અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ આનંદધામ - હીરાપુર ખાતે સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામી લિખિત આઠમા પુસ્તક ‘સત્સંગ સુધારસ - 4’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઈ, લેખક રવિ ભટ્ટ અને ડો. તેજસભાઈ ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તક પ્રકાશન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા પાઠવતાં જણાવ્યું છે કે, ‘પુસ્તક એટલે પ્રેરણા અને સત્સંગનો સુધારસ. કુમકુમ મંદિરે ધર્મપ્રિય પરિવારો માટે સત્સંગ અને શાસ્ત્રોના નિચોડસમા પુસ્તકો આપ્યા છે. હું શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી લિખિત આ પુસ્તક પ્રસંગે તેમને આદરપૂર્ણ નમસ્કાર સાથે એમના યશસ્વી પ્રકાશન માટે શુભકામના પાઠવું છું.’ આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ‘દુનિયાની દરેક સફળ વ્યક્તિઓમાં એક સદ્ગુણ કોમન જોવા મળે છે, અને તે છે નિયમિત વાંચન. જો આપણે સફળ થવું હોય તો આપણે પણ નિત્ય વાંચનની ટેવ રાખવી જોઈએ.’