂસની મુશ્કેલી વધી રહી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ)એ કરેલી અરજીના પગલે એનસીએલટીની બેંગલૂરુ બેન્ચે બાયજૂસ સામે ઇન્સોલ્વન્સી કેસ ચલાવવા મંજૂરી આપી દીધી છે. આ સાથે જ બાયજૂસને દેવાળિયા કંપની જાહેર કરવા કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. બીસીસીઆઈએ ગયા વર્ષે બાયજૂસની મૂળ કંપની થિન્ક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ રૂ. 158 કરોડની બાકી રકમ નહીં ચૂકવવાનો આરોપ લગાવતા તેની સામે અરજી દાખલ કરી હતી. આ રકમ ભારતીય ક્રિકેટ ટીમની જર્સીના સ્પોન્સરશિપ અધિકાર સાથે સંબંધિત વિવાદ સાથે જોડાયેલી હતી. સમગ્ર ઘટનાક્રમ અંગે બાયજૂસ તરફથી કહેવાયું હતું કે તે હજુ પણ બીસીસીઆઈ સાથે સૌહાર્દપૂર્ણ રીતે સમજૂતી કરવા માટે વિકલ્પ શોધી રહી છે.