નવી દિલ્હીઃ ભારતના ટોચના કોર્પોરેટ ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ 2025માં મેગા આઈપીઓ લાવે તેવી શક્યતા જોવાઈ રહી રહી છે તે વેળા આ કંપનીનું વેલ્યૂએશન ₹9.3 લાખ કરોડથી વધુ થશે તેવો અંદાજ છે.
અમેરિકન બ્રોકરેજ જેફરીઝે 11 જુલાઇએ રજૂ કરેલી તેની નોંધમાં કહ્યું છે કે જિયોનું લિસ્ટિંગ 112 બિલિયન ડોલરના વેલ્યૂએશન સાથે થશે તેવો અંદાજ છે જેને પગલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 7-15 ટકાનો ઉછાળો આવી શકે છે. તેણે રિલાયન્સમાં ‘બાય’નું રેટિંગ આપવાની સાથે શેરનો ભાવ ₹રૂ. 3580 થવાનો ટારગેટ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સનો શેર ગત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 22 ટકા ઉછળી ગયો છે. આ ગાળામાં નિફ્ટીમાં 12 ટકાનો સુધારો જોવાયો છે.
જિયો ફાઇનાન્સની જેમ લિસ્ટિંગ?
નોંધમાં વધુમાં જણાવાયું છે કે રિલાયન્સ જિયોનો સંપૂર્ણ આઈપીઓ સંભવતઃ લઘુમતી શેરધારકો દ્વારા ઓફર ફોર સેલ (ઓએફએસ) અંતર્ગત આવી શકે છે. રિલાયન્સ તેની સબસિડિયરી જિયોને અલગ કરીને પ્રાઈસ ડિસ્કવરીને આધારે તેનું લિસ્ટિંગ કરાવશે તેવી સંભાવના છે. સ્થાનિક અને વિદેશી રોકાણકારો જિયોને રિલાયન્સથી અલગ કર્યા બાદ લિસ્ટિંગ કરાવવાની તરફેણમાં હોવાનું જેફરીઝે કહ્યું હતું. ઓગસ્ટ 2023માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની ફાઈનાન્શિયલ સર્વિસીઝ કંપની જિયો ફાઈનાન્શિયલ સર્વિસીઝને અલગ કરીને પછી તેનું પ્રાઈસ ડિસ્કવરીને આધારે લિસ્ટિંગ કરાવ્યું હતું. ગયા મહિને રિલાયન્સ જિયો ઈન્ફોકોમે નવા ટેરિફ પ્લાન જાહેર કર્યા હતા. જેફરીઝે કહ્યું હતું કે ટેરિફમાં વધારાથી સંકેત મળે છે કે જિયો મોનિટાઈઝેશન પર ફોક્સ કરી રહી છે અને તેનો માર્કેટ હિસ્સો વધી રહ્યો છે.