કોલકતાઃ ટાટા મોટર્સને પશ્ચિમ બંગાળમાં સિંગુર ખાતે નેનો કારના પ્લાન્ટની સ્થાપના વેળા હિંસક વિરોધ પ્રદર્શનના પગલે આ ગુજરાત ખસેડવા ફરજ પડી હતી. જોકે ત્યાં સુધીમાં રૂ. 1000 કરોડ ખર્ચાઇ ગયા હોવાથી ટાટા ગ્રૂપે રાજ્ય સરકાર પાસે વળતર માંગ્યું હતું. હવે આ વિવાદમાં પશ્ચિમ બંગાળ સરકારે ટાટા મોટર્સને થયેલા નુકસાન પેટે 766 કરોડ રૂપિયા ચૂકવવા આદેશ થયો છે.
આ મુદ્દે ટાટા મોટર્સ અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે આર્બિટ્રેશન કોર્ટમાં કેસ ચાલતો હતો જેમાં ટાટાની ફેવરમાં ચુકાદો આવ્યો છે. જમીન અધિગ્રહણ વિવાદમાં ટાટાએ પોતાનો પ્લાન્ટ ખસેડવો પડ્યો તેના સંદર્ભમાં બંગાળ સરકારે ટાટાને 766 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. હિંસક આંદોલનના પગલે 2008માં સિંગુર પ્લાન્ટ ગુજરાત ખસેડાયો હતો.
સપ્ટેમ્બર 2016થી અત્યાર સુધીના સમયગાળા માટે 11 ટકા વ્યાજ સાથે પશ્ચિમ બંગાળ સરકારે ટાટા જૂથને આ રકમ ચૂકવવી પડશે. પશ્ચિમ બંગાળમાં સિંગુર ખાતે જમીન અધિગ્રહણ વખતે વિવાદ થયો હતો જેની આગેવાની મમતા બેનરજીએ લીધી હતી. બંગાળમાં તે સમયે ડાબેરી સરકાર હતી અને તૃણમુલ કોંગ્રેસના મમતા બેનરજી ટાટાના પ્લાન્ટના એક લડાયક વિરોધી તરીકે ઉભરી આવ્યા હતા. હવે તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે ત્યારે ટાટા જૂથને 766 કરોડની જંગી રકમ ચૂકવવા આદેશ અપાયો છે.